મુલાયમ સિંહના મૌનને કારણે સર્જાયું છે ગજબનું સસ્પેન્સ

30 November, 2012 06:23 AM IST  | 

મુલાયમ સિંહના મૌનને કારણે સર્જાયું છે ગજબનું સસ્પેન્સ



સંસદમાં ગઈ કાલે મલ્ટિ-બ્રૅન્ડ રીટેલમાં એફડીઆઇને મુદ્દે સરકાર અને વિરોધ પક્ષ વચ્ચે સર્જાયેલી મડાગાંઠ અત્યાર પૂરતી ઉકેલાઈ છે. સરકારે વોટિંગની જોગવાઈ સાથે ચર્ચા માટે તૈયાર થતાં લોકસભાનાં સ્પીકર મીરાકુમારે નિયમ ૧૮૪ હેઠળ એફડીઆઇના મુદ્દે ચર્ચાની પરવાનગી આપી હતી. આ તરફ રાજ્યસભાના ચૅરમૅન હામિદ અન્સારીએ પણ તમામ પક્ષોની બેઠકમાં ચર્ચા અને વોટિંગને મંજૂરી આપી હતી. આ સાથે છેલ્લા ચાર દિવસથી ઠપ સંસદમાં ગઈ કાલે કામગીરી થઈ શકી હતી. વિપક્ષની ડિમાન્ડ આગળ સરકારે નમતું જોખતાં હવે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. લોકસભામાં આગામી ચોથી અને પાંચમી ડિસેમ્બરે ચર્ચા થશે, જ્યારે રાજ્યસભામાં ચર્ચાનો દિવસ હવે નક્કી કરવામાં આવશે.

મુલાયમ સિંહ પાસે હુકમનો એક્કો

બીજેપી, કૉન્ગ્રેસ અને ડાબેરી પાર્ટી સહિતના પક્ષોએ એફડીઆઇના મુદ્દે ચર્ચાની તૈયારી શરૂ કરી દીધી છે. જોકે મુલાયમસિંહની પાર્ટી સમાજવાદી પાર્ટીએ પોતાના વલણને લઈને અકળ મૌન ધારણ કરતાં સસ્પેન્સ સર્જાયું છે. રાજ્યસભામાં યુપીએ પાસે પૂરતું સંખ્યાબળ નથી ત્યારે સમાજવાદી પાર્ટીએ એફડીઆઇના વિરુદ્ધમાં મતદાન કરવાની જાહેરાત કરી છે. રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના નવ સભ્યો છે. આ તરફ લોકસભામાં સમાજવાદી પાર્ટી એફડીઆઇને ટેકો આપશે કે તેના વિરોધમાં મતદાન કરશે તેને લઈને કોઈ સ્પષ્ટતા કરી નથી. ગઈ કાલે લખનઉમાં જ્યારે આ વિશે મુલાયમ સિંહને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘રાજકારણમાં ભવિષ્યની આગાહી કરી શકાય નહીં. જે પ્રકારની સ્થિતિ હશે એ મુજબ નિર્ણય લેવામાં આવશે.’

મુલાયમ સિંહના આ સ્ટેટમેન્ટ સરકાર જ નહીં વિરોધ પક્ષોને પણ મૂંઝવી દીધા છે. લોકસભામાં ૨૨ સભ્યો ધરાવતી  મુલાયમ સિંહની પાર્ટી જો એફડીઆઇના વિરોધમાં વોટ આપશે તો સરકાર માટે મુશ્કેલી પેદા થઈ શકે છે.

સંસદમાં શું છે સ્થિતિ?

૫૪૫ સભ્યોની લોકસભામાં યુપીએના ૨૬૫ સભ્યો છે. જોકે સમાજવાદી પાર્ટી (૨૨ સભ્યો) અને બીએસપી (૨૧ સભ્યો)એ બહારથી આપેલા ટેકાને કારણે યુપીએનું કુલ સંખ્યાબળ ૩૦૦ને પાર કરી જાય છે, જે ૨૭૩ના મૅજિક ફિગર કરતાં વધારે છે. જ્યારે રાજ્યસભામાં કુલ ૨૪૪ સભ્યોમાં યુપીએના સભ્યોની સંખ્યા ૯૪ છે.

પાંચમા દિવસે સંસદ ચાલી


એફડીઆઇને મુદ્દે સરકાર ચર્ચા-વોટિંગ માટે તૈયાર થતાં સતત ચાર દિવસ ઠપ રહેલી સંસદ કાલે ચાલી શકી હતી. ગઈ કાલે લોકસભામાં સરકારે કેટલાંક મહત્વનાં બિલો રજૂ કર્યા હતાં.