મીડિયા હાઉસિઝને નરેન્દ્ર મોદીની રિક્વેસ્ટ, ટ્વીટ કરીને કહ્યું આ

23 March, 2020 08:41 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

મીડિયા હાઉસિઝને નરેન્દ્ર મોદીની રિક્વેસ્ટ, ટ્વીટ કરીને કહ્યું આ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

દેશમાં કોરોનાનો ફેલાવો વિજળી વેગે થઈ રહ્યો છે તેને અટકાવવા માટે અનેક રાજ્યના મુખ્યમંત્રીઓ આવશ્યક પગલા લઈ રહ્યા છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં કર્ફ્યૂ લાગુ પાડવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને મીડિયા હાઉસને પણ રિક્વેસ્ટ કરીને કહ્યું છે કે તે પણ સતત સોશિયલ ડિસ્ટેન્સિંગ એટલે કે સામાજિક અંતર વિશે લોકોને માહિતગાર કરતાં રહે. તેમજ ઘરે રહેવું શામાટે આવશ્યક છે તેની પણ માહિતી આપે.

વડાપ્રધાને આજે મોડી સાંજે કરેલા એક અન્ય ટ્વિટમાં તેમણે મૂક-બધિરોને ધ્યાનમાં રાખીને કેવી રીતે કોરોનાવાઇરસનાં સમયમાં સાવચેતીનાં પગલાં રાખવા તે અંગે એક રસપ્રદ વીડિયો પણ મૂક્યો હતો.

 

નોંધનીય છે કે આજે દેશના બે રાજ્યોમાં કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે પંજાબ અને મહારાષ્ટ્ર બન્ને રાજ્યોમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું પણ તેનું યોગ્ય પાલન થયું ન હોવાથી આજે રાત પછી કર્ફ્યૂ લાગૂ પાડવામાં આવશે તેવી જાહેરાત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંબોધનમાં જાહેર કરી છે. ઉદ્ધવ ઠાકરેએ ગઇકાલે નાગરિકોને સંબોધ્યા હતા અને આજે ફરી સંબોધન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આ પહેલા પણ અપીલ કરી હતી કે કોરોના વાયરસ વિશે કોઇપણ ખોટી અફવાઓ અને ડર ન ફેલાવો. સાચી માહિતી જ શૅર કરો. વડાપ્રધાને એક પછી એક એમ ઘણાં ટ્વીટ કરીને કહ્યું કે લોકોએ સાચી માહિતી શૅર કરવી જોઇએ, તેની સાથે જ વડાપ્રધાને એક વૉટ્સએપ નંબર પણ શૅર કર્યો હતો, આ નંબર પરથી લોકો સાચી અને ભારત સરકાર દ્વારા પ્રમાણિત માહિતી મેળવી શકશે. એટલું જ નહીં કોરોના વાયરસને અટકાવવા માટે વડાપ્રધાને સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો શૅર કરતાં કહ્યું હતું કે તમે આ પ્રકારના વીડિયોથી લોકોમાં જાગૃતિ લાવી શકો છો. અને જો તમારી પાસે આવા વીડિયો છે તો #IndiaFightsCorona સાથે શૅર કરો.

national news narendra modi coronavirus covid19