અમેરિકી સંસદસભ્યે નરેન્દ્ર મોદીને વીઝા આપવાની જોરદાર તરફેણ કરી

14 September, 2012 06:03 AM IST  | 

અમેરિકી સંસદસભ્યે નરેન્દ્ર મોદીને વીઝા આપવાની જોરદાર તરફેણ કરી




ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને વીઝા આપવા અમેરિકાના સંસદસભ્યે તરફેણ કરી છે. ગુજરાતમાં ૨૦૦૨નાં રમખાણોને કારણે અમેરિકાએ છેલ્લાં સાત વર્ષથી મોદીને વીઝા આપવા પર પ્રતિબંધ મૂકેલો છે. અમેરિકી સંસદસભ્યે જૉ વૉલ્શે અમેરિકાનાં વિદેશપ્રધાન હિલેરી ક્લિન્ટનને પત્ર લખીને મોદીને વીઝા આપવાની ભલામણ કરી છે. વૉલ્શે પત્રમાં કહ્યુુંં છે કે જે બાબતને લઈને મોદીને વીઝાનો ઇનકાર થઈ રહ્યો છે એનો કોઈ આધાર નથી. વૉલ્શે મોદીની પ્રશંસા કરતાં કહ્યું છે કે તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક વલણ અપનાવેલું છે અને તેમના પ્રયાસોને કારણે જ ગુજરાતમાં આટલો વિકાસ થયો છે. વૉલ્શે એવું પણ લખ્યું છે કે મોદીને વીઝાનો ઇનકાર કરવાને બદલે અમેરિકી સરકારે તેમને આમંત્રણ આપવું જોઈએ.

રિપબ્લિકન પાર્ટીના સંસદસભ્ય વૉલ્શ અમેરિકી રાજકારણમાં વિવાદાસ્પદ હસ્તી છે. તેઓ સરકારવિરોધી વલણ માટે જાણીતા છે. જોકે તેઓ શિકાગો જ્યાંથી ચૂંટાયેલા છે ત્યાંના ભારતીય મૂળના લોકોમાં વૉલ્શ અત્યંત લોકપ્રિય છે. ૨૦૦૫માં જ્યૉર્જ ડબ્લ્યુ. બુશ અમેરિકાના પ્રમુખ હતા ત્યારે મોદીને વીઝા આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હાલના પ્રમુખ બરાક ઓબામાએ પણ આ પ્રતિબંધ ચાલુ રાખ્યો છે. એક મુલાકાતમાં વૉલ્શે નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હોવાનું સ્વીકાર્યું હતું.