લૉકડાઉન-૪ માં મળશે વધુ છૂટછાટો

15 May, 2020 07:57 PM IST  |  Mumbai Desk | Dharmendra Jore

લૉકડાઉન-૪ માં મળશે વધુ છૂટછાટો

લૉકડાઉન (ફાઇલ ફોટો)

કોરોના વાઇરસના રોગચાળાના કેસીસ અને મરણાંકમાં સતત વૃદ્ધિને પગલે કેન્દ્ર સરકારની સૂચનાઓ અનુસાર મહારાષ્ટ્રમાં લોકડાઉનની મુદત લંબાવવામાં આવશે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લોકડાઉનની મુદત લંબાવવા ઉપરાંત નિયંત્રણો અને નિયમોની સખતાઈમાં રાહતો અને લંબાયેલી મુદતના ગાળામાં અર્થ તંત્રને ગતિમાન રાખવાના પગલાંની પણ ચર્ચા કરવામાં આવી હતી. ગઈકાલે યોજાયેલી બેઠકમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ઉપરાંત નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર તેમજ વરિષ્ઠ પ્રધાનો બાળાસાહેબ થોરાત, એકનાથ શિંદે, અનિલ પરબ અને અશોક ચવ્હાણ હાજર હતા. જોકે આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કેન્દ્ર સરકાર તરફથી લોકડાઉન લંબાવવાની ઘોષણા પછી કરાશે. અગાઉ વડા પ્રધાને આપેલા સંકેત પ્રમાણે લોકડાઉન લંબાવવાનો નિર્ણય લગભગ નિશ્ચિત છે. એકંદરે મુંબઈ અને પુણે શહેરો તથા આસપાસના ક્ષેત્રોના કન્ટેઇનમેન્ટ ઝોન્સ અને રેડ ઝોન્સમાં હેલ્થ કેર તેમજ કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ નિયંત્રણોનું સખતાઈથી પાલન કરવામાં આવશે. લોકડાઉનના ચોથા તબક્કામાં આર્થિક સધ્ધરતાના પગલાંના સૂચનો અને પ્રસ્તાવો મુખ્ય સચિવ અજોય મહેતા અને નાણાં સચિવ મનોજ સૌનિકે રજૂ કર્યા હતા. વેપાર-ઉદ્યોગની કