ભારતમાં કોરોનાનાે કૅર :રાષ્ટ્રીય કટોકટી જાહેર કરાઈ

15 March, 2020 12:05 PM IST  |  New Delhi

ભારતમાં કોરોનાનાે કૅર :રાષ્ટ્રીય કટોકટી જાહેર કરાઈ

અમેરિકાએ કોરોના વાઇરસની ભયાનકતાને જોઈને રાષ્ટ્રીય કટોકટી જાહેર કર્યા બાદ ભારત સરકારે પણ આ રોગને ‘રાષ્ટ્રીય મહામારી’ તરીકે જાહેર કરતાં સમગ્ર દેશમાં હવે તેના સામના માટે વહીવટી તંત્ર ખાસ કરીને આરોગ્ય તંત્રને વધારે સજાગ કરી દેવામાં આવ્યું છે અને મહામારી જાહેર કરતાં કોરોનાની બીમારીને ઇમર્જન્સીનો દરજ્જો આપતાં કોરોનાને કારણે મરનારાઓના પરિવારજનોને સહાય પેટે ૪ લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. જો કે બાદમાં એને પાછી ખેંચવામાં આવી હતી. દેશનાં ૧૩ રાજ્યોમાં હાલમાં ૮૪ કેસ પોઝિટિવ અને બે મોત થયાં છે. સંખ્યાબંધ રાજ્યોએ લોકોને તેનાથી બચાવવા શાળા-કૉલેજો, સિનેમાગૃહો વગેરે પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. તો વિશ્વમાં આ રોગથી મરનારાઓની સંખ્યા ૫ બજારથી ઉપર પહોંચી ગઈ છે. ૧૨ રાજ્યોમાં સ્કૂલ-કૉલેજ બંધ કરી દેવામાં આવી છે, ૩ એપ્રિલ સુધી ચાલનાર સંસદનું બજેટ સત્ર ૧૮ માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવે તેવી શક્યતા પણ જોવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે કોરોના વાઇરસની વધતી અસરને ધ્યાનમાં રાખીને માસ્ક અને હૅન્ડ-સેનિટાઇઝરને જરૂરિયાતની વસ્તુની કેટેગરીમાં મૂકીને તેના કાળાબજાર કરનારાઓ સામે જેલની સજા સહિતનાં કડક પગલાં ભરવાની જાહેરાત પણ કરી છે. બીજી તરફ આરોગ્ય નિષ્ણાતોના મતે કોરોના રોગચાળાની સ્થિતિને જોતાં બે મોત થતાં ભારત આ રોગના બીજા તબક્કામાં પહોંચી ગયું છે અને તેને ત્રીજા તબક્કામાં જતાં રોકવા આગામી ૩૦ દિવસ ભારત માટે આ રોગને રોકવા માટે કટોકટીના સાબિત થશે. ત્રીજો તબક્કો એટલે ચીન-ઇટાલી જેવી ભયાનક પરિસ્થિતિનો તબક્કો, જેમાં મોતની સંખ્યા સૌથી વધારે મનાય છે. તેથી ભારત સરકારે વધુ મોત અટકાવવા તેને રાષ્ટ્રીય આપત્તિ કે મહામારી જાહેર કરીને સૌ કોઈને તેનાથી બચવાની અપીલ પણ કરી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૩ એપ્રિલ સુધી ચાલનાર સત્ર ૧૮ માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવે તેવી શક્યતા છે. ત્રણ સાંસદોએ પીએમને પત્ર લખીને સત્ર સમાપ્ત કરવાની માગણી કરી છે.

ભારતમાં કોરોનાના ૮૯ કેસ સામે આવ્યા છે જેમાંથી બે લોકોનાં મોત નીપજ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે કોરોનાથી ઇન્ફેક્ટેડ ૧૦ લોકો અત્યાર સુધી સાજા થઈ ગયા છે. તેમાં ઉત્તર પ્રદેશના ૫, કેરળના ૩, રાજસ્થાન અને દિલ્હીના ૧-૧ દરદી સામેલ છે. સારવાર પછી તેમને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

