કોરોના ઍક્ટિવ કેસ વધુ હોય ત્યાં રસીને વેગ આપવા રાજ્યોને કેન્દ્રનો આદેશ

07 March, 2021 09:27 AM IST  |  New Delhi | Agency

કોરોના ઍક્ટિવ કેસ વધુ હોય ત્યાં રસીને વેગ આપવા રાજ્યોને કેન્દ્રનો આદેશ

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના નવા કેસમાં વધારો નોંધાયો હોય અને એક્ટિવ કેસનું ઊંચું ભારણ હોય તેવાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ‘ટેસ્ટ, ટ્રેક અને ટ્રિટ (સારવાર)’ની રણનીતિ યથાવત્ રાખવા અને વ્યાપક ઇન્ફેક્શન ધરાવતા જિલ્લાઓમાં પ્રાથમિકતા ધરાવતાં વસ્તી-જૂથો માટે સઘન રસીકરણ હાથ ધરવા જણાવાયું છે.

શનિવારે યોજાયેલી મીટિંગમાં તેમને ઓછામાં ઓછા ૧૫ દિવસ માટે અને વધુમાં વધુ ૨૮ દિવસ માટે રસીકરણનું ટાઇમટેબલ શરૂ કરવા ખાનગી હૉસ્પિટલો સાથે જોડાણ સાધવા માટે જણાવવામાં આવ્યું છે.

સાથે જ તેમને એન્ટિજન ટેસ્ટિંગ પર વ્યાપકપણે નિર્ભર હોય તેવાં રાજ્યોમાં આરટી-પીસીઆર ટેસ્ટનું પ્રમાણ વધારવા, સંખ્યાબંધ કેસ આવી રહ્યા હોય તેવા નિશ્ચિત જિલ્લાઓના તે વિસ્તારોનું ચુસ્તપણે કન્ટેનમેન્ટ કરવા માટે તથા પ્રત્યેક પૉઝિટિવ કેસમાં ઓછામાં ઓછી ૩૦ વ્યક્તિઓનું ક્લોઝ કૉન્ટૅક્ટ ટ્રેસિંગ હાથ ધરવા માટે જણાવવામાં આવ્યું છે.

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ અને નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) વિનોદ કે. પૌલે શનિવારે દિલ્હી અને ચંડીગઢ જેવા કેન્દ્રશાસિત પ્રદેશો તથા હરિયાણા, આંધ્ર પ્રદેશ, ઓડિશા, ગોવા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના આરોગ્ય સચિવો તથા નૅશનલ હેલ્થ મિશનના મિશન ડિરેક્ટર્સ સાથે સંવાદ કર્યો હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

coronavirus covid19 national news