નાગરિકો કરતાં પૉલિટિકલ પાર્ટીઓના નેતાઓની સુધરાઈને વધારે ચિંતા

31 October, 2014 05:43 AM IST  | 

નાગરિકો કરતાં પૉલિટિકલ પાર્ટીઓના નેતાઓની સુધરાઈને વધારે ચિંતા



ડેન્ગીનો ફેલાવો થતો અટકાવવામાં સુધરાઈ ટોટલી નિષ્ફળ ગઈ છે અને હવે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખવા માગતી હોય એમ જે વિસ્તારોમાં આવી બીમારીઓનો ફેલાવો વધુ હોય એ વિસ્તારોમાં આવેલાં ઘરોમાં મચ્છરોના લાર્વા મળી આવશે એ ઘરના માલિકોને જેલમાં જવું પડશે એવો વિચિત્ર કહેવાય એવો આદેશ સુધરાઈ પ્રશાસને ગઈ કાલે સ્ટૅન્ડિંગ કમિટીની મીટિંગમાં ડેન્ગી બાબતે થઈ રહેલી ચર્ચા દરમ્યાન બહાર પાડ્યો હતો.

ડેન્ગીને કારણે સુધરાઈ સંચાલિત ધ્ચ્પ્ હૉસ્પિટલની રેસિડન્ટ ડૉક્ટરનું હાલમાં જ મૃત્યુ થયું છે એટલું જ નહીં, ડેન્ગીના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે લોકોના આરોગ્યની કાળજીને ધ્યાનમાં રાખીને દરેક વિસ્તારમાં ફૉગિંગ કરવાને બદલે સુધરાઈને મહાનગરપાલિકામાં શાસન કરનારી શિવસેના અને હવે રાજ્યમાં શાસનરૂઢ થનારી BJPના નેતાઓની ચિંતા વધારે છે. બુધવારે મોડી રાતે શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેના બાંદરામાં આવેલા માતોશ્રી બંગલાની બહાર તેમ જ વાનખેડે સ્ટેડિયમના આજુબાજુના વિસ્તારમાં કે જ્યાં આજે BJPના દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાનપદના શપથ લેવાના છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મોટાં માથાંઓ હાજર રહેવાનાં છે ત્યાં બુધવારે મોડી રાતે સુધરાઈના કર્મચારીઓ દવાનો છંટકાવ કરતા જોવા મળ્યા હતા.