"નરેન્દ્ર મોદીએ ઘટાડી છે વડા પ્રધાનપદની ગરિમા"

13 October, 2014 04:01 AM IST  | 

"નરેન્દ્ર મોદીએ ઘટાડી છે વડા પ્રધાનપદની ગરિમા"





મહારાષ્ટ્રમાં પ્રચાર કરી રહેલા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ NCPના ચીફ શરદ પવારને તેમના જ ગઢ બારામતીમાં લલકાર્યા હતા અને પવારપરિવારે આ વિસ્તારના લોકોને ગુલામ બનાવી રાખ્યા છે એવું કહ્યું હતું. શરદ પવારે ગઈ કાલે એક પ્રેસ-કૉન્ફરન્સમાં નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી BJPની આકરી ટીકા કરી હતી. શરદ પવારે યુતિ તૂટવા બદલ કૉન્ગ્રેસની ટીકા કરીને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની ભારોભાર પ્રશંસા કરતાં રાજ્યમાં નવાં રાજકીય સમીકરણોની ચર્ચા શરૂ થઈ હતી. શરદ પવાર શું બોલ્યા એના કેટલાક અંશો...

મોદી વિશે


પ્રાઇમ મિનિસ્ટરપદની ગરિમા જોખમાઈ છે અને જે વ્યક્તિ ત્યાં બેઠી છે તે પબ્લિક ડિબેટનું સ્તર સાવ નીચે લઈ ગઈ છે. રૅલીઓમાં વિરોધી પાર્ટીઓના નેતાઓ પર ધડમાથા વિનાના અંધાધૂંધ પર્સનલ અટૅક કરવામાં આવે છે.

મોદી દેશના વડા પ્રધાન તરીકે અમેરિકાની યાત્રાએ ગયા હતા, BJPના લીડર તરીકે નહીં. છતાં અમેરિકામાં તેમણે આપેલા પ્રવચનનો ઉપયોગ તેમની પાર્ટી ચૂંટણીપ્રચારમાં કરી રહી છે એ સત્તાનો દુરુપયોગ છે.

મોદી કહે છે કે બૉર્ડરના મુદ્દે રાજકારણ ન રમાય, પરંતુ રોજેરોજ દેશની બૉર્ડરો પર પાડોશીઓ દ્વારા હુમલા થઈ રહ્યા છે એ હકીકત છે. પ્રાઇમ મિનિસ્ટરે કમસે કમ દેશને એક ફુલટાઇમ ડિફેન્સ મિનિસ્ટર આપીને દેશના સીમાડાની સુરક્ષા સંભાળતા જવાનોનો જોશ વધારવો જોઈએ. કેન્દ્રીય નેતૃત્વે હંમેશાં પોતાની જવાબદારી સંભાળીને દેશની સીમાઓની સુરક્ષા માટે પણ વિચારવું જોઈએ. ચૂંટણીપ્રચાર ભલે કરે, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના મુદ્દાઓની જ ચર્ચા થવી જોઈએ.

ઉદ્ધવ ઠાકરે વિશે

શિવસેનાસુપ્રીમો બાળાસાહેબ ઠાકરેના નિધન બાદ શિવસેનાને સુદૃઢ કરવા ઉદ્ધવ ઠાકરે તનતોડ મહેનત કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની સફળતામાં મહારાષ્ટ્રમાં શિવસેનાનું યોગદાન મોટું હતું.

કૉન્ગ્રેસ માટે

યુતિમાં પોતાની પાર્ટી માટે વધુ ને વધુ સીટો મેળવવાનો પ્રયત્ન તમામ પાર્ટીએ કરવો જોઈએ અને એ પ્રમાણે ૧૨૫-૧૩૦ સીટો માટે કૉન્ગ્રેસની તૈયારી હતી એથી અમે ફિફ્ટી-ફિફ્ટી ફૉમ્યુર્લા અને ચીફ મિનિસ્ટરની સીટ પણ માગી હતી. વાત જામી નહીં એથી યુતિ તૂટી. એના ત્રણ દિવસ પહેલાં ખબર પડી હતી કે હવે યુતિ ટકવાની નથી. જોકે કૉન્ગ્રેસે અગાઉથી જ તૈયારી કરી રાખી હતી અને અમારી પાર્ટીએ છેલ્લી ઘડીએ ૧૫૦ ઉમેદવારોની શોધ કરવાની હતી. મહાયુતિમાં શિવસેના સાથે BJPએ પણ આવું જ કર્યું હતું.

હવે સત્તા નથી જોઈતી ૪૮ વર્ષ પૉલિટિક્સમાં રહ્યો છું એથી હવે સત્તાની કોઈ ભૂખ કે પદની લાલચ નથી. ભવિષ્યમાં સત્તા (સરકાર)માં કોઈ પદ નહીં લઉં.

ચૂંટણી પછી કોઈ પણ પક્ષ સાથે જોડાણ નહીં

NCPના પ્રેસિડન્ટ શરદ પવારે વિધાનસભાની ચૂંટણી પૂર્વે કૉન્ગ્રેસ સાથે સમજૂતી નહીં થવા પાછળ BJP સાથે ચૂંટણી પછી જોડાવાનો માર્ગ ખુલ્લો રાખવાનો ઇરાદો હોવાની ચર્ચાઓને રદિયો આપતાં જણાવ્યું હતું કે ‘અમે ચૂંટણી બાદ કોઈ પણ પક્ષ સાથે યુતિ કે મોરચો બનાવવા જોડાણ કે સમજૂતી કરવાના નથી. અમે જો સૌથી મોટા એકમાત્ર પક્ષ તરીકે ઉપસ્થિત ન થઈએ તો વિરોધ પક્ષમાં બેસીશું અને એ પછીનાં વર્ષોનો ઉપયોગ NCPનાં મૂળ ફેલાવવા અને પક્ષનો પ્રસાર કરવા માટે કરીશું.’

આ ચૂંટણીમાં કયા પક્ષને બહુમતી મળશે એ અટકળોમાં પડવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ શિવસેના એના ભૂતપૂર્વ સાથીપક્ષ BJPથી આગળ રહે એવી શક્યતા દર્શાવી હતી. કૉન્ગ્રેસ સાથે NCPની સમજૂતી-યુતિ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે ઇરાદાપૂર્વક થવા દીધી ન હોવાનું જણાવતાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ‘આ મોરચો તોડવાનો વ્યૂહ લઈને જ તેઓ આવ્યા હતા. કૉન્ગ્રેસ અને NCP વચ્ચેનો સંબંધ તૂટવા માટે માત્ર ચવાણ જ જવાબદાર છે.’