જળ-સત્યાગ્રહીઓ સામે ઝૂકી સરકાર

11 September, 2012 05:47 AM IST  | 

જળ-સત્યાગ્રહીઓ સામે ઝૂકી સરકાર



મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં ૨૫ ઑગસ્ટથી ગળાડૂબ પાણીમાં ઊભા રહીને અનોખો જળ-સત્યાગ્રહ કરનારા ગ્રામજનો સામે આખરે રાજ્ય સરકાર ઝૂકી છે. ગઈ કાલે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે ગ્રામજનોની બન્ને માગણી સ્વીકારી લેતાં આ સત્યાગ્રહનો સુખદ અંત આવ્યો હતો. રાજ્ય સરકાર હવે ગ્રામજનોને તેમની ડુબાણમાં ગયેલી જમીનના બદલામાં અન્ય જમીન આપશે.

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે જળ-સત્યાગ્રહને મુદ્દે પાંચ સભ્યોની કમિટીની રચના કરી હતી. આ કમિટીના અહેવાલ તથા ગ્રામજનોના પ્રતિનિધિ સ્થાનિક બીજેપી ધારાસભ્ય લોકેન્દ્રસિંહ તોમર સાથે ચર્ચા બાદ તેમણે ગ્રામજનોની બન્ને માગણી સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો. ચૌહાણે કહ્યું હતું કે ગ્રામજનોને બૅન્કની મદદથી જમીન પાછી આપવામાં આવશે. સરકાર ગ્રામજનોની પીડા સમજતી હોવાનું જણાવતાં ચૌહાણે કહ્યું હતું કે ઓમકારેશ્વર ડૅમની હાઇટ ઘટાડીને ૧૮૯ મીટર કરવામાં આવશે, જેને કારણે ડૅમના કારણે સિંચાઈનો લાભ મેળવનાર જમીનના પ્રમાણમાં ૨૦,૦૦૦ હેક્ટરનો ઘટાડો થશે તથા ૧૨૦ મેગાવૉટ વીજઉત્પાદન પણ ઓછું થશે.