કોરોના વાઇરસના ૮૯ કેસમાંથી દિલ્હીમાં કોરોના વાઇરસના ૬, હરિયાણામાં ૧૭, કેરળમાં ૨૨, રાજસ્થાનમાં ૩, તેલંગાણામાં એક, ઉત્તર પ્રદેશમાં ૧૧, લદ્દાખમાં ૩, તામિલનાડુમાં એક, જમ્મુ- કાશ્મીરમાં ૨, પંજાબમાં એક, કર્ણાટકમાં ૭, આંધ્ર પ્રદેશમાં એક કેસ અને મહારાષ્ટ્રમાં ૧૯ કેસ સામે આવ્યા છે. ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોનાએ દુનિયાના ૧૨૭ દેશોમાં પગપેસારો કર્યો છે. ચીનમાં તો કોરોનાનો કૅર ઘટી રહ્યો છે, પરંતુ દુનિયાના અન્ય દેશોમાં મૃત્યુદર વધી રહ્યો છે. ઈટલીમાં અત્યાર સુધી એક હજારથી વધુ લોકો મોતને ભેટ્યા છે. કોરોનાથી દુનિયાભરમાં ૫૪૦૦થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.

કોરોના વાઇરસને કારણે દેશનાં ઘણાં રાજ્યોમાં શાળાઓ અને કૉલેજો બંધ કરવામાં આવી છે. કોરોનાને દિલ્હીમાં મહામારી જાહેર કરવામાં આવ્યો છે. દિલ્હી, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત દેશનાં ઘણાં રાજ્યોમાં સિનેમા હોલ અને મીટિંગ્સ પર પ્રતિબંધ છે. કર્ણાટકમાં પણ લગ્ન સમારોહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ શકતા નથી.
વૈશ્વિક ચિંતાનો વિષય બનેલા કોરોના વાઇરસની નોંધ લઈને સુપ્રીમ કોર્ટે શુક્રવારે નક્કી કર્યું છે કે ૧૬ માર્ચથી માત્ર અર્જન્ટ કેસોની સુનાવણી કરાશે અને તેના કોર્ટ રૂમ્સની અંદર વકીલો સિવાય કોઈ વ્યક્તિને પ્રવેશની મંજૂરી નહીં અપાય. ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેના નિવાસસ્થળે મળેલી બેઠકોમાં આ મુદે વિચારણા થઈ હતી. સુપ્રીમ કોર્ટે વિશ્વ આરોગ્ય સંગઠનને વૈશ્વિક રોગચાળો જાહેર કરવાની હકીકતને ધ્યાનમાં લઈને જાહેર મેળાવડા સામે ચેતવણી આપતી પાંચમી માર્ચે જારી કરવામાં આવેલી એડવાઇઝરીની નોંધ લીધી હતી. સુપ્રીમના સેક્રેટરી જનરલ સંજીવ એસ. કાલગાંવકરે જારી કરેલા નોટિફિકેશનમાં જણાવાયું હતું કે તેની કામગીરી માત્ર અર્જન્ટ કેસોની સુનાવણી સુધી જ મર્યાદિત રાખવાની રહેશે.

...તો ભારતમાં ચીન જેવી અફરાતફરી સર્જાઈ શકે!?
ભારતમાં અત્યારે કોરોના વાઇરસ સ્ટેજ-૨માં છે. જો તેને ફેલાતું રોકવામાં નહીં આવે તો તે ૩૦ દિવસમાં ઈન્ફેક્શનના ત્રીજા સ્ટેજમાં પહોંચી શકે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના ડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે કહ્યું છે કે વાઇરસનું આગામી સ્ટેજ અટકાવવા માટે ૩૦ દિવસ છે. જો પૂરતા ઉપાય કરવામાં ન આવ્યા તો કોરોના વાઈરસને સ્ટેજ-૩માં જતા રોકી શકાય તેમ નથી. સરકાર આ દિશામાં આગળ વધી રહી છે. વાઇરસને ટક્કર આપવા માટે દેશમાં જ્યાં પણ ઇન્ફેક્શન ફેલાયું છે ત્યાં તેની પૂરતી તૈયારી કરવામાં આવી રહી છે.

ભાર્ગવે જણાવ્યું છે કે થર્ડ સ્ટેજમાં વાઇરસ લોકોમાં ફેલાવાનું શરૂ થાય છે જ્યારે ફોર્થ સ્ટેજમાં વાઇરસ પહોંચતા તે મહામારીનું સ્વરૂપ લે છે. હાલ કહેવું મુશ્કેલ છે કે આ મહામારી ક્યારે ખતમ થશે. ચીન અને ઈટલીમાં કોરોના વાઇરસનું ઇન્ફેક્શન સ્ટેજ ૬માં પહોંચી ગયું છે.

national news coronavirus