પાંચ પક્ષોના જનતા પરિવારનું નેતૃત્વ કરશે મુલાયમસિંહ યાદવ

05 December, 2014 04:45 AM IST  | 

પાંચ પક્ષોના જનતા પરિવારનું નેતૃત્વ કરશે મુલાયમસિંહ યાદવ


સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમસિંહ યાદવ જૂની જનતા પાર્ટીમાંથી અલગ થયેલા પાંચ પક્ષોના વિલયનો માર્ગ તૈયાર કરશે. ગુરુવારે નવી દિલ્હીમાં યોજાયેલી પાંચેય પક્ષોની બેઠકમાં આ ફેંસલો કરવામાં આવ્યો હતો. આ બેઠક પૂરી થઈ એ પછી જનતા દળ (યુનાઇટેડ)ના પ્રમુખ શરદ યાદવે જણાવ્યું હતું કે અમે સાથે મળીને એક પક્ષ બનાવવાનો ફેંસલો કર્યો છે. એ પક્ષની રચનાની જવાબદારી મુલાયમસિંહ યાદવને સોંપવામાં આવી છે.
મુલાયમસિંહ યાદવની સમાજવાદી પાર્ટી, લાલુપ્રસાદ યાદવનું રાષ્ટ્રીય જનતા દળ, ઓમપ્રકાશ ચૌટાલાનું ઇન્ડિયન નૅશનલ લોકદળ, શરદ યાદવનું જનતા દળ (યુનાઇટેડ) અને એચ. ડી. દેવ ગોવડાના જનતા દળ (સેક્યુલર)નો વિલય નવી પાર્ટીમાં થશે.
કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકાર સામે બાવીસ ડિસેમ્બરે હલ્લાબોલ કાર્યક્રમ યોજવાનો નિર્ણય પણ આ પક્ષોની બેઠકમાં કરવામાં આવ્યો હતો. બ્લૅક મની ઉપરાંત ખેડૂતોને આપેલા વચનનું પાલન કરવામાં ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાને હલ્લાબોલ કાર્યક્રમમાં એક મુદ્દો બનાવવામાં આવશે.

આ બેઠકમાં કરવામાં આવેલા અન્ય નિર્ણયો વિશે જનતા દળ (યુનાઇટેડ)ના નેતા નીતીશકુમારે જણાવ્યું હતું કે ‘હલ્લાબોલ કાર્યક્રમ પછી પાંચેય પક્ષોની વધુ એક બેઠક યોજવામાં આવશે. એ બેઠકમાં પ્રવર્તમાન રાજકીય પરિસ્થિતિ વિશે ચર્ચા થશે અને નવી પાર્ટીની રચના કરવામાં આવશે.’

નવા પક્ષની રચના અત્યારે શા માટે?

લોકસભાની ચૂંટણીમાં પ્રાદેશિક પક્ષોની કારમી હાર થયા બાદ દેશના રાજકારણમાંથી આવા પક્ષોને ખતમ કરી નાખવાનો નરેન્દ્ર મોદીનો ઇરાદો જાહેર થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનામાં યોજાયેલી કેટલાંક રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટીને એ રાજ્યોમાં એકલે હાથે સરકાર રચતી નિહાળીને પ્રાદેશિક પક્ષોના પેટમાં તેલ રેડાયું છે. આ પ્રાદેશિક પક્ષોને એવી શંકા છે કે આગામી વર્ષોમાં એમનું અસ્તિત્વ નરેન્દ્ર મોદી ખતમ કરી નાખશે. એ આશંકાથી પ્રેરાઈને બધા પક્ષોએ હવે પોતાનું અસ્તિત્વ ટકાવવા આ નવો દાવ ખેલ્યો છે.