સ્થાનિક યાદવાસ્થળીને કારણે ઉત્તરાખંડના CM રાવતે​ આપ્યું રાજીનામું

10 March, 2021 10:01 AM IST  |  Dehradu | Agency

સ્થાનિક યાદવાસ્થળીને કારણે ઉત્તરાખંડના CM રાવતે​ આપ્યું રાજીનામું

ત્રિવેન્દ્ર સિંહ રાવત

બીજેપીના ઉત્તરાખંડ એકમમાં નેતૃત્વ તરફ અસંતોષને પગલે એ રાજ્યના મુખ્ય પ્રધાનના હોદ્દા પરથી ત્રિવેન્દ્ર સિંહ રાવતે રાજીનામું આપ્યું હતું. ગઈ કાલે રાવતે રાજીનામું રાજ્યપાલ બેબીરાની મૌર્યને સોંપ્યા પછી પત્રકાર પરિષદમાં એ બાબતની જાહેરાત કરી હતી. રાજ્યમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો વચ્ચે સોમવારે રાવત બીજેપીના પ્રમુખ જે. પી. નડ્ડાને મળ્યા હતા. આવતા વર્ષે ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણી પૂર્વે નેતૃત્વમાં પરિવર્તન મહત્ત્વપૂર્ણ મનાય છે. રાજીનામા પહેલાં રાવતે પોતાના વિશ્વાસુ ગણાતા કૅબિનેટ પ્રધાન મદન કૌશિક અને સ્ટેટ મિનિસ્ટર ધન સિંહ રાવત સાથે બંધબારણે બેઠક કરી હતી. ધન સિંહ રાવત મુખ્ય પ્રધાન બનવાની રેસમાં સૌથી આગળ છે.

ગઈ કાલે પત્રકાર પરિષદમાં રાજીનામાની જાહેરાત કરતાં ત્રિવેન્દ્ર સિંહ રાવતે જણાવ્યું હતું કે ‘મેં મુખ્ય પ્રધાનના હોદ્દા પરથી રાજીનામું રાજ્યપાલ બેબીરાની મૌર્યને સુપરત કર્યું છે. પક્ષે મને ચાર વર્ષ રાજ્યની સેવા કરવાનો અવસર આપ્યો. આવો અવસર મને પ્રાપ્ત થશે એવું મેં વિચાર્યું નહોતું. બીજેપીએ હવે રાજ્યના મુખ્ય પ્રધાનરૂપે સેવાનો અવસર અન્યને સોંપવાનો નિર્ણય લીધો છે. આ હોદ્દા પર મારા ચાર વર્ષ પૂરાં થવાને નવ દિવસ બાકી છે. આજે સવારે ૧૦ વાગ્યે બીજેપીના ઉત્તરાખંડ એકમના કાર્યાલયમાં રાજ્યના પક્ષના વિધાનસભ્યોની બેઠક યોજાઈ છે.’

ગયા અઠવાડિયે બીજેપીના કેન્દ્રિય પ્રતિનિધિઓ દુષ્યંત કુમાર ગૌતમ અને રમણ સિંહે દહેરાદૂન પહોંચીને પક્ષનાં વિવિધ જૂથોનાં મંતવ્યો જાણ્યાં પછી એનો અહેવાલ પક્ષ પ્રમુખ જે. પી. નડ્ડાને સોંપ્યો હતો. ગઈકાલે સવારે દુષ્યંત કુમાર ગૌતમે ત્રિવેન્દ્ર સિંહના રાજીનામાની શક્યતા નકારતાં જણાવ્યું હતું કે ‘રાવત મુખ્ય પ્રધાનપદે સારી કામગીરી બજાવી રહ્યા છે. તેમના પર ભ્રષ્ટાચારનો એકપણ આરોપ નથી. તેમની કાર્યપદ્ધતિ બાબતે પ્રશ્નો ઊભા કરવા વાજબી નથી.’

યોગીને કારણે ગઈ રાવતની ખુરશી?
દેહરાદૂન : ઉત્તરાખંડમાં ૭૦ પૈકી ૫૭ સીટ લઈને બીજેપી સત્તા પર આવ્યું હતું. જોકે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ જે રીતે કામ કરતા હતા એની ઝડપ ત્રિવેન્દ્ર સિંહ રાવતને નડી ગઈ હતી. લોકો વડા પ્રધાન મોદીથી નારાજ નથી, પરંતુ યોગીની સરખામણીમાં રાવત એમને નિષ્ક્રિય લાગતા હતા. આવતા વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

national news dehradun uttarakhand