નાગપુરની ડૉક્ટરે કોરોનાથી સંક્રમિત દર્દીઓની સેવા કરવા માટે લગ્ન કરવાની ના પાડી

08 May, 2021 01:48 PM IST  |  Nagpur | Gujarati Mid-day Online Correspondent

અપૂર્વા બહુ સારી રીતે જાણે છે કે કોવિડ-19થી સંક્રમિત સ્વજન ગુમાવવું એટલે શું અને માટે જ તે લગ્ન કરતાં પોતાની ફરજને વધુ પ્રાથમિકતા આપે છે

પ્રતીકાત્મક તસવીર

કોરોના આ ભયંકર રોગચાળામાં ડૉક્ટર્સ (Doctors) સહિત કોરોના વૉરિયર્સ (Corona warriors) દર્દીઓની જે સેવા કરી રહ્યા છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે. ઘણાં લોકોએ હાલમાં સેવાને જ પોતાના ધર્મ માન્યો છે. ફ્રંટલાઇન વર્કર્સ દિવસો સુધી પરિવારથી દૂર રહે છે અને પોતાની ફરજ બજાવતા રહે છે. મહારાષ્ટ્રના નાગપુરમાં એક મહિલા ડૉક્ટરે કોરોનાના રોગચાળા દરમિયાન પોતાના લગ્ન તોડવાનો નિર્ણય કર્યો છે. તેને લગ્ન સામે વાંધો ન હતો પણ હાલમાં તે સતત ફરજ પર રહે છે અને તેને પોતાની આ ડ્યુટી બજાવવામાંથી પાછા નહોતું  પડવું. તેના લગ્નની તારીખ આ કોરોના રોગચાળો ચાલે છે તે દરમિયાન જ નક્કી થઇ. પરંતુ તેનો પરિવાર આ બબાતે કચવાતો હતો અને તેમને રોગચાળા દરમિયાન લગ્ન નહોતા કરવા. સામે પક્ષે છોકરાનો પરિવાર લગ્નની તારીખ પાછળ ધકેલવા માટે રાજી નહોતો, તેમને આ નિયત તારીખે જ લગ્ન કરવા હતા. આ ચર્ચા થતા ડૉક્ટર છોકરીએ પોતે આ લગ્ન કરવા તૈયાર નથી તેમ કહી દીધું.

 એક ન્યૂઝ રિપોર્ટ અનુસાર નાગપુરની અપૂર્વા મંગલગિરી સેન્ટ્રલ ઇન્ડિયા કાર્ડિયોલોજી હૉસ્પિટલમાં ફિઝીશ્યન છે. 26 એપ્રિલના રોજ અપૂર્વાના લગ્ન નક્કી થયા હતા. જોકે, તેણે લગ્ન તોડી નાખવાનો નિર્ણય કર્યો છે. વાત એવી છે  કે અપૂર્વાનો પરિવાર કોરોનાકાળમાં લગ્ન કરવા માંગતો ન હતો. આથી લગ્નની તારીખ પોસ્ટપોન્ડ કરવાનો વિચાર થઈ રહ્યો હતો. છોકરાવાળાં આ માટે તૈયાર ન હતો. જે બાદમાં અપૂર્વાએ લગ્ન જ તોડી નાખવાનો નિર્ણય કર્યો હતો. અપૂર્વાએ પોતાની જાતને ફક્ત કોવિડ દર્દીઓની સેવામાં સમર્પિત કરી દીધી છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કોરોનાથી અપૂર્વાના પિતાનું નિધન થયું હતું.  અપૂર્વા બહુ સારી રીતે જાણે છે કે કોવિડ-19થી સંક્રમિત સ્વજન ગુમાવવું એટલે શું. કોરોનાની બીજી લહેર દરમિયાન અપૂર્વા પાસે અને લોકોના મદદ માટે ફોન આવે છે. આ જ કારણ છે કે લગ્નની તારીખ આગળ ન વધતા તેણે લગ્ન સંબંધ જ તોડી નાખ્યો અને તેની જાતને કોરોનાના દર્દીઓ માટે સમર્પિત કરી દીધી. અપૂર્વાએ સેવાને જ પોતાનો ધર્મ માની લીધો છે. અપૂર્વા માને છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન હૉસ્પિટલમાં ડૉક્ટર્સ અને અન્ય સ્ટાફની ખૂબ અછત છે. તે ઇચ્છે છે કે કોરોનાથી ખરાબ થયેલી હાલત પર ઝડપથી કાબૂ મેળવી લેવામાં આવે. અપૂર્વા માટે લગ્ન તોડવાનો નિર્ણય ખૂબ આકરો હતો. જોકે, આજે અપૂર્વાના પરિવારને પણ તેની દીકરી પર ગર્વ છે. તેમને એ વાતનો ગર્વ છે કે મુશ્કેલ સમયમાં તેની દીકરી લોકોની મદદ કરી રહી છે.

nagpur maharashtra coronavirus