સરદાર પટેલને ભુલાવીને કૉન્ગ્રેસે કુટુંબવાદ ચલાવ્યો : નરેન્દ્ર મોદી

22 October, 2018 04:30 AM IST  | 

સરદાર પટેલને ભુલાવીને કૉન્ગ્રેસે કુટુંબવાદ ચલાવ્યો : નરેન્દ્ર મોદી

આઝાદ હિન્દ ફોજની સ્થાપનાના ૭૫ વર્ષ નિમિત્તે નવી દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે ‘૭૫ વર્ષ પહેલાં દેશની બહાર બનેલી આઝાદ હિન્દ સરકાર અખંડ ભારતની, અવિભાજિત ભારતની સરકાર હતી. એક પરિવારને મહાન બનાવવા માટે સરદાર પટેલ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા દેશના અનેક સપૂતોની જેમ જ નેતાજી સુભાષચંદ્ર બોઝના યોગદાનને પણ ભુલાવવાની કોશિશ કરવામાં આવી હતી.’

દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નેહરુનું નામ લીધા વિના તેમણે જણાવ્યું હતું કે આઝાદી પછી દેશને સરદાર પટેલ કે સુભાષચંદ્ર બોઝનું નેતૃત્વ મળ્યું હોત તો સ્થિતિ જુદી જ હોત.

નેતાજીની ચિઠ્ઠીનો ઉલ્લેખ કર્યો


લાલ કિલ્લા પર આયોજિત કાર્યક્રમમાં આઝાદ હિન્દ ફોજના સૈનિકોની વિશિષ્ટ ટોપી પહેરીને દેશવાસીઓને અભિનંદન આપતાં મોદીએ જણાવ્યું હતું કે ‘આઝાદ હિન્દ સરકાર માત્ર નામ નહોતું, નેતાજીના નેતૃત્વમાં એ સરકારે દરેક ક્ષેત્ર માટે અવનવી યોજનાઓ ઘડી હતી. આ સરકારની પોતાની બૅન્ક, રાષ્ટ્રનું અલગ ચલણ, ભારતની ટપાલટિકિટ અને ગુપ્તચર સેવા હતી. જેનો સૂર્ય કદી અસ્ત થતો નહીં હોવાની વૈશ્વિક છાપ ધરાવતા સશક્ત વિદેશી શાસક વિરુદ્ધ દેશની જનતાને એકજૂટ કરવાનું ઓછાં સંસાધનો વચ્ચે નેતાજી બોઝે કર્યું હતું. વીરતાની પરાકાષ્ઠા સિદ્ધ કરવાના ગુણનાં બીજ બાળપણથી જ નેતાજીના વ્યક્તિત્વમાં રોપાયાં હતાં.’               

આપણે ક્યાં સુધી સૂતા રહીશું?                     
                                                 

સુભાષચંદ્ર બોઝે ૧૯૧૨ની આસપાસના કાળમાં ૧૫-૧૬ વર્ષની વયે તેમના મમ્મીને લખેલા પત્રનો પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉલ્લેખ કર્યો હતો. પત્રમાં તેમણે ભારતની ગુલામ અવસ્થા બાબતે તેમનાં મમ્મીને પ્રશ્ન કર્યો હતો કે ‘મા શું આપણો દેશ દિવસોદિવસ વધુ પતન કરશે. આ દુનિયામાં ધરતીમાતાનો એક પણ પુત્ર નથી જે નિસ્વાર્થ બનીને સંપૂર્ણ જીવન રાષ્ટ્રસેવાને સમર્પિત કરે? બોલો મા, આપણે ક્યાં સુધી સૂતાં રહીશું?’

વડા પ્રધાને જણાવ્યું હતું કે ‘આ જ લાલ કિલ્લા પર આઝાદ હિન્દ ફોજના સેનાની શાહનવાઝ ખાને કહ્યું હતું કે સુભાષચંદ્ર બોઝ પહેલી એવી વ્યક્તિ હતી જેમણે ભારતની અસ્મિતા અને ગરિમાની ભાવના મારા મનમાં જગાવી હતી. કેવા સંજોગોમાં શાહનવાઝ ખાને એવું કહ્યું હતું?’

મોદીએ વક્તવ્યમાં જણાવ્યું હતું કે ‘સુભાષચંદ્ર બોઝે કૅમ્બિþજના દિવસો યાદ કરતાં લખ્યું હતું કે અમને શીખવવામાં આવતું હતું કે યુરોપની ઓળખ ગ્રેટ બ્રિટનનું રૂપ છે એથી યુરોપને બ્રિટનના દૃષ્ટિકોણથી જોવાની આદત હતી. આઝાદી બાદ પણ લોકોએ ઇંગ્લૅન્ડની દૃષ્ટિએ જ યુરોપને નિહાળ્યું હતું. આપણી વ્યવસ્થા, પરંપરા, સંસ્કૃતિ અને આપણાં પાઠ્યપુસ્તકોએ એ બાબતનું નુકસાન સહન કરવું પડ્યું છે.’

ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના જવાનો માટે નેતાજીના નામે અવૉર્ડ સ્થાપિત

વડા પ્રધાન મોદીએ ‘નૅશનલ પોલીસ ડે’ નિમિત્તે નૅશનલ પોલીસ મેમોરિયલના ઉદ્ઘાટન વેળા મોદીએ પોલીસ અને અર્ધલશ્કરી દળો તથા કુદરતી તથા માનવસર્જિત આફતો વેળા બચાવ અને રાહતકાર્યો પાર પાડતા જવાનોની હિંમત અને વીરતાને યાદ કરી હતી. કુદરતી આફત સામે રક્ષણ માટેના નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF) તેમ જ સ્ટેટ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ફોર્સ (SDRF)માં જવાનોને સન્માનિત કરવા નેતાજી બોઝ અવૉર્ડની સ્થાપના કરવામાં આવી હોવાનું વડા પ્રધાને જણાવ્યું હતું. વડા પ્રધાને જણાવ્યા મુજબ હવેથી દર વર્ષે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી (૨૩ જાન્યુઆરી)ના દિવસે તેમના નામથી જવાનોને સન્માનિત કરવામાં આવશે. આ પ્રસંગે કૉન્ગ્રેસે વીર જવાનોના સાહસનાં આ સ્મારકો તરફ બેદરકારી રાખી હોવાનું વડા પ્રધાને જણાવ્યું હતું. દર વર્ષે ૨૧ ઑક્ટોબરે ‘નૅશનલ પોલીસ ડે’નું આયોજન થાય છે. લદ્દાખમાં ૧૯૫૯માં ચીની સૈનિકોના હુમલામાં શહીદ થયેલા ૧૦ જવાનોની યાદમાં ‘નૅશનલ પોલીસ ડે’ યોજવામાં આવે છે.