ખેડૂત આંદોલન મામલે રિહાનાના ટ્વીટનો અમિત શાહે આપ્યો જવાબ

04 February, 2021 09:20 AM IST  |  New Delhi/Washingto | Agency

ખેડૂત આંદોલન મામલે રિહાનાના ટ્વીટનો અમિત શાહે આપ્યો જવાબ

અમિત શાહ

ખેડૂત આંદોલન મામલે ટ્વીટ કરવાનું પૉપ ગાયિકા રિહાના અને જલવાયુ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગને ભારે પડી શકે છે. યુનિયન હોમ મિનિસ્ટર અમિત શાહે ખેડૂત આંદોલનના નામે ભારતવિરોધી પ્રોપેગેન્ડા કરનારાઓની ટીકા કરતી વખતે ભારતના વિદેશ મંત્રાલયના વક્તવ્યને ટાંક્યું હતું. અમિત શાહે કહ્યું હતું કે કોઈ પ્રોપેગેન્ડા ભારતની એકતાને તોડી નહીં શકે. કોઈ પણ પ્રચાર ભારતને નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવાથી રોકી નહીં શકે. પ્રોપેગેન્ડાથી નહીં, ભારતના ભાગ્યનો નિર્ણય પ્રૉગ્રેસથી જ થઈ શકે છે. ભારત એકજૂટ થઈને ઊભું છે અને સાથે મળીને પ્રગતિ કરી રહ્યું છે. રમતગમત અને બૉલીવુડના સેલિબ્રિટીઓએ પણ રિહાનના ટ્વીટની ટીકા કરી હતી.

દેશમાં અંદર-અંદર ફુટ પડાવવાના સ્પષ્ટ ઇરાદા સાથે ભારતની આંતરિક બાબતો વિશે ઘણી પાંખી માહિતી ધરાવતાં અમેરિકાના ઉપ-પ્રમુખ કમલા હૅરિસના ભત્રીજી મીના હૅરિસ અને કેટલીક આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત મનાતી હસ્તીઓએ ગઈ કાલે નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ભારતના ખેડૂતોને ટેકો જાહેર કર્યો હતો.

આંતરરાષ્ટ્રીય હસ્તીઓ દ્વારા કરાયેલી આ ચેષ્ટા સામે આકરા પ્રતિભાવ આપતાં ભારત સરકારે તેમને “સ્થાપિત હિત ધરાવતા જૂથો” તરીકે ગણાવી તેમના દ્વારા જાહેર કરાયેલા ટેકાને “ સનસનાટીભર્યા સોશિયલ મીડિયા હેશટેગ્સ અને ટિપ્પણીઓ “ગણાવ્યા હતાં, જે ન તો ચોક્કસ હોય છે કે ન તો જવાબદારી ભર્યા હોય છે.

અમેરિકન પોપ સિંગર રિહાનાએ મંગળવારે રાત્રે ટ્વિટર પર ભારતમાં ખેડૂતોના વિરોધના સમાચારની લિન્ક પોસ્ટ કરી ટ્વીટ કર્યું હતું કે આપણે આ વિષય પર શા માટે નથી બોલી રહ્યાં ?

તેની આ પોસ્ટ બાદ ગઈ કાલે સવારથી ટ્વિટર પર લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. રોષે ભરાયેલા ભારતીયોએ રિહાના પાસે તેનો પરિચય માંગી ભારતની આંતરિક બાબતો પરના તેના જ્ઞાન વિશે આકરી ભાષામાં સવાલો કર્યા હતાં. રિહાનાના ટ્વીટ બાદ ગ્રેટા થનબર્ગ, મીના હેરિસ, મિયા ખલીફાએ પણ ટ્વીટ કર્યા હતાં.

ભારત સરકારના વિદેશ મંત્રાલયે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘આવા મુદ્દે પોતાનો વિચાર વ્યકત કરતા પહેલા હકીકત જાણવી જોઈએ. સોશ્યલ મીડીયામાં વકતવ્યો કરી સનસની મચાવવી સારી બાબત નથી.’

national news amit shah rihanna