યોગી મોદી

17 September, 2020 08:02 PM IST  |  Mumbai | Ruchita Shah

યોગી મોદી

નરેન્દ્ર મોદી

વૈશ્વિક સ્તરે યોગને માનવંતું સ્થાન અપાવવામાં અને આંતરરાષ્ટ્રીય યોગ ડેના માધ્યમે વિશ્વના ૧૮૦ દેશોમાં યોગને પહોંચતો કરવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા અજોડ અને શબ્દાતીત છે. જોકે યોગના આ પુનરુદ્ધારકને યોગનો રંગ ક્યાંથી લાગ્યો? તેઓ ક્યાં શીખ્યા યોગની બારાખડી? આજે નરેન્દ્ર મોદીના જન્મદિને મળીએ તેમના યોગગુરુ ડૉ. એચ. આર. નાગેન્દ્રને અને જાણીએ તેમની પાસેથી મોદીજીની યોગયાત્રા વિશે

તેમના ચહેરા પરનું તેજ, તેમની ચપળતા, તેમની કાર્યક્ષમતા, તેમનું આત્મબળ અને તેમના અવાજમાંથી સતત નીતરતો આત્મવિશ્વાસ. ૭૦ની ઉંમરમાં તંદુરસ્તીનું આ લેવલ કોઈને પણ ‌તેમના સ્વાસ્થ્ય પાછળના રહસ્યને જાણવાની તાલાવેલી જગાડે. અત્યાર સુધીમાં સેંકડો લોકોએ તેમને ‘આપકી સેહત કા રાઝ ક્યા?’ અથવા ‘આટલી એનર્જી તમે ક્યાંથી લાવો છો?’ જેવા પ્રશ્નો પૂછ્યા છે અને દરેક વખતે તેમણે શ્રેય યોગ અને સાદગીપૂર્ણ ખાણીપીણીને આપ્યું છે. આરએસએસના કાર્યકર્તા હતા ત્યારથી લઈને દેશના વડા પ્રધાન બન્યા ત્યાં સુધી તેમણે યોગને પોતાનાથી અળગો થવા દીધો નથી. દુનિયાના કોઈ પણ ખૂણામાં કેમ ન હોય, તેમની સવાર તો યોગમય જ હોય. લૉકડાઉન શરૂ થયા પછી કોવિડ-19 જેવી મહામારી સામે લડવા માટે પણ લોકોને યોગનો રસ્તો દર્શાવ્યો. ૨૦૨૦માં છઠ્ઠો આંતરરાષ્ટ્રીય યોગ ડે ઊજવાયો ત્યારે તેમણે પોતાના સંબોધનમાં કહ્યું, ‘વિશ્વ જ્યારે વિશાળ પાયે કોવિડ-19 નામના પડકારજનક પૅન્ડેમિક સામે લડી રહ્યો છે ત્યારે યોગ તમને મલ્ટિડાઇમેન્શનલ સોલ્યુશન આપે છે. યોગ તમને તક આપે છે તમારી રોગપ્રતિકારક શક્તિને ઓળખવાની અને એને વધુને વધુ બહેતર બનાવવાની. ફિઝિકલ, સાઇકોલૉજિકલ અને ઇમોશનલ પડકારો સામે લડવાની ક્ષમતા છે યોગમાં.‌ મિત્રો, યોગ પાસે દરેકને આપવા માટે કંઈક છે. પોસ્ટ-કોવિડ ટાઇમમાં પ્રિવેન્ટિવ હેલ્થકૅરનો મહિમા વધવાનો છે ત્યારે મને પૂરો વિશ્વાસ છે કે યોગ વધુને વધુ લોકપ્રિય બનશે. યોગ એ જોડવાનું કામ કરે છે. ‘યુજ્યતે અનેન ઇતિ યોગઃ’ યોગ અનેક બાબતોમાં રહેલા ડિસ્ટન્સને દૂર કરે છે. તમારા મન અને શરીર વચ્ચેના ડિસ્ટન્સને, તમારી અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચેના ડિસ્ટન્સને, જેને