માતા પર રેપ કરનાર યુવકને આજીવન કેદ

26 October, 2012 05:33 AM IST  | 

માતા પર રેપ કરનાર યુવકને આજીવન કેદ



દિલ્હીની કોર્ટે ગઈ કાલે પોતાની જ માતા પર દારૂના નશામાં રેપ કરનાર યુવકને આજીવન કેદની સજા ફટકારી હતી. નંદકિશોર નામના આ યુવકે ગત મે મહિનામાં નશાની હાલતમાં પોતાની માતાના રૂમમાં ધસી આવ્યો હતો અને રેપ કર્યો હતો. એટલું જ નહીં બાદમાં તેણે આ વાત કોઈને કહી છે તો જાનથી મારવાની ધમકી આપી હતી. જોકે બાદમાં આ મહિલાએ તેને રૂમમાં પૂરીને પોલીસને જાણ કરી હતી. શૉકિંગ વાત એ છે કે નંદકિશોરે અગાઉ પોતાના પિતાની હત્યા કરી હતી. આ હત્યા બાદ જેલની સજા પૂરી કરીને તે ઘરે આવ્યો હતો અને બદલો લેવા માટે માતા પર રેપ કર્યો હતો.

દિલ્હીની કોર્ટે ગઈ કાલે સજાનો ચુકાદો આપતાં કહ્યું હતું કે આરોપીએ માણસ અને પશુ વચ્ચેનો ભેદ ભૂંસી નાખતું અત્યંત હીન કૃત્ય આચર્યું છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે આ પ્રકારના ગુના બદલ આરોપીને સજા આપવામાં સહેજ પણ ઉદારતા રાખી શકાય એમ નથી. સુપ્રીમ કોર્ટે પણ જાતીય આરોપોમાં દોષીને કડક સજા આપવાનો નર્દિશ આપેલો છે. કોર્ટે નંદકિશોરના કૃત્યને અધમતાની પરાકાષ્ઠા ગણાવી હતી.