આવતા મહિનાથી ભારતને મળશે કોરોનાની રસીના 10 કરોડ ડોઝ

14 November, 2020 11:11 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આવતા મહિનાથી ભારતને મળશે કોરોનાની રસીના 10 કરોડ ડોઝ

પ્રતીકાત્મક તસવીર

વિશ્વની સૌથી મોટી રસી બનાવતી કંપની ડિસેમ્બર સુધી ભારતને કોરોનાની રસીના ૧૦ કરોડ ડોઝ આપશે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું કે ફાઇનલ સ્ટેજમાં જ આ રસી પ્રભાવશાળી સાબિત થઈ તો આવતા મહિને ૧૦ કરોડ ડોઝ ભારતને આપશે. ત્યાર બાદ એ આવતા વર્ષે ૧૦૦ કરોડ ડોઝ તૈયાર કરશે જૈ પૈકી ૫૦ કરોડ ભારતને તેમ જ ૫૦ કરોડ સાઉથ એશિયાના અન્ય દેશોમાં વિતરણ કરશે.

શિયાળાની શરૂઆત સાથે જ અમેરિકા સહિત ભારતમાં કોરોના વાઇરસના કેસમાં ભારે વધારો નોંધાયો છે. દુનિયાભરમાં કોરોનાની વેક્સિનની કાગડોળે રાહ જોવાઈ રહી છે ત્યારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સીસના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ અલગ જ નિવેદન આપ્યું છે.

ગુલેરિયાએ કહ્યું છે કે કોરોના વાઇરસના વધતા પ્રકોપ બાદ આપણે એક એવી સ્થિતિમાં પહોંચી જઈશું કે જ્યારે હર્ડ ઇમ્યુનિટી આવી જશે અને ત્યારે રસીની પણ જરૂર નહીં પડે. એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ એક ખાસ વાતચીતમાં આમ કહ્યું હતું.

દેશમાં કોરોનાના કેસનો કુલ આંક ૮૭ લાખને પાર

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પ્રસિદ્ધ કરેલા આંકડાઓ અનુસાર ભારતમાં શુક્રવારે કોરોનાના નવા ૪૪,૮૭૯ કેસ નોંધાવા સાથે કેસનો કુલ આંક વધીને ૮૭.૨૮ લાખ થયો હતો, જ્યારે ૮૧,૧૫,૫૮૦ લોકો સંક્રમણથી મુક્ત થયા હતા, જેને પગલે રાષ્ટ્રીય રીકવરી રેટ વધીને ૯૨.૯૭ ટકા નોંધાયો હતો.

૨૪ કલાકમાં ૫૪૭ લોકોનાં મોત થવા સાથે દેશમાં કોરોનાને કારણે થયેલા મૃત્યુનો આંક ૧,૨૮,૬૬૮ ઉપર પહોંચ્યો હતો. આ સાથે કોરોનાનો મૃત્યુ દર ઘટીને ૧.૪૭ ટકા થયો હતો. દેશમાં અત્યારે કોરોનાના ૪,૮૪,૫૪૭ એક્ટિવ કેસ છે.

૫૪૭ મોતમાંથી ૧૨૨ મોત મહારાષ્ટ્રમાં, ૧૦૪ દિલ્હીમાં, ૫૪ પશ્ચિમ બંગાળમાં, ૨૫ કેરળમાં અને ૨૫ તમિલનાડુમાં, ૨૩ પંજાબમાં, ૨૧ કર્ણાટક અને ૨૧ ઉત્તર પ્રદેશમાં, ૨૦ છત્તીસગઢમાં અને ૧૯ હરિયાણામાં નોંધાયા હતા.

national news coronavirus covid19