ભારતને સ્વચ્છ રાખવા મોદીએ માનવસાંકળ રચવાની હાકલ કરી

03 October, 2014 06:03 AM IST  | 

ભારતને સ્વચ્છ રાખવા મોદીએ માનવસાંકળ રચવાની હાકલ કરી



મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારતના સપનાને સાકાર કરવાના સ્વચ્છ ભારત મિશનને જનઆંદોલનમાં ફેરવી નાખવા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ ગઈ કાલે દેશની નવ જાણીતી હસ્તીઓને સ્વચ્છતા સંબંધી જાગૃતિ માટે જાહેર નિમંત્રણ પાઠવ્યું હતું અને આવી એક ચેઇન ઊભી કરવાની હાકલ કરી હતી. ભારત રત્ન ક્રિકેટર સચિન તેન્ડુલકર, ગોવાનાં ગવર્નર મૃદુલા સિંહા, યોગગુરુ બાબા રામદેવ, કૉન્ગ્રેસ-લીડર શશી થરૂર, ઇન્ડસ્ટ્રિયલિસ્ટ અનિલ અંબાણી, ઍક્ટર કમલ હાસન અને સલમાન ખાન, ઍક્ટ્રેસ પ્રિયંકા ચોપડા અને ટીવી-સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમ સહિતના જાણીતા ચહેરાઓને વડા પ્રધાને આ પ્રસંગે યાદ કર્યા હતા અને તેમને આ અભિયાનમાં જોડાવા નિમંત્રણ પાઠવ્યું હતું.

નરેન્દ્ર મોદી ઇન્ટરનેટ-સૅવી છે અને તેઓ ઍમિયોટ્રોફિક લૅટરલ સ્ક્લરોસિસ (ALS) નામની બીમારી સામે લડવા માટેની સેલિબ્રિટીઝની આઇસ બકેટ ચૅલેન્જથી પ્રેરિત થયા હોવાનું લાગી રહ્યું છે, કેમ કે તેમણે આ મહાનુભાવોને તેમને જાણતી હોય એવી અન્ય નવ-નવ વ્યક્તિને આ સ્વચ્છ ભારત અભિયાનમાં જોડવાની અપીલ કરીને આવી ચેઇન આગળ વધારવાનું આહ્વાન કર્યું હતું.

દિલ્હીમાં રાજપથ ખાતે સ્વચ્છ ભારતનું પાંચ વર્ષનું મહામિશન લૉન્ચ કરતાં વડા પ્રધાને ત્યાં હાજર સરકારી કર્મચારીઓ, સ્કૂલનાં બાળકો અને હજારો લોકોને દેશને સ્વચ્છ રાખવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.

આ પ્રસંગે મોદીની કૅબિનેટના મિનિસ્ટરો નીતિન ગડકરી અને વેન્કૈયા નાયડુ સાથે ઍક્ટર આમિર ખાન પણ હાજર હતો. મોદીએ દેશના નવ જાણીતા ચહેરાઓનાં નામ લઈને તેમને નિમંત્રણ આપતાં કહ્યું હતું કે ‘મેં આ નવ વ્યક્તિને જાહેર સ્થળોએ સ્વચ્છ ભારત મિશન માટે કામ કરવાનું આહ્વાન કર્યું છે. હવે આ નવ વ્યક્તિ અન્ય નવ વ્યક્તિને ઇન્વાઇટ કરશે અને મને ખાતરી છે કે તેમણે જોડેલી નવ-નવ વ્યક્તિ પણ અન્ય નવ-નવ વ્યક્તિને જોડશે. આ રીતે આખી માનવસાંકળ રચાશે અને દેશ સ્વચ્છ થઈ શકશે.’

દુનિયાભરમાં વાઇરલ બનેલી આઇસ બકેટ ચૅલેન્જમાં પણ આવી એક ઑનલાઇન ચેઇન છે અને એમાં જોડાતી સેલિબ્રિટીઓ દ્વારા ALS નામની બીમારી સામે લડવા ફન્ડ પણ એકઠું કરવામાં આવે છે. નરેન્દ્ર મોદીએ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી સ્વચ્છ ભારત મિશન શરૂ કરવાની હાકલ કરીને આ મિશન માટે તૈયાર કરેલી ખાસ વેબસાઇટ તેમ જ MyGov.in સહિતની વેબસાઇટ્સના માધ્યમથી એને આગળ વધારવાનું કહ્યું હતું.

રાજપથ પર આ કૅમ્પેન લૉન્ચ કર્યા બાદ મોદી સ્વચ્છતા માટે જાગૃતિ માટેની વૉકેથૉનમાં બાળકો સાથે જોડાયા હતા. મહાત્મા ગાંધી જયંતીના અવસરે સ્વચ્છતાનું મહાઅભિયાન છેડતાં વડા પ્રધાને દેશવાસીઓને પ્રતિજ્ઞા લેવડાવી હતી અને સ્વચ્છતા પ્રત્યેના ગાંધીજીના વિચારોને અનુસરીને ૨૦૧૯માં મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી સુધીમાં સ્વચ્છ ભારતનું ગાંધીજીનું સપનું સાકાર કરવાનું આહ્વાન કર્યું હતું.

મોદીએ કઈ પ્રતિજ્ઞા લેવડાવી?

મહાત્મા ગાંધીએ માત્ર સ્વતંત્ર ભારત જ નહીં, એક સ્વચ્છ અને વિકસિત દેશનું સપનું જોયું હતું. મહાત્મા ગાંધીએ ભારતમાતાને સ્વતંત્રતા તો અપાવી, પરંતુ હવે દેશને ચોખ્ખોચણક રાખીને ભારતમાતાની સેવા કરવાની જવાબદારી આપણી છે. સ્વચ્છતા માટે હું દર અઠવાડિયે બે કલાક પ્રમાણે વર્ષે ૧૦૦ કલાક ફાળવીશ. હું જાહેરમાં થૂંકીશ નહીં અને કોઈને થૂંકવા પણ નહીં દઉં. હું સ્વચ્છતાની શરૂઆત મારા પોતાનાથી કરીને એને મારા પરિવાર, એરિયા, ગામ તેમ જ કામના સ્થળ સુધી પહોંચાડીશ. હું માનું છું કે સ્વચ્છતાના આગ્રહી કેટલાય દેશો એટલા માટે ચોખ્ખા થઈ શક્યા છે કેમ કે ત્યાંના નાગરિકો પોતે જાહેર શિસ્તપાલનમાં માને છે અને જ્યાં આવે ત્યાં થૂંકતા નથી કે અન્યોને થૂંકવા દેતા નથી. હું પણ મારા ગામ કે શહેરમાં સ્વચ્છ ભારતના આવા મેસેજને અનુસરીશ અને એને અન્યો સુધી ફેલાવીશ.