લાલ કિલ્લાનો વિલન દીપ સિદ્ધુ હરિયાણામાં છુપાઈને બેઠો હતો

10 February, 2021 11:57 AM IST  |  New Delhi | Agency

લાલ કિલ્લાનો વિલન દીપ સિદ્ધુ હરિયાણામાં છુપાઈને બેઠો હતો

દિલ્હી પોલીસના સકંજામાં આરોપી દીપ સિદ્ધુ. તસવીર : પી.ટી.આઇ.

પ્રજાસત્તાક દિને દિલ્હીના લાલ કિલ્લા પરિસરમાં હિંસાની ઉશ્કેરણીના આરોપસર અભિનેતા દીપ સિદ્ધુની ધરપકડ ગઈ કાલે નવી દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે કરી હતી. સ્પેશ્યલ સેલનો અખત્યાર સંભાળતા નાયબ પોલીસ કમિશનર સંજીવ કુમાર યાદવે સોમવારે રાતે ૧૦.૪૦ વાગ્યે કરનાલ બાયપાસ પરથી દીપ સિદ્ધુની ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લાલ કિલ્લા પરિસરમાં હિંસાની ઉશ્કેરણીમાં દીપ સિદ્ધુની ભૂમિકાની વિગતવાર તપાસ દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ કરશે.ગઈ કાલે તેને કોર્ટમાં રજૂ કરાતા સાત દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

દીપ સિદ્ધુ ક્યાં છુપાયો છે તેની અથવા તેની ધરપકડ તરફ દોરી જતી માહિતી આપનારને એક લાખ રૂપિયાનું ઇનામ પોલીસે જાહેર કર્યું હતું. ૨૬ જાન્યુઆરીએ ખેડૂત આંદોલનકારીઓની ટ્રૅક્ટર પરેડની આડશમાં તોફાની તત્ત્વોએ કરેલી હિંસામાં એક દેખાવકાર મૃત્યુ પામ્યો હતો અને લગભગ ૫૦૦ જેટલા પોલીસ-જવાનો ઘાયલ થયા હતા.

તોફાનો પછી દીપ સિદ્ધુ હિંસાના વિડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરાવતો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યા પ્રમાણે તોફાનો શમી ગયાં પછી દીપ સિદ્ધુ હિંસાના વિડિયો કૅલિફૉર્નિયામાં રહેતી તેની સ્ત્રીમિત્રને મોકલતો હતો. તે સ્ત્રીમિત્ર એ બધા વિડિયો ફેસબુક પર અપલોડ કરતી હતી. દીપ સિદ્ધુ ધરપકડથી બચવા માટે તેનાં છુપાવાનાં સ્થાન બદલતો રહેતો હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.

national news new delhi republic day red fort