23 September, 2025 10:05 AM IST | Arunachal Pradesh | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે અરુણાચલ પ્રદેશના ઇટાનગરમાં એક જાહેર સભાને સંબોધતા નરેન્દ્ર મોદી.
સોમવારે વડા પ્રધાને અરુણાચલ પ્રદેશમાં ૫૧૦૦ કરોડ રૂપિયાના નવા પ્રોજેક્ટ્સનો કર્યો શિલાન્યાસઃ ૫૧ શક્તિપીઠોમાંના એક ત્રિપુરાના ત્રિપુરા સુંદરી માતાના પુનઃ વિકસિત મંદિરને કર્યું લોકાર્પણ
વડા પ્રધાન ગઈ કાલે અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરા રાજ્યની વિઝિટે ગયા હતા. અરુણાચલના ઇટાનગરમાં તેમણે ૫૧૦૦ કરોડ રૂપિયાના નવા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો અને કહ્યું હતું કે ‘જેને કોઈ કદી નથી પૂછતું તેને મોદી પૂજે છે. એટલે જ જે નૉર્થ-ઈસ્ટને કૉન્ગ્રેસે ભુલાવી દીધું હતું એ ૨૦૧૪ પછી વિકાસની પ્રાથમિકતા બની ગયું છે. નૉર્થ-ઈસ્ટમાં લાસ્ટ માઇલ કનેક્ટિવિટીને સરકારે પોતાની ઓળખ બનાવી અને અહીંનાં આઠ રાજ્યોને અષ્ટલક્ષ્મી માન્યાં છે.’
નૉર્થ-ઈસ્ટમાં અરુણાચાલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલૅન્ડ, સિક્કિમ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે. ઇટાનગરના ઇન્દિરા ગાંધી પાર્કમાં યોજાયેલા સ્વદેશી એક્ઝિબિશનની પણ તેમણે મુલાકાત લીધી હતી. એમાં દરેક સ્ટૉલ પર વેચાતી પ્રોડક્ટ્સ પર તેમણે ઊડતી નજર નાખી હતી તથા સ્વદેશી અને લોકલ પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપ્યું હતું.
ત્રિપુરા સુંદરી માતાના મંદિરનું લોકાર્પણ
ત્રિપુરાનું પુનઃ વિકસિત માતા ત્રિપુરા સુંદરી મંદિર, એમાં પૂજા-દર્શન કરવા પહોંચેલા નરેન્દ્ર મોદી અને મંદિર પરિસરનો ભવ્ય એરિયલ વ્યુ.
પિલગ્રિમેજ રિજુવનેશન ઍન્ડ સ્પિરિચ્યુઅલિટી ઑગ્મેન્ટેશન ડ્રાઇવ (PRASAD) સ્કીમ અંતર્ગત ૫૨૪ વર્ષ પુરાણા ત્રિપુરાના ત્રિપુરા સુંદરીના મંદિરનું બાવન કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ અને પુનર્વિકાસ કરવામાં આવ્યાં હતાં. ગઈ કાલે નરેન્દ્ર મોદીએ પહેલા નોરતે આ મંદિરને લોકાર્પણ કર્યું હતું. આ મંદિર ૧૫૦૧માં મહારાજા ધન્ય માણિક્યએ બનાવડાવ્યું હતું. ત્રિપુરા સુંદરી માતાના નામ પરથી જ રાજ્યનું નામ પણ ત્રિપુરા પાડવામાં આવ્યું હતું. કલકત્તામાં કાલીઘાટ અને ગુવાહાટીમાં કામાખ્યા મંદિર બાદ પૂર્વ ભારતની આ ત્રીજી મોટી શક્તિપીઠ છે.
બીજું શું-શું કહ્યું?
અરુણાચલ પ્રદેશના ઇટાનગરમાં આયોજિત સ્વદેશી વસ્તુઓના એક વેપારમેળામાં અલગ-અલગ સ્ટૉલ પર નરેન્દ્ર મોદી.
ત્રણ કારણસર હું અહીં આવ્યો છું. પહેલું, આજે મને સુંદર પર્વતો જોવા મળ્યા. નવરાત્રિના પહેલા જ દિવસે સૌ મા શૈલપુત્રીની પૂજા કરે છે. બીજું, આજથી બચત ઉત્સવ શરૂ થઈ રહ્યો છે અને જનતા જનાર્દનને ડબલ બોનાન્ઝા મળ્યો છે. ત્રીજું, આજે અરુણાચલમાં વિકાસના અઢળક પ્રોજેક્ટ્સનો પાયો નાખવાનો હતો. તવાંગ મઠથી લઈને સ્વર્ણ પગોડા સુધી અરુણાચલ શાંતિનો સંગમ અને મા ભારતીનું ગૌરવ છે. નૉર્થ-ઈસ્ટનાં આઠ રાજ્યો અષ્ટલક્ષ્મી છે. અહીંના વિકાસ માટે કેન્દ્ર સરકાર સૌથી વધુ પૈસા ખર્ચે છે.