કર્ણાટક: વિસ્ફોટમાં 8 મજૂરોનું મોત, પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

22 January, 2021 10:21 AM IST  |  Karnataka | Gujarati Mid-day Online Correspondent

કર્ણાટક: વિસ્ફોટમાં 8 મજૂરોનું મોત, પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

નરેન્દ્ર મોદી

કર્ણાટકના શિવમોગા જિલ્લામાં થયેલી આઘાતજનક ઘટના પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. શિવમોગામાં ગુરૂવારે રાત્રે એક ટ્રકમાં ભરેલા વિસ્ફોટકમાં જોરદાર ધમાકો થયો હતો. આ ધમાકામાં 8 લોકોનાં મોત નીપજ્યાં છે. આ ધમાકો એટલો જબરદસ્ત હતો કે આસપાસના વિસ્તારમાં આંચકા અનુભવાયા હતા. આવી સ્થિતિમાં લોકોને લાગ્યું કે ભૂકંપના આંચકા લાગી રહ્યા છે. આજે સવારે પોલીસ અને વરિષ્ઠ અધિકારીઓએ શિવમોગા જિલ્લાના હુનાસોડૂ ગામમાં બ્લાસ્ટ સ્થળની તપાસ કરી હતી. અકસ્માતનું કારણ શું છે તે જાણવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ દરમિયાન શિમોગાના સાંસદ બી.વાય. રાઘવેન્દ્ર પણ સ્થળ પર હાજર રહ્યા હતા.

શિવમોગાના જિલ્લા કલેક્ટર નંદ શિવકુમારે કહ્યું, 'હુનાસોડૂ ગામમાં એક રેલવે ક્રેશર સ્થળ પર એક ડાયનામાઈટ વિસ્ફોટમાં ઓછામાં ઓછા આઠ લોકોનાં મોત નીપજ્યાં છે. ગઈરાત્રે રાત્રે 10:20 વાગ્યે બ્લાસ્ટ થયો હતો.

પીએમ નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર દુ: ખ વ્યક્ત કર્યું છે. શિવમોગાની ઘટના સાંભળીને ખૂબ જ દુ:ખ થયું છે. શોકગ્રસ્ત પરિવારો પ્રતિ સંવેદના. ઈશ્વરથી પ્રાર્થના છે કે ઈજાગ્રસ્તો જલદીથી સાજા થઈ જાય. રાજ્ય સરકાર અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ કરી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ વિસ્ફોટક માઇનિંગના હેતુથી લઈ જવામાં આવ્યા હતા. રાત્રે લગભગ 10.30 વાગ્યે પત્થર તોડવાના એક સ્થળે ધડાકો થયો હતો. આ ધમાકાછી ચિક્કમગલુરુ અને દાવણગેરે જિલ્લામાં પણ આંચકા અનુભવાયા હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઘરોની બારીના કાંચ પણ તૂટી ગયા અને રસ્તા પર પણ તિરાડ પડી ગઈ હતી. જોકે, આ વિસ્ફોટ કેવી રીતે થયો અને તેના માટે કોણ જવાબદાર છે, એની કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

karnataka national news narendra modi