નરેન્દ્ર મોદીનું બિહારમાં ભવ્ય સ્વાગત

05 November, 2012 03:15 AM IST  | 

નરેન્દ્ર મોદીનું બિહારમાં ભવ્ય સ્વાગત



ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે ૨૮ મહિનાના અંતરાલ બાદ બિહારની મુલાકાતે ગયા હતા અને અહીં બીજેપીના કાર્યકરોએ ‘ દેશકા પ્રધાનમંત્રી કૈસા હો, નરેન્દ્ર મોદી જૈસા હો’ના નારાનો સૂત્રોચ્ચાર કરીને તેમનું સ્વાગત કર્યું હતું. ગઈ કાલે બીજેપીના ટોચના નેતા કૈલાસપતિ મિશ્રાનું નિધન થયું હોવાને કારણે પટના પહોંચીને નરેન્દ્ર મોદી તરત જ તેમના ઘરે તેમને શ્રદ્ધાંજલિ આપવા ગયા હતા.

નરેન્દ્ર મોદી છેલ્લે ૨૦૧૦ના જૂન મહિનામાં બીજેપીની નૅશનલ એક્ઝિક્યુટિવ મીટિંગમાં ભાગ લેવા માટે બિહાર આવ્યા હતા. બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારનો નરેન્દ્ર મોદી પ્રત્યેનો અણગમો જગજાહેર છે. નીતિશકુમારના દબાણને કારણે જ ૨૦૦૫ અને ૨૦૧૦ની વિધાનસભાની ચૂંટણીમાં અને ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને બિહારથી દૂર રાખવામાં આવ્યા હતા. એક તબક્કે તો નીતીશકુમારે ગુજરાત સરકારે કોસી નદીના પૂરગ્રસ્તોની સહાયતા માટે જે પાંચ કરોડ રૂપિયાનો ચેક મોકલ્યો હતો એ ચેક પણ પરત મોકલી દીધો હતો. નીતીશકુમારે એક કરતાં વધારે વખત સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તેમનો પક્ષ નરેન્દ્ર મોદીને એનડીએના વડા પ્રધાનપદ માટેના ઉમેદવાર તરીકે માન્યતા નથી આપતો.

જોકે ગઈ કાલે બપોરે નરેન્દ્ર મોદી પોતાન ખાસ પ્લેનથી બીજેપીના ટોચના નેતા કૈલાસપતિ મિશ્રાને શ્રદ્ધાંજલિ આપવા પટના આવ્યા હતા. તેઓ ઍરર્પોટથી દિવંગત નેતાના ઘરે ગયા હતા અને ત્યાં લગભગ પંદરેક મિનિટ રહીને ગુજરાત પરત જવા ઍરર્પોટ રવાના થઈ ગયા હતા.