કારણે મોટા ભાગનું સ્ટ્રેસ ઊભું થતું હોય છે. અત્યારના સમયે મજબૂત રોગપ્રતિકારક શક્તિ એ આપણું સૌથી મોટું રક્ષાકવચ છે અને એ રક્ષાકવચને મજબૂત કરવામાં યોગ આપણો સૌથી મહત્ત્વનો સાથી છે. મુશ્કેલીઓમાં મુસ્કુરાવું અને સંકટ સમયમાં સંયમ રાખવો આ પણ તો આપણે યોગ પાસેથી જ શીખીએ છીએ. યોગ તમને ઇમોશનલ સ્ટ્રેંગ્થ આપે છે, તમારામાં કરુણાનો ભાવ જગાવે છે જે તમને બીજાના દુઃખથી અવગત પણ કરાવે અને તેમને ઉપયોગી બનવા તત્પર પણ બનાવે છે. પોતાની ઇમ્યુનિટી વધારવા માટે યોગ કરો, પોતાની એનર્જી વધારવા માટે યોગ કરો, આત્મવિશ્વાસ માટે, આત્મબળ માટે, જીવનને ઉત્સાહથી ભરવા માટે, મનની શાંતિ વધારવા માટે અને નીરોગી રહેવા માટે યોગ કરો.’
એક જ સંભાષણના આ શબ્દો મોદીના મનમાં યોગ પ્રત્યેનો અનર્ગળ અહોભાવ દર્શાવવા માટે પૂરતા છે. જોકે યોગને વિશ્વના ૧૮૦ દેશોમાં પહોંચાડનારા અને યોગનો પ્રચાર-પ્રસાર કરવામાં પાછું વાળીને નહીં જોવાવાળા મોદીજીને યોગ માટે આવો પ્રેમ જાગ્યો ક્યારે? એ વિશે સ્વામી વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થાન(SVYASA)ના સ્થાપક ડૉ. એચ. આર. નાગેન્દ્ર પાસેથી જાણીએ. નાસામાં સાયન્ટિસ્ટ તરીકે કામ કરી ચૂકેલા ડૉ. એચ. આર. નાગેન્દ્ર મોદીજીના યોગગુરુ રહી ચૂક્યા છે અને તેમણે ‘યોગી મોદી’ અને ‘નેતા મોદી’ બન્નેના ગ્રોથને પ્રત્યક્ષ જોયો છે.
યોગ સાથેનો પહેલો સાક્ષાત્કાર
૧૯૮૦ના દશકના પ્રારંભમાં RSS અગ્રણી નેતા એચ. વી. શેષાદ્રી સાથે સંઘના ઘણા કાર્યકર્તાઓ બૅન્ગલોરમાં SVYASA નામની સંસ્થામાં જતા. આ કાર્યકર્તાઓમાં મોદી પણ હતા. આ સંસ્થાના ફાઉન્ડર, અત્યારે આયુષ મિનિસ્ટ્રી દ્વારા બનાવવામાં આવેલા યોગ બોર્ડના ચૅરમૅન અને મોદીના યોગગુરુ ડૉ. એચ. આર. નાગેન્દ્ર કહે છે, ‘એ સમયે યોગની વૈજ્ઞાનિકતા પર મોદીજીને ખૂબ રસ પડ્યો હતો. તેમણે યોગનો હોલિસ્ટિક પર્સપેક્ટિવ જોયો હતો. તેમને સમજાયું કે યોગ માત્ર આસન નથી પરંતુ વૈજ્ઞાનિક ઢબની સુનિયોજિત જીવનશૈલી છે. મને યાદ છે કે એ અરસામાં પહેલી વાર અમે અસ્થમાના દરદીઓ પર યોગિક ક્રિયાની હકારાત્મક અસર પર એક રિસર્ચ કરેલું અને એ રિસર્ચ ૧૯૮૬માં બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલું. આ વાત તેમને ખૂબ પ્રભાવક લાગી હતી. યોગ સાથે જોડાયેલા વૈજ્ઞાનિક અભિગમને જાણ્યા પછી તેમણે તેને