જ્વેલરે 150 જણને બોલાવીને ઉજવ્યો બર્થડે, Covid-19માં જીવ ગુમાવ્યો

06 July, 2020 02:02 PM IST  |  Hyderabad | Gujarati Mid-Day Online Correspondent

જ્વેલરે 150 જણને બોલાવીને ઉજવ્યો બર્થડે, Covid-19માં જીવ ગુમાવ્યો

પ્રતીકાત્મક તસવીર

હૈદરાબાદનાં એક જ્વેલરે પોતાની બર્થડે પાર્ટી આ સંજોગમાં પણ યોજવાનું નક્કી કર્યું. તેણે પાર્ટીમાં દોઢસો જણાને બોલાવ્યા અને શુક્રવારે તેનું કોરોનાવાઇરસ સંક્રમણને કારણે મોત થઇ ગયું. આ પગલે તેની પાર્ટીમાં આવેલા લોકોના હાજાં ગગડી ગયા છે અને તેઓ ગભરાયા છે. આ પાર્ટી બે અઠવાડિયા પહેલા યોજાઇ હતી અને 63 ર્ષનાં ઝવેરીના સગાઓ તથા મિત્રોએ તે અટેન્ડ કરી હતી. બીજો એક જ્વેલર જેણે આ પાર્ટીમાં હાજરી આપી હતી તેનું મોત પણ Covid-19ને કારણે જ થયું હતું. અધિકારીઓને શંકા છે કે તેને પાર્ટી યોજનારા હોસ્ટને કારણે ચેપ લાગ્યો હોઇ શકે છે.

તેલંગાણા રાષ્ટ્ર સમિતિના એક રાજકારણી અને અન્ય 11 જણા જે આ પાર્ટીમાં ગયા હતા તેમના કોરોના ટેસ્ટ્સ પણ પૉઝિટીવ આવ્યા છે અને અલગ અલગ સ્થળે તેઓ સારવાર લઇ રહ્યા છે. આ પાર્ટીમાં હાજરી આપવામાં અગ્રણી રાજકારણીઓ, ઝવેરીઓ અને જાણીતા લોકો હતા આ પાર્ટીને બહુ જ છાની અને સિક્રેટ રખાઇ હતી. રાજ્યનાં સ્વાસ્થ્ય અધિકારીઓએ કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી શરૂ કરી છે.

તેલંગણા હેલ્થ વિભાગનાં સુત્રો અનુસાર પાર્ટીનાં ત્રણ દિવસ પછી એક જ્વેલર જે તેમાં મહેમાન હતા તેમને કોરોનાવાઇરસનાં લક્ષણો દેખાયા અને તેમને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયા જ્યા તે પૉઝિટીવ હોવાની ખબર પડી, તેઓ સોમવારે ગુજરી ગયા. ત્યાર બાદ પાર્ટી યોજનારા હોસ્ટ-યજમાનને પણ કોરોના હોવાની ખબર પડી અને તેઓ શુક્રવારે આ વાઇરસની સામે હારી ગયા તથા એક ખાનગી હૉસ્પિટલમાં તેમનું મોત થયું.

એક અંગ્રેજી અખબારને આપેલા ક્વોટમાં રાજ્યના સ્વાસ્થ્યમંત્રી એટાલા રાજેન્દ્રએ કહ્યું કે, લોકો નિયમનું પાલન નથી કરતા તેથી હૈદરાબાદમાં કેસિઝ વધી રહ્યા છે. લોકો બર્થડે પાર્ટી ઉજવે છે, સગાઇ કરે છે અથવા કોઇ જન્મ્યું હોય તો ય ઘરમાં ભેગા થાય છે. વાઇરસ ફેલાવવા માટે એક જ જણ પુરતો છે પણ લોકો સમજતા નથી.

તેલંગણામાં ખાસ કરીને હૈદરાબાદમાં છેલ્લા ત્રણ ચાર અઠવાડિયાથી કોરોનાવાઇરસનાં કેસિઝની સંખ્યા વધી રહી છે. કોરોના કેસિઝનો આંકડો હૈદરાબાદમાં 22,000ની પાર ગયો છે અને શનિવારે જ 1850 નવા કેસ નોંધાયા છે. ગ્રેટર હૈદરાબાદમાં 1572 કેસિઝ નોંધાયા છે.

hyderabad coronavirus national news covid19