મુલાયમના સપોર્ટથી યુપીએ સરકારને જીવતદાન

22 September, 2012 04:37 AM IST  | 

મુલાયમના સપોર્ટથી યુપીએ સરકારને જીવતદાન



યુપીએ સરકારને ગઈ કાલે મોટું જીવતદાન મળ્યું હતું. તૃણમૂલ કૉન્ગ્રેસના છ પ્રધાનોએ ગઈ કાલે રાજીનામાં આપીને સત્તાવાર રીતે યુપીએ સાથે છેડો ફાડ્યો હતો. જોકે સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અને નેતાજી તરીકે જાણીતા મુલાયમ સિંહ યાદવે ગઈ કાલે સરકારને બહારથી ટેકો આપવાનું ચાલુ રાખવાની જાહેરાત કરીને યુપીએને મોટી રાહત આપી હતી. હજી એક દિવસ પહેલાં જ મધ્યવર્તી ચૂંટણીનો સંકેત આપનાર સમાજવાદી પાર્ટીના સુપ્રીમોએ ગઈ કાલે પોતાનું પત્તું ખોલીને સરકારને અભયદાન આપ્યું હતું.

દીદીના પ્રધાનોનાં રાજીનામાં

તૃણમૂલ કૉન્ગ્રેસના છ પ્રધાનોએ ગઈ કાલે વડા પ્રધાન મનમોહન સિંહને તેમના નિવાસસ્થાને મળીને રાજીનામાં સુપરત કયાર઼્ હતાં. આ છ પ્રધાનોમાં મુકુલ રૉય, સુદીપ બંદોપાધ્યાય, સુલતાન અહમદ, સૌગતા રૉય, શિશિર અધિકારી અને સી. એમ. જૌતાનો સમાવેશ છે. આ પ્રધાનોમાં મુકુલ રૉય રેલવેપ્રધાન હતા, જ્યારે બાકીના પ્રધાનો જુદાં-જુદાં મંત્રાલયોમાં રાજ્યકક્ષાનો હવાલો સંભાળતા હતા. વડા પ્રધાનને રાજીનામું આપ્યા બાદ તેઓ સીધા રાષ્ટ્રપતિભવન ગયા હતા, જ્યાં તેમણે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને મળીને સરકારને ટેકો પાછો ખેંચ્યો હોવાનો પત્ર આપ્યો હતો. બંદોપાધ્યાયે કહ્યું હતું કે વડા પ્રધાને રાજીનામાને દુખદ ઘટના ગણાવી હતી. રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત દરમ્યાન તૃણમૂલ કૉન્ગ્રેસે સરકારને બહુમત પુરવાર કરવાની કોઈ અપીલ કરી નહોતી. 

મુલાયમ-માયાવતીનો સપોર્ટ


ભારત બંધના એલાન દરમ્યાન ડાબેરી નેતાઓ સાથે મળીને ત્રીજા મોરચાના સર્જનનો સંકેત આપનાર મુલાયમ સિંહ યાદવે ગઈ કાલે કહ્યું હતું કે કોમવાદી તત્વોને સત્તા પર આવતાં રોકવા માટે તેઓ યુપીએ સરકારને બહારથી ટેકો આપવાનું ચાલુ રાખશે. ગઈ કાલે જ્યારે મુલાયમ સિંહને પૂછવામાં આવ્યું કે શું તેઓ સરકારને આપવાનું ચાલુ રાખશે? ત્યારે તેમણે કહ્યું હતું કે ‘અમે ટેકો પાછો ખેંચ્યો નથી. કોમવાદી તત્વોને સત્તાથી દૂર રાખવા અમે ટેકો આપવાનું ચાલુ રાખીશું. અત્યારે મધ્યવર્તી ચૂંટણીની કોઈ શક્યતા નથી. જો મધ્યવર્તી ચૂંટણી આવશે તો એના માટે કૉન્ગ્રેસ જ જવાબદાર હશે.’

મુલાયમ સિંહે જોકે ડીઝલનો ભાવવધારો તથા મલ્ટિ-બ્રૅન્ડ રીટેલમાં એફડીઆઇનો વિરોધ ચાલુ રાખવાનો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો.

યુપીએને રાહત મળી

લોકસભામાં મુલાયમ સિંહની પાર્ટીના ૨૨ સભ્યો છે. જ્યારે માયાવતીની પાર્ટીના લોકસભામાં ૨૧ સભ્યો છે. સમાજવાદી પાર્ટી અને બીએસપીના ટેકાને કારણે યુપીએને ૩૦૦થી વધારે સભ્યોનો મજબૂત ટેકો છે. મમતા બૅનરજીની પાર્ટીના ૧૯ સંસદસભ્યોએ ટેકો પાછો લેતાં યુપીએની સંખ્યા ઘટીને ૨૫૪ થઈ હતી, જે સરકાર રચવા જરૂરી ૨૭૨ની સંખ્યા કરતાં ઓછી છે. જોકે મુલાયમ-માયાવતીના સર્પોટને કારણે સરકાર બહુમતમાં છે.