બંગાળી હિન્દુઓની હાલત કાશ્મીરી પંડિતો જેવી

14 April, 2025 01:35 PM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

BJPના સંસદસભ્ય સુવેન્દુ અધિકારી કહે છે કેહિંસા બાદ ૪૦૦થી વધુ હિન્દુઓએ કર્યું પલાયન

મુર્શિદાબાદની હિંસા અને સ્કૂલ સર્વિસ કમિશનના રિક્રૂટમેન્ટમાં થયેલા ભ્રષ્ટાચારનો વિરોધ કરવા ગઈ કાલે BJPના કાર્યકરોએ કલકત્તામાં મમતા સરકારના પૂતળાનું દહન કર્યું હતું.

થોડા દિવસ અગાઉ જ દેશમાં લાગુ થયેલા વક્ફ કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ફાટી નીકળેલી હિંસામાં હિન્દુ સમાજના અનેક લોકોને ભગાડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. ગઈ કાલે પશ્ચિમ બંગાળના BJPના નેતા સુવેન્દુ અધિકારીએ હિન્દુઓ પલાયન કરી રહ્યા હોવાનો એક વિડિયો પણ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.

સુવેન્દુ અધિકારીએ કહ્યું હતું કે ‘જે વિસ્તારોમાં હિંસા થઈ છે ત્યાંથી હિન્દુઓને ભાગવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. મુર્શિદાબાદના ધુનિલાયના ૪૦૦થી વધુ હિન્દુઓએ ધાર્મિક કટ્ટરવાદીઓના ડરથી ભાગવું પડ્યું છે અને તેઓ નદી પાર કરીને માલદાના બૈષ્ણવનગરના દેવનાપુર-સોવાપુર જીપીની પાર લાલપુર સ્કૂલમાં આશરો લેવા માટે મજબૂર થયા છે. TMCની તુષ્ટીકરણ નીતિઓ કટ્ટરવાદી તત્ત્વોને પ્રોત્સાહિત કરી રહી છે. હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આપણા લોકો આપણી જ જમીન પર જીવ બચાવવા માટે ભાગી રહ્યા છે. કાયદો-વ્યવસ્થા નિષ્ફળ ગઈ હોવા મામલે રાજ્ય સરકારને શરમ આવવી જોઈએ. પશ્ચિમ બંગાળ સળગી રહ્યું છે, સામાજિકતા તૂટી ગઈ છે.’

BJPના સંસદસભ્યે મુર્શિદાબાદ જિલ્લામાં તહેનાત કેન્દ્રીય અર્ધસૈનિક દળ, રાજ્ય પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રને આગ્રહ કર્યો હતો કે તેઓ હિન્દુઓને સુરક્ષિત પાછા લાવવાનું તેમ જ તેમની સુરક્ષા કરવાનું સુનિશ્ચિત કરે.

પશ્ચિમ બંગાળની પુરુલિયા લોકસભા બેઠકના સંસદસભ્ય જ્યોતિર્મય સિંહ મહતોએ ગૃહપ્રધાનને પત્ર લખ્યો હતો કે ‘બંગાળના અનેક જિલ્લાઓમાં અને ખાસ કરીને મુર્શિદાબાદમાં પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. બંગાળી હિન્દુઓ એવો જ ડર અને હિંસા સહી રહ્યા છે જેવી ૧૯૯૦માં કાશ્મીરી પંડિતોએ સહન કરી હતી. જો આપણે હજી કોઈ પગલાં ન ભર્યાં તો એવી ઘટના બની શકે છે. જોકે આ વખતે ઘાટીમાં નહીં પરંતુ બંગાળમાં હશે.’

કલકત્તા હાઈ કોર્ટે મમતા સરકારની ઝાટકણી કાઢી
આ અગાઉ કલકત્તા હાઈ કોર્ટે મુર્શિદાબાદ જિલ્લામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) તહેનાત કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ‘વક્ફ સંશોધન અધિનિયમ વિરુદ્ધ દેખાવો દરમ્યાન સાંપ્રદાયિક હિંસા પર કાબૂ મેળવવામાં પશ્ચિમ બંગાળ સરકારે કરેલા પ્રયાસો પૂરતા નથી. જો પહેલાં CRPF તહેનાત કરવામાં આવી હોત તો સ્થિતિ આટલી ગંભીર અને અસ્થિર ન હોત.’

west bengal waqf amendment bill hinduism religion bharatiya janata party news national news