05 April, 2023 02:22 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મુકેશ અંબાણી
ફૉર્બ્સના ગઈ કાલે રિલીઝ થયેલા બિલ્યનેર્સ ૨૦૨૩ લિસ્ટ અનુસાર મુકેશ અંબાણી ફરી એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા છે. તેમના હરીફ ગૌતમ અદાણી ૨૪મા સ્થાને પહોંચ્યા છે. અદાણી ૨૪ જાન્યુઆરીએ દુનિયાના ત્રીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ હતા. એ સમયે તેમની નેટવર્થ ૧૨૬ અબજ અમેરિકન ડૉલર (૧૦,૩૪૫.૧૫ અબજ રૂપિયા) હતી. ફૉર્બ્સે જણાવ્યું હતું કે બાદમાં એ દિવસે આવેલા અમેરિકન શૉર્ટસેલર હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટના કારણે તેમના ગ્રુપની કંપનીઓના સ્ટૉક્સમાં ઘટાડો થવા લાગ્યો હતો.
તેમની નેટવર્થ હવે ૪૭.૨ અબજ ડૉલર (૩૮૭૫.૩૩ અબજ રૂપિયા) છે અને તેઓ અંબાણી પછી બીજા સૌથી ધનવાન ભારતીય છે. ૮૩.૪ અબજ ડૉલર (૬૮૪૭.૫૦ અબજ રૂપિયા)ની નેટવર્થની સાથે અંબાણી દુનિયાના અબજોપતિના લિસ્ટમાં નવમા સ્થાને છે.
ફૉર્બ્સે જણાવ્યું હતું કે અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઑઇલથી લઈને ટેલિકૉમ સહિત અનેક સેક્ટર્સમાં છે, જેણે ગયા વર્ષે ૧૦૦ અબજ ડૉલર (૮૨૧૦.૪૪ અબજ રૂપિયા)થી વધુની રેવન્યુ કરનારી પ્રથમ ભારતીય કંપની બની હતી.
બર્નાર્ડ આર્નોલ્ટ ટૉપ પર
દુનિયાના ટૉપના પચીસ સૌથી ધનવાન વ્યક્તિઓની પાસે ૨.૧ ટ્રિલ્યન ડૉલર (૧૭૨.૪૨ ટ્રિલ્યન રૂપિયા)ની કુલ સંપત્તિ છે. આ વર્ષે ૨૧૧ અબજ ડૉલર (૧૭,૩૨૪.૦૨ અબજ રૂપિયા)ની સંપત્તિની સાથે ફ્રેન્ચ લક્ઝરી ગુડ્સ ટાયકૂન બર્નાર્ડ આર્નોલ્ટ પહેલી વખત આ લિસ્ટમાં ટૉપ પર આવ્યા છે. ૧૮૦ અબજ ડૉલર (૧૪,૭૭૮.૭૮ અબજ રૂપિયા)ની નેટવર્થની સાથે મસ્ક બીજા સ્થાને છે.