હેરાલ્ડ કેસમાં મુંબઈ અને કલકત્તાના હવાલા ઑપરેટર્સની સંડોવણીની શંકા

05 August, 2022 08:32 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઈડીને હવાલા લિન્ક મળી, સોનિયા અને રાહુલનાં સ્ટેટમેન્ટ્સની ફરી થશે તપાસ

રાહુલ ગાંધી, કૉન્ગ્રેસના નેતા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ મની લૉન્ડરિંગના આરોપોની ચાલી રહેલી તપાસના ભાગરૂપે નૅશનલ હેરાલ્ડ ન્યુઝપેપરની ઑફિસ સહિત ડઝનેક લોકેશન્સ પર મંગળવારે દરોડા પાડ્યા હતા. હવે કહેવામાં આવી રહ્યું છે કે અકાઉન્ટ બુક્સમાં શંકાસ્પદ એન્ટ્રીથી શંકાસ્પદ ટ્રાન્ઝૅક્શન્સ થયાં હોવાનું જાણવા મળ્યું છે. આ કેસ સંબંધે સમગ્ર દેશમાં સર્ચ ઑપરેશન કરનાર ઈડીએ હવાલા એન્ટ્રીની તપાસ કરી છે.

આ કેસની તપાસમાં ઈડીને એની સાથે સંકળાયેલી સંસ્થાઓની વચ્ચે હવાલા લેવડ-દેવડના પુરાવા મળ્યા છે. ઈડીના સોર્સિસ અનુસાર યંગ ઇન્ડિયનની પ્રિમાઇસિસ પર સર્ચ કર્યા બાદ ઈડી હવે વધુ પગલાં લઈ શકે છે. એ સિવાય કૉન્ગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનાં સ્ટેટમેન્ટ્સની ફરી ચકાસણી કરવામાં આવશે.

ઈડીના સોર્સિસે જણાવ્યું હતું કે નૅશનલ હેરાલ્ડની સાથે સંકળાયેલી સંસ્થાઓ અને થર્ડ પાર્ટીની વચ્ચે હવાલા લેવડ-દેવડના પુરાવા મળ્યા છે. યંગ ઇન્ડિયનની ઑફિસમાંથી દસ્તાવેજી પુરાવા મળ્યા છે કે જે મુંબઈ અને કલકત્તાના હવાલા ઑપરેટર્સની સાથે હવાલા લેવડ-દેવડને દર્શાવે છે.

ઈડી સોનિયા અને રાહુલના એ દાવાથી સંમત નથી કે એજેએલ (અસોસિએટેડ જર્નલ લિમિટેડ) અને યંગ ઇન્ડિયનના સંબંધમાં તમામ નાણાકીય નિર્ણયો કૉન્ગ્રેસના સ્વર્ગસ્થ નેતા મોતીલાલ વોરા દ્વારા લેવામાં આવતા હતા.

દરોડાની કાર્યવાહી ફરી શરૂ કરી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ નૅશનલ હેરાલ્ડ ન્યુઝપેપરની માલિકી ધરાવતી કૉન્ગ્રેસની કંપની યંગ ઇન્ડિયનની ઑફિસમાં ગઈ કાલે દરોડાની કાર્યવાહીને ફરી શરૂ કરી હતી, જેના માટે નવી દિલ્હીમાં હેરાલ્ડ હાઉસ બિલ્ડિંગમાં કૉન્ગ્રેસના સિનિયર નેતા મલ્લિકાર્જુન ખડગે ઈડીના અધિકારીઓ સમક્ષ હાજર થયા બાદ આ કાર્યવાહી શરૂ થઈ હતી.

રાજ્યસભામાં વિપક્ષના નેતા બપોરે ૧૨.૪૦ વાગ્યે આ બિલ્ડિંગમાં પહોંચ્યા હતા અને ઈડીના સમન્સ પર એના અધિકારીઓને મળ્યા હતા. ખડગે આ કંપનીના પ્રિન્સિપાલ ઑફિસર હોવાના કારણે યંગ ઇન્ડિયનની ઑફિસમાં દરોડા દરમ્યાન ઈડીના અધિકારીઓ તેમની હાજરી ઇચ્છતા હતા.

યંગ ઇન્ડિયનમાં કૉન્ગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પ્રમોટર્સ છે અને મોટા ભાગનો હિસ્સો તેમની પાસે જ છે. ઈડીએ યંગ ઇન્ડિયનની સિંગલ-રૂમ ઑફિસને ટેમ્પરરી સીલ કરી હતી.

"અમે નરેન્દ્ર મોદીથી ડરતા નથી. તેમણે જે કરવું હોય એ કરે. તેઓ વિચારે છે કે પ્રેશર કરીને અમને ચૂપ કરી શકાય છે, પરંતુ અમને કોઈ ફરક પડતો નથી." : રાહુલ ગાંધી, કૉન્ગ્રેસના નેતા

રાહુલે આરએસએસને દેશદ્રોહી સંગઠન ગણાવતાં વિવાદ

‘હર ઘર તિરંગા’ અભિયાનને લઈને વિવાદ વધી રહ્યો છે. હવે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ને દેશદ્રોહી સંગઠન ગણાવતાં નવો વિવાદ સર્જાયો છે. રાહુલે એક ટ્વીટમાં લખ્યું હતું કે ‘કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગના તમામ સાથીઓને મળીને ખૂબ ખુશી થઈ. ઇતિહાસ સાક્ષી છે કે ‘હર ઘર તિરંગા’ આંદોલન ચલાવનારા એ જ દેશદ્રોહી સંગઠનમાંથી બહાર આવ્યા છે જેમણે ૩૨ વર્ષ સુધી ત્રિરંગો ફરકાવ્યો નહોતો. આઝાદીની લડાઈથી, કૉન્ગ્રેસ પાર્ટીને ત્યારે પણ તેઓ રોકી નહોતા શક્યા અને આજે પણ રોકી નહીં શકે.’ હવે આ વિશે બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રાએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘ત્રિરંગો કોઈ વ્યક્તિ કે પરિવારનો નથી. બીજેપી ઇચ્છે છે કે રાહુલ ગાંધી પણ દેશનો ત્રિરંગો પોતાના હાથમાં લે. રાહુલ અને કૉન્ગ્રેસે ત્રિરંગાનું રાજકારણ રમવાનું બંધ કરી દેવું જોઈએ.’

national news directorate of enforcement congress rahul gandhi sonia gandhi