પૂરેપૂરો અપનાવી લીધો. એ સમયે તેઓ અમારી પાસે શીખ્યા, પરંતુ હવે અમે તેમની પાસેથી શીખી રહ્યા છીએ. તેઓ માસ્ટર્સ ઑફ માસ્ટર છે. તેઓ જે શીખ્યા એને તેમણે ખૂબ જ ઉમદા રીતે અડૅપ્ટ કર્યું છે. તે ખરા અર્થમાં યોગના રોલમૉડલ છે. ૧૮૯૩માં તે નરેન્દ્ર (સ્વામી વિવેકાનંદ) જેમણે શિકાગોની વર્લ્ડ પાર્લમેન્ટ ઑફ રિલિજન્સમાં દેશનું અને હિન્દુ સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું હતું અને બીજા નરેન્દ્ર આ જેમણે ૨૦૧૪ની ૨૭ સપ્ટેમ્બરે ન્યુ યૉર્કમાં યોજાયેલી ૬૯મી યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બ્લીમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવાનું આહ્વાન કર્યું અને ૧૮૦ દેશોએ તેમની વાતને વધાવી લીધી અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જાહોજલાલી સાથે ઉજવણી શરૂ થઈ. આપણા આદરણીય પ્રાઇમ મિનિસ્ટરે યોગને સાધ્યો છે. યોગની તેઓ માત્ર વાત નથી કરતા, પરંતુ તેમણે પોતાની જીવનશૈલીમાં યોગ અને અાધ્યાત્મને વણી લીધાં છે.’
૧૯૮૩માં પહેલી વાર નરેન્દ્ર મોદીએ આ યોગ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી એ પછી તો તેમની ત્યાં કાયમી આવજા શરૂ થઈ ગઈ. ઇન ફૅક્ટ, ૨૦૧૫માં અરવિંદ કેજરીવાલને પણ તેમણે આ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેવાનું કહ્યું હતું. મોદી પોતે અહીંથી યોગ શીખ્યા ત્યારે તેઓ સંઘના કાર્યકર્તા હતા, પરંતુ જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે પોતાના મંત્રીઓને પણ યોગનો અનુભવ આપવાનું બીડું તેમણે ઝડપ્યું. ડૉ. નાગેન્દ્ર કહે છે, ‘નરેન્દ્ર મોદીજી જ્યારે ચીફ મિનિસ્ટર ઑફ ગુજરાત બન્યા ત્યારે પોતાના મિનિસ્ટર અને એમએલએને ટ્રેઇન કરવા માટે અમને બોલાવ્યા હતા. ગુજરાતમાં અમે ઘણા યોગ-કૅમ્પ કર્યા. ‌લગભગ નિયમિત અમે મિનિસ્ટરો માટે યોજાતી ચિંતન બેઠકમાં જતા અને વિવિધ પ્રાણાયામ, આસનો પ્રૅક્ટિસની સાથે યોગનો સાયન્ટિફિક અને હોલિસ્ટિક અપ્રોચ તેમની સમક્ષ મૂકતા. ગુજરાતમાં હતા ત્યારે તેમણે ત્યાંની સ્કૂલોમાં યોગ સામેલ થાય, યોગના ટીચરો વધે એવા પ્રયત્નો પણ કર્યા છે. પ્રાઇમ મિનિસ્ટર બન્યા પછી તેમણે યોગ માટે જે કર્યું એ તો આપણી સામે જ છે. યોગ ભારતની ધરોહર છે અને યોગનું કેટલું મહત્ત્વ છે એ બાબત તેમણે ડગલેને પગલે વિશ્વ સમક્ષ મૂકી છે.’


