માનવતાને બચાવવા ભારત બે રસી સાથે તૈયાર: નરેન્દ્ર મોદી

10 January, 2021 01:15 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

માનવતાને બચાવવા ભારત બે રસી સાથે તૈયાર: નરેન્દ્ર મોદી

પ્રવાસી ભારતીય દિવસ સમારોહને ગઈ કાલે સંબોધતા વડા પ્રધાન મોદી. (તસવીર: પી.ટી.આઈ)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૬મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનને સંબોધિત કરતાં કહ્યું કે આજે નવી પેઢી ભલે મૂળિયાથી દૂર થઈ ગઈ હોય, પરંતુ તેમનો લગાવ ભારત સાથે વધ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વખતે કોરોનાકાળમાં ભારતના લોકોએ શાનદાર કામ કર્યું છે અને આ લોકો આસપાસના લોકો પ્રત્યે મદદરૂપ દેખાયા. આ દરમ્યાન ભારતના લોકોએ સેવાભાવનો પરિચય કરાવ્યો છે. આપને જણાવી દઈએ કે આ વખતે પ્રવાસી ભારતીય દિવસનો વિષય ‘આત્મનિર્ભર ભારત’ છે. આજે ભારત સ્વદેશી બનાવટની બે રસીઓ સાથે તૈયાર છે. દુનિયા ફક્ત ભારતની વૅક્સિનની જ રાહ નથી જોઈ રહ્યું, આપણા વૅક્સિનેશન કાર્યક્રમ પર પણ દુનિયાની નજર છે.

વહા પ્રધાને કહ્યું કે દુનિયા સાક્ષી છે કે જ્યારે પણ ભારતના સામર્થ્ય પર પ્રશ્ન કરાયા ત્યારે દર વખતે ભારતીયોએ તેમને ખોટા સાબિત કર્યા છે. જ્યારે ભારત પરાધીન હતું તો યુરોપમાં લોકો કહેતા હતા કે ભારત આઝાદ થઈ શકશે નહીં, પરંતુ ભારતીયોએ એને ખોટું સાબિત કરી દીધું. જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે પશ્ચિમના લોકો કહેતા કે આટલો ગરીબ દેશ એકસાથે રહી શકશે નહીં, અહીં લોકશાહીનો પ્રયોગ સફળ થશે નહીં, પરંતુ ભારતે એને ખોટું સાબિત કરી દીધું. પીએમ મોદીએ ડાયસ્પોરાને કહ્યું કે આજે ભારતની લોકશાહી સૌથી સફળ છે, સૌથી જીવંત છે. વડા પ્રધાન મોદીએ કહ્યું કે ભારતે શાંતિનો સમય હોય કે સંઘર્ષનો, ભારત નિશ્ચિતપણે મુકાબલો કર્યો છે. પીએમે કહ્યું કે વીતેલાં વર્ષોમાં પ્રવાસી ભારતીયોએ દરેક ક્ષેત્રે પોતાની ઓળખ મજબૂત કરી છે. વિવિધ દેશોના પ્રમુખો જણાવે છે કે કેવી રીતે ત્યાં વસતા પ્રવાસી ભારતીયોએ મુશ્કેલ સમયમાં કેટલું મહાન કામ કર્યું છે.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે અહીંથી હવે આપણે આઝાદીના ૭૫મા વર્ષ તરફ આગળ વધી રહ્યા છીએ. મારી વિનંતી છે કે સ્વતંત્રતા ચળવળમાં ભાગ લેનારા પ્રવાસી ભારતીયોની જીવનગાથાથી સંપૂર્ણ પરિચય માટે ડિજિટલ પૉર્ટલ બનાવવામાં આવવું જોઈએ, એ આપણી આવનારી પેઢીઓને પ્રેરિત કરશે.

national news narendra modi