મધ્ય પ્રદેશમાં પ્રવાસી બસ નહેરમાં ખાબકતાં 20 મહિલા સહિત 45નાં મોત

17 February, 2021 02:30 PM IST  |  Madhya Pradesh | Agency

મધ્ય પ્રદેશમાં પ્રવાસી બસ નહેરમાં ખાબકતાં 20 મહિલા સહિત 45નાં મોત

સીધીમાં થયેલી બસ-દુર્ઘટના બાદ બચાવ-અભિયાનમાં વ્યસ્ત એનડીઆરએફના જવાનો. તસવીર : પી.ટી.આઇ.

મધ્ય પ્રદેશના સીધી જિલ્લાના પાટના ગામ પાસેના બ્રિજ પરથી પસાર થતી બસ બાવીસ ફુટ ઊંડી નહેરમાં ખાબકતાં ૪૫ જણ મૃત્યુ પામ્યાં હતાં. રેવા ક્ષેત્રના ડિવિઝનલ કમિશનરે જણાવ્યું હતું કે ‘ગઈ કાલે સવારે ૮.૩૦ વાગ્યે સીધી જિલ્લાના મુખ્ય મથકથી ૮૦ કિલોમીટર દૂર પાટના ગામ પાસે દુર્ઘટના ઘટી હતી. બસમાં ૫૪ મુસાફરો હતા. એમાંથી ૨૦મહિલાઓ, ૨૪ પુરુષો અને બાળક સહિત ૪૫ મૃતદેહ સરકારી બચાવ અને રાહત ટુકડીઓએ બહાર કાઢ્યા છે. ડ્રાઇવર સહિત સાત જણ નહેરમાં તરીને કિનારે પહોંચી ગયા હતા. બાણસાગર નહેર દુર્ઘટનાની મૅજિસ્ટ્રેટ દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

આ બસ સીધીથી સતના જઈ રહી હતી ત્યારે સામેથી બોલેરા ગાડી આવી રહી હતી ત્યારે બસને સાઇડ કરવા જતાં ડ્રાઇવર બૅલૅન્સ ગુમાવી બેઠો હતો અને બસ નહેરમાં ખાબકી હતી. નર્સિંગની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ બસમાં સવાર હતા. દુર્ઘટના બાદ બાણસાગર ડૅમમાંથી છોડવામાં આવતું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે, જેનાથી બસને પાણીના તેજ વહેણમાંથી તણાઈ જતી રોકી શકાય. ક્રૅનની મદદથી પહેલાં બસને શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મધ્ય પ્રદેશના પરિવહનપ્રધાન ગોવિંદ રાજપૂતે જણાવ્યું કે ‘બસની પરમિટ રદ કરીને ટ્રાન્સપોર્ટ કમિશનરને આ દુર્ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસમાં જે પણ દોષી પુરવાર થશે તેને છોડવામાં નહીં આવે.’વડા પ્રધાન મોદીએ આ ઘટના વિશે દુઃખની લાગણી વ્યક્ત કરતાં પ્રધાનમંત્રી રાહત ફન્ડમાંથી મરનારના પરિવારને બે લાખ રૂપિયા રાહત આપવાની તેમ જ ઈજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયા વળતર આપવાની ઘોષણા કરી હતી. મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે પણ આ દુર્ઘટના અંગે દુખ વ્યકત કરતા મરનારના પરિવારજનોને ૫-૫ લાખ રૂપિયા આપવાની ઘોષણા કરી હતી.

યુવતીએ બે પ્રવાસીઓને બચાવ્યા
બસ જ્યારે નહેરમાં ખાબકી હતી ત્યારે ત્યાં શિવરાની નામની યુવતીએ આ ઘટનાને જોઈ હતી. તેણે તુરંત નહેરમાં ભૂસકો મારી બે યાત્રીઓને બચાવ્યા હતા. મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચવાણે એની પ્રશંસા કરી છે.

national news madhya pradesh