નાગપુરમાં ત્રણ કલાકમાં ૧૧૦ મિલીમીટર વરસાદ પડ્યો, શહેર થઈ ગયું પાણી-પાણી

29 July, 2026 09:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્કૂલની ફરતે પાણી ભરાઈ જવાથી ૮૦૦ સ્ટુડન્ટ્સ અટવાયા: મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ૩૦ અને ૩૧ જુલાઈએ ધોધમાર વરસાદ પડવાની શક્યતા હવામાન ખાતાએ દર્શાવી છે.

પ્રતીકાત્મક તસવીર

લાંબા સમયથી મોટા વરસાદની રાહ જોઈ રહેલા વિદર્ભવાસીઓને હસવું કે રડવું એ નથી સમજાઈ રહ્યું. વરસાદે હવે નાગપુરનો વારો કાઢ્યો છે. ગઈ કાલે ત્રણ કલાકમાં નાગપુરમાં ૧૧૦  મિલીમીટર વરસાદ પડતાં બધે જ પાણી-પાણી થઈ ગયું હતું અને અનેક વિસ્તારોમાં ત્રણથી ૪ ફુટ જેટલાં પાણી ભરાઈ ગયાં હતાં. નાગપુરના પ્રતાપનગરમાં આવેલી સોમલવાર સ્કૂલની ફરતે પાણી ભરાઈ ગયાં હોવાથી સ્કૂલમાં ૮૦૦ જેટલા સ્ટુડન્ટ્સ ફસાઈ ગયા હતા. દોરી બાંધીને અને કેટલાંક નાનાં બાળકોને ઊંચકીને ફાયરબ્રિગેડના જવાનોએ સુરિક્ષત બહાર કાઢ્યાં હતાં. આજે પણ હવામાન ખાતાએ નાગપુરમાં ભારે વરસાદની આગાહી કરીને રેડ અલર્ટ જાહેર કરી છે. આજે અને આવતી કાલે પણ નાગપુરમાં ૪૦-૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ થવાની શક્યતા દર્શાવાઈ છે. લોકોને ખુલ્લામાં ઝાડની નીચે ઊભા ન રહેવા જણાવવામાં આવ્યું છે. વળી નદીનાળાંમાં આવેલાં પૂર જોવા ન નીકળવાની સલાહ પણ આપવામાં આવી છે.

mumbai news mumbai nagpur maharashtra news maharashtra mumbai rains monsoon news mumbai monsoon indian meteorological department