નમામિ ગંગે પ્રોજેક્ટની સમીક્ષા કરી : ૨૦,૦૦૦ કરોડ ખર્ચાશે

15 December, 2019 12:46 PM IST  |  Mumbai Desk

નમામિ ગંગે પ્રોજેક્ટની સમીક્ષા કરી : ૨૦,૦૦૦ કરોડ ખર્ચાશે

હિન્દુ ધર્મમાં જેને માતાનું સ્વરૂપ માનવામાં આવ્યું છે એ પવિત્ર ગંગા નદીના શુદ્ધીકરણ માટેની ‘નમામિ ગંગે યોજના’ના અમલ માટે રચાયેલી નૅશનલ ગંગા કાઉન્સિલની પ્રથમ બેઠકમાં હાજરી આપવા અને સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે યુપીના કાનપુર શહેર પહોંચ્યા હતા. સમીક્ષા બેઠક બાદ તેમણે યુપીના સીએમ યોગી સહિત અન્ય અગ્રણીઓ સાથે કાનપુરમાં અટલ ઘાટથી મોટરબોટમાં બેસીને નૌકાવિહાર દ્વારા ગંગા નદીનું નિરીક્ષણ પણ કર્યું હતું. મોદી સરકારે ગંગા શુદ્ધીકરણ માટે ૨૦,૦૦૦ કરોડનું બજેટ ફાળવ્યું છે. નોંધનીય છે કે કાનપુર શહેરમાંથી ગંગા નદીમાં સૌથી વધુ અશુદ્ધ પાણી છોડવામાં આવે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે નૅશનલ ગંગા કાઉન્સિલની પહેલી બેઠકમાં ભાગ લેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કાનપુર આવી પહોંચ્યા હતા. અહીં તેમણે ગંગા નદીના રાષ્ટ્રીય કાયાકલ્પ, સંરક્ષણ અને મૅનેજમેન્ટને લઈને ચંદ્રશેખર આઝાદ કૃષિ અને ટેક્નૉલૉજી યુનિવર્સિટીમાં બેઠક યોજી હતી.
આ બેઠકમાં યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, કેન્દ્રીય જળશક્તિ પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવત, ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત અને બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલ મોદી ઉપરાંત અનેક વરિષ્ઠ નેતાઓ તથા અધિકારીઓ હાજર રહ્યા હતા. અહીં પીએમ મોદીએ સૌથી પહેલાં નમામિ ગંગે મિશનનું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. જોકે આ બેઠકમાં બિહારના જેડીયુના સીએમ નીતીશકુમારે હાજર રહેવાનું ટાળ્યું હોવાનું પણ બહાર આવ્યું હતું.
ગંગાને નિર્મળ અને સ્વચ્છ બનાવવા માટે અત્યાર સુધી જે પણ કાર્ય થયા છે એની પીએમ મોદીએ સમીક્ષા કરી હતી. આ સાથે જ આવનારા સમયમાં ગંગાને સ્વચ્છ અને એના કિનારાઓને સુંદર બનાવવા માટે શું શું કરી શકાય એની કાર્યયોજના ઉપર પણ મંથન થયું હતું અને મોદીએ વહીવટી તંત્રને માર્ગદર્શન આપ્યું હતું. સમીક્ષા બાદ પીએમ
મોદી ક્રૂઝથી ગંગાદર્શન કરવા રવાના થયા હતા.

kanpur national news