04 April, 2026 01:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલ્હી પોલીસે ધરપકડ કરેલો શ્રીનિવાસ લુઇસ
દેશની અદાલતો, સ્કૂલો અને અન્ય મહત્ત્વપૂર્ણ સરકારી ઑફિસોને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી આપતી ઈ-મેઇલ મોકલનાર ૪૭ વર્ષના શ્રીનિવાસ લુઇસની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે શ્રીનિવાસે દેશભરમાં આશરે ૧૫૦૦ જેટલી ધમકીભરી ઈ-મેઇલ મોકલી હતી. એનાથી અનેક સ્થળોએ સુરક્ષા-એજન્સીઓ ચેતી ઊઠી હતી. દિલ્હી પોલીસ દ્વારા ચાલી રહેલી તપાસમાં સામે આવ્યું છે કે મુંબઈ સહિત આસપાસની કેટલીક સ્કૂલો અને હાઈ કોર્ટને પણ આ પ્રકારની ધમકી મોકલવામાં તે સામેલ હોવાની શક્યતા છે. આ માહિતીના આધારે મુંબઈ પોલીસે આરોપીનો તાબો મેળવવા માટે જરૂરી કાર્યવાહી શરૂ કરી છે તેમ જ વધુ તપાસ માટે દિલ્હી પોલીસ પાસેથી વિગતવાર માહિતી માગવામાં આવી રહી છે.
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૮ ડિસેમ્બરે મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આવેલી બૉમ્બે હાઈ કોર્ટમાં આવી ધમકી મળતાં સુરક્ષા-તપાસ હાથ ધરવામાં આવી હતી અને કોર્ટની કાર્યવાહી અટકાવી દેવી પડી હતી. એ જ દિવસે બાંદરાની ફૅમિલી કોર્ટ, માઝગાવની સેશન્સ કોર્ટ અને નાગપુરની પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ કોર્ટને પણ સમાન પ્રકારની ઈ-મેઇલ મળી હતી. આ પહેલાં પણ ૨૦૨૫ની ૧૨ અને ૧૯ સપ્ટેમ્બરે બૉમ્બે હાઈ કોર્ટને બૉમ્બની ધમકીની ઈ-મેઇલ મળી હતી. આ તમામ કેસોમાં અલગ-અલગ ફરિયાદો વિવિધ પોલીસ-સ્ટેશનોમાં નોંધવામાં આવી છે. એ ઉપરાંત મુંબઈ, નવી મુંબઈ અને મીરા રોડ તેમ જ વસઈ-વિરારની અનેક સ્કૂલોને પણ આ પ્રકારની ધમકી મળી હતી. તમામ કેસોમાં એક ચીજ કૉમન હતી કે આરોપીએ તમામની ઑફિશ્યલ ઈ-મેઇલ આઇ-ડી પર ધમકી આપી હતી. દિલ્હી પોલીસે મૈસૂરમાંથી બે અઠવાડિયાં પહેલાં મૂળ બૅન્ગલોરના રહેવાસી એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપી પોસ્ટ-ગ્રૅજ્યુએટ છે અને પોતાની નિવૃત્ત સરકારી કર્મચારી માતા સાથે રહેતો હતો. હાલમાં દિલ્હી-પોલીસ તેની પૂછપરછ કરી રહી છે જેમાં તેણે પોતાની ઓળખ છુપાવવા માટે ઉપયોગમાં લીધેલા વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN) વિશે માહિતી મેળવવામાં આવી રહી છે. હાલ અમારી પાસે અલગ-અલગ નોંધાયેલી ૧૭ ફરિયાદમાં આરોપી સામેલ હોવાનું સામે આવ્યું છે. આરોપીને કસ્ટડીમાં
લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દિલ્હી-પોલીસની કસ્ટડી પૂર્ણ થયા બાદ તેની કસ્ટડી મેળવવામાં આવશે.’
દિલ્હી-પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ અગાઉ કાયદાનો અભ્યાસ કરેલો છે. જોકે પોતાના પિતાની મિલકતના હક બાબતે કોર્ટમાં ન્યાય ન મળ્યો હોવાને કારણે ન્યાય તંત્ર સામે તે નારાજ હતો. આ કારણસર તેણે દેશભરની વિવિધ કોર્ટોને નિશાન બનાવી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે તેણે દિલ્હી અને મુંબઈ હાઈ કોર્ટ ઉપરાંત પાકિસ્તાનની કોર્ટોને પણ સમાન પ્રકારની ધમકી મોકલી હતી. તે ખાસ કરીને કોર્ટની કામગીરીમાં ખલેલ પહોંચાડવા માટે બૉમ્બ મૂકવામાં આવ્યા હોવાની ખોટી ઈ-મેઇલ મોકલતો હતો.