ગુણોના ભંડાર
નરેન્દ્ર મોદી સાથે જ્યારે તેઓ વડા પ્રધાન નહોતા ત્યારથી સારો એવો પરિચય ધરાવનારા ડૉ. નાગેન્દ્ર મોદીની બીજી કેટલીક ખાસિયત વર્ણવતાં કહે છે, ‘મોદી સમયના ખૂબ જ પાકા છે. વર્ષોથી તેમના આ ગુણનો હું પ્રશંસક રહ્યો છું. મને યાદ નથી કે હું અથવા તો કોઈ પણ તેમની અપૉઇન્ટમેન્ટ લીધી હોય પછી તેમની રાહ જોતા બેસી રહ્યા હોય. આજે પણ તેમની મિનિસ્ટ્રીની મીટિંગનો ટાઇમ જો અગિયાર વાગ્યાનો હોય તો મીટિંગના અડધા કલાક પહેલાં બધા આવીને તૈયારીઓ કરી લે. મોદી સમય કરતાં પાંચ મિનિટ વહેલા આવે. મીટિંગ સમય પર જ શરૂ થાય અને એક કલાકની મીટિંગ હોય તો દસ મિનિટ વહેલી પૂરી થઈ જાય અને બાકીની દસ મિનિટ તેઓ દરેક સાથે વ્યક્તિગત વાત કરે. બીજું તેમની મેમરી જોરદાર છે. હું તેમને મળું તો વર્ષો પહેલાંની વાતો પણ તેઓ યાદ કરે અને અમારી સંસ્થા એટલે કે પ્રશાંતિ કુટિરમમાં તેઓ જેમને ઓળખતા હોય એવા લોકોને પણ યાદ કરે. તેમને બધાનાં જ નામ અને તેની સાથે સંકળાયેલી વાતો યાદ હોય. તેમનું માઇન્ડ ખૂબ જ ક્રીએટિવ છે. મને યાદ છે કે હું ગુજરાતમાં તેમને ત્યાં હતો એ સમયે તેમણે કાઉ હોસ્ટેલ એટલે કે ગાય માટે હોસ્ટેલ જેવું બનાવીએ એ કન્સેપ્ટ લૉન્ચ કર્યો હતો જેમાં ગાયને એક જગ્યાએ તેમના માલિકો રાખીને પોતપોતાના કામે જાય, કોઈ એક વ્યક્તિ બધી ગાયોને એક કારશેડ જેવી જગ્યા પર રાખીને ધ્યાન રાખે અને તેના માલિકો પણ ગાયને એક વાર આવીને વહાલથી મળી જાય. તેઓ જ આવું રચનાત્મક વિચારી શકે છે. નિર્ણયો લઈ શકે છે. કાશ્મીરના મુદ્દાથી લઈને ચીન, નવી એજ્યુકેશન પૉલિ‌સીથી લઈને તેમણે લીધેલા ઘણા દેશહિતના નિર્ણયોથી દેશ નવા અધ્યાયની તરફ જઈ રહ્યો છે. તેમની નિયમિતતા કાબિલેદાદ છે. રોજ સવારે રૂટીનમાં યોગ, રનિંગ, પ્રાણાયામ, આસન, બંધ, મુદ્રા એમ જે સમયે જેની જરૂર હોય એવા ટેલરમેડ યોગ તેઓ હવે જાતે જ કરે છે. ઘણા મિનિસ્ટરો મારી પાસે આવે અને તબિયત માટે યોગ કરો એવું કહું તો કહે કે ટાઇમ નથી મળતો. મને થાય કે સૌથી વધુ સક્રિય અને સતત સક્રિય વડા પ્રધાન રોજના બે કલાક યોગ માટે કાઢે છે તો તમારી પાસે કેમ સમય નથી? આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી દીર્ઘાયુ, સ્વસ્થ અને સુખી રહે અને આ જ રીતે દેશની સેવા કરતા રહે એવી મારી તેમને શુભેચ્છા અને પ્રભુપ્રાર્થના પણ છે.’

national news narendra modi yoga ruchita shah