મોદીની છાતી ૫૬ની નહીં, ૫.૬ ઇંચની જ : કૉન્ગ્રેસનો ટોણો

08 October, 2014 03:35 AM IST  | 

મોદીની છાતી ૫૬ની નહીં, ૫.૬ ઇંચની જ : કૉન્ગ્રેસનો ટોણો




પાકિસ્તાની રૅન્જર્સ દ્વારા કરવામાં આવી રહેલા યુદ્ધવિરામના ભંગને મુદ્દે કૉન્ગ્રેસે ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી અને સવાલ કર્યો હતો કે કેન્દ્ર સરકારનો કારભાર પાર્ટટાઇમ સંરક્ષણપ્રધાન મારફતે શા માટે ચલાવવામાં આવી રહ્યો છે?

કૉન્ગ્રેસના પ્રવક્તા શકીલ અહમદે કહ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણી દરમ્યાન મોદી ૫૬ ઇંચની છાતીની વાત કરતા હતા, પણ હવે એ સંકડાઈને માત્ર ૫.૬ ઇંચની થઈ ગઈ છે. નિર્દોષ નાગરિકો મૃત્યુ પામી રહ્યા છે, પરંતુ વડા પ્રધાન એ બાબતે કોઈ ટ્વીટ પણ નથી કરતા કે તેમનાં ચૂંટણીનાં ભાષણોમાં કોઈ ઉલ્લેખ પણ નથી કરતા એ દુર્ભાગ્યપૂર્ણ છે. વડા પ્રધાન શા માટે ચૂપ છે?’

વડા પ્રધાનને હાડોહાડ જુઠ્ઠા ગણાવતાં કૉન્ગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે રૉબર્ટ વાડ્રાના જમીનસોદાને આપવામાં આવેલી મંજૂરી ચૂંટણીની આચારસંહિતાનું ઉલ્લંઘન છે એમ જણાવીને મોદી હરિયાણાના લોકોને તથા ચૂંટણીપંચને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

આ પ્રકારના શબ્દો વાપરવા માટે ખેદ વ્યક્ત કરતાં અહમદે કહ્યું હતું કે દેશના વડા પ્રધાન જ હાડોહાડ જુઠ્ઠા બની જાય ત્યારે તેમને વખોડવા જ જોઈએ.