રક્ષામંત્રી રાજનાથ સિંહે સૈન્યની ત્રણેય પાંખને સાબદા રહેવા સુચના આપી

22 July, 2020 04:47 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

રક્ષામંત્રી રાજનાથ સિંહે સૈન્યની ત્રણેય પાંખને સાબદા રહેવા સુચના આપી

રાજનાથ સિંહે ગણતરીના દિવસો પહેલાં જ લદાખની મુલાકાત લીધી હતી.

રક્ષામંત્રી રાજનાથ સિંહે (Defence minister Rajnath Singh) સૈન્યને જરૂર પડ્યે ટૂંક સમયની સુચનાએ તૈયાર રહેવા કહ્યું છે. ચીન (China) તરફ ઇશારો કરતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે આજે લદ્દાખની (Ladakh) સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય વાયુસેનાને જે રીતે ત્વરીત તૈનાત કરાઇ છે તે વિરોધીઓને સ્પષ્ટ અને આકરો સંદેશ છે. આટલું જ નહીં પણ ધી પ્રિન્ટમાં આવેલા એક રિપોર્ટ અનુસાર ભારતીય સૈનાની ત્રણેય પાંખ આર્મી, નેવી અને એરફોર્સને લાઇન ઑફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) પરનાં તણાવને ધ્યાનમાં રાખી સજ્જ રહેવા કહેવાયું છે. બની શકે કે ચીન અને પાકિસ્તાન (Pakistan) તરફથી કોઇ જોખમ આવે અને માટે જ આ પગલું લેવાયું છે. સૈન્યની ત્રણેય પાંખ વચ્ચે કો-ઓર્ડિનેશન કરીને જ આ પગલાં લેવાઇ રહ્યા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે બુધાવરે IAF કમાંડર્સને સંબોધ્યા હતા અને LAC પરનાં સંજોગોને ધ્યાનમાં રાખીને જરૂર પડ્યે તો કોઇપણ પરિસ્થિતિ સંભાળવા સજ્જ રહેવાની સુચના આપી હતી. તેમણે IAFનાં કમાન્ડર્સને બિરદાવ્યા હતા કારણકે અનેક પડકારો વચ્ચે પણ તેઓ સરહદ પર પુરતી સજ્જતા જાળવી રહ્યા છે અને IAF ટૂકડીઓનું ઝડપથી તૈનાત થવું પણ પૂર્વિય લદ્દાખનાં તણાવનું જ પરિણામ છે જેથી વિરોધીઓને આકરો સંદેશ મળે. સુત્રો અનુસાર LAC પરનો તણાવ તો છે જ પણ લાઇન ઑફ કંટ્રોલ – LoC તરફ પાકિસ્તાન તરફથી કંઇપણ પગલું લેવાય તો તરત સામે જવાબ આપી શકાય તે રીતે સૈન્યને સજ્જ કરાયું છે.

તેમના મતે પાકિસ્તાનની ચૂપકીદી ભરમાળી અને શંકા પેદા કરે તેવી છે કારણકે તેમણે ધાર્યા અનુસાર LoC પર કોઇ છમકલાં નથી કર્યા અને કોઇ દેખીતી મોટી હિલચાલ પણ નથી થઇ. ધી પ્રિન્ટમાં આપેલા રિપોર્ટ અનુસાર ડર તો એ છે કે ચીન આપણને લદ્દાખમાં વ્યસ્ત રાખે અને પછી બીજા કોઇ ક્ષેત્રમાં સળી કરે, કદાચ અરુણાચલ તરફ અને આ સાથે પાકિસ્તાન તરફથી LoC પર દબાણ ખડું થઇ શકે છે.

આ સંજોગોમાં સૈન્યની ત્રણેય પાંખે બંન્ને તરફ જરૂરી પગલાં લીધા છે અને તેઓ સાબદાં છે. MiG29K- ફાઇટર જેટ્સની અડધી સ્ક્વોડ્રન પણ ગોઆથી અહીં મંગાવી લેવાઇ છે. એરક્રાફ્ટસ પણ એ રીતે રખાયા છે કે તેઓ પાકિસ્તાન કે ચીન કોઇપણ તરફથી કંઇપણ થાય તો તરત જવાબ વાળી શકે. ટૂંકા ગાળાના અને વ્યુહાત્મક જોખમો માટે સૈન્ય સાબદું છે અને ત્વરીત સૂચનાનો અમલ પણ કરી શકે તે રીતે તૈયાર છે.

rajnath singh ladakh national news china pakistan indian army