મોબાઇલ ઑપરેટરની માફક હવે વીજ-કંપનીની પસંદગી કરી શકાશે

07 December, 2014 06:58 AM IST  | 

મોબાઇલ ઑપરેટરની માફક હવે વીજ-કંપનીની પસંદગી કરી શકાશે


કેન્દ્ર સરકારે ગઈ કાલે જાહેરાત કરી હતી કે ઇલેક્ટ્રિસિટી ઍકમાં નોંધપાત્ર સુધારા કરવામાં આવશે અને એ સુધારા અમલી બન્યા બાદ ગ્રાહકોને પોતાની વીજળી વિતરણ કંપની પસંદ કરવાનો અધિકાર મળશે. જો કોઈ ગ્રાહક તેની વર્તમાન વીજળી વિતરણ કંપનીની સર્વિસથી નારાજ હશે તો તે એવી બીજી કંપની પાસેથી વીજળી ખરીદી શકશે.
કૉન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝના નવી દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કેન્દ્રના વીજળી અને કોલસાપ્રધાન પીયૂષ ગોયલે મીડિયાને જણાવ્યું હતું કે ‘ઇલેક્ટ્રિસિટી ઍકમાં સુધારા વિશે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ પક્ષોનો અભિપ્રાય લેવા અમે આ વિશેનો મુસદ્દો જાહેર ચર્ચા માટે રજૂ કર્યો હતો. એના અનુસંધાને અનેક સૂચનો મળ્યાં છે.’

‘ગ્રાહકોને વિકલ્પો મળી રહે એ હેતુસર વીજળી મેળવવાની બાબતમાં છેલ્લા તબક્કા સુધી સ્પર્ધાની પરવાનગી આપવાની વિચારણા સરકાર કરી રહી છે જેથી વીજળીના દરમાં ઘટાડો થઈ શકે, કૉમ્પિટિટિવનેસ વધે અને ગ્રાહકોને બહેતર સર્વિસ મળી શકે. આમ કરવાથી રાજ્યોને પણ લોકોની બહેતર સર્વિસ કરવામાં મદદ મળશે’ એવું પીયૂષ ગોયલે જણાવ્યું હતું.

ગ્રાહકો વીજપુરવઠો પૂરો પાડતી કંપનીની પસંદગી કરી શકશે કે કેમ એવા સવાલના જવાબમાં પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં આવો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ કેટલાક અદાલતી ચુકાદાને કારણે આ વ્યવસ્થા આગળ વધી નથી શકી. જોકે કેન્દ્ર સરકાર આ દિશામાં તબક્કા વાર આગળ વધશે.’ મહારાષ્ટ્રમાં આ વ્યવસ્થા શા માટે સફળ ન થઈ એવું પૂછવામાં આવતાં પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ‘ઇલેક્ટ્રિસિટી ઍક-૨૦૦૪માં કેટલીક મુશ્કેલી હતી એને કારણે આવું થયું હતું. અમે એમાં સુધારા કરીને એ મુશ્કેલી દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’