ભારતમાં ૪૦ ટકાથી વધારે વૃદ્ધોની આર્થિક સ્થિતિ ખરાબ

30 September, 2023 12:07 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૨૦૨૩ ઇન્ડિયા એજિંગ રિપોર્ટ અનુસાર ૨૦૪૬ સુધીમાં દેશમાં વૃદ્ધોની વસ્તી બાળકોની વસ્તી (૧૫ વર્ષ સુધીની ઉંમરનાં) કરતાં વધારે હશે

પ્રતીકાત્મક તસવીર

નવી દિલ્હી: ભારતમાં વૃદ્ધોની વસ્તીનો દાયકાનો વૃદ્ધિ દર અત્યારે અંદાજે ૪૧ ટકા છે અને દેશમાં વૃદ્ધોની વસ્તીની ટકાવારી ૨૦૫૦ સુધીમાં બમણી થઈને કુલ વસ્તીના ૨૦ ટકાથી વધુ થઈ જવાનો અંદાજ છે. યુએનએફપીએ (યુનાઇટેડ નેશન્સ પૉપ્યુલેશન ફન્ડ, ઇન્ડિયા)એ એના ૨૦૨૩ ઇન્ડિયા એજિંગ રિપોર્ટમાં વધુ જણાવ્યું હતું કે ૨૦૪૬ સુધીમાં દેશમાં વૃદ્ધોની વસ્તી બાળકોની વસ્તી (૧૫ વર્ષ સુધીની ઉંમરનાં) કરતાં વધારે હશે.  
ભારતમાં ૪૦ ટકાથી વધારે વૃદ્ધો સંપત્તિ કે ફાઇનૅન્શિયલ સિચુએશનના મામલે સૌથી ગરીબ સ્થિતિમાં છે, જેમાંથી ૧૮.૭ ટકા લોકો આવક વિના જીવી રહ્યા છે. આટલી ગરીબીને કારણે તેમના જીવનની ગુણવત્તા અને આરોગ્ય-સુવિધાઓના લાભ મેળવવા પર અસર થાય છે.
સામાજિક ન્યાય વિભાગના સચિવ સૌરભ ગર્ગ અને યુએનએફપીએ ઇન્ડિયાના પ્રતિનિધિ એન્દ્ર એમ. વોજનરે દિલ્હીમાં બુધવારે આ રિપોર્ટ જાહેર કર્યો હતો.
આ રિપોર્ટમાં જણાવાયું છે કે વૃદ્ધ મહિલાઓ મોટા ભાગે વિધવા હોય છે, એકલી રહેતી હોય છે, કમાણીનો કોઈ સોર્સ હોતો નથી અને તેમની પાસે પોતાની સંપત્તિ બહુ ઓછી હોય છે અને સપોર્ટ માટે તેઓ ફૅમિલી પર સંપૂર્ણપણે નિર્ભર હોય છે. આવી સ્થિતિમાં વૃદ્ધાવસ્થામાં પુરુષોની સરખામણીમાં મહિલાઓએ ગરીબીનો વધારે સામનો કરવો પડે છે. વૃદ્ધોની બાબતમાં ભારત માટે સૌથી પડકારજનક બાબતો એકલી રહેતી વૃદ્ધ મહિલાઓ અને ગામડામાં રહેતાં વૃદ્ધોની સંભાળ છે અને તેમની ચોક્કસ જરૂરિયાતોને પહોંચી વળવા માટે નીતિઓ બનાવવી પડે.

૨૦૨૩ ઇન્ડિયા એજિંગ રિપોર્ટમાં મહત્ત્વનાં તારણો
૧) ૨૦૫૦ સુધી ૮૦ વર્ષથી વધુ વયના લોકોની વસ્તી વધારાનો દર લગભગ ૨૭૯ ટકા રહેશે, જેમાં વિધવા અને અત્યંત નિર્ભર રહેનારી ખૂબ જ વૃદ્ધ મહિલાઓનું વધારે પ્રમાણ રહેશે.  
૨) ૬૦ વર્ષ અને ૮૦ વર્ષે પુરુષોની સરખામણીમાં મહિલાઓનું સરેરાશ આયુષ્ય વધારે હોય છે. 
૩) હિમાચલ પ્રદેશ અને કેરલામાં ૬૦ વર્ષની મહિલાઓનો સરેરાશ જીવનકાળ અનુક્રમે બીજા ૨૩ અને ૨૨ વર્ષ છે. જે પુરુષોના જીવનકાળ કરતાં ચાર વર્ષ વધારે છે. 

new delhi national news gujarati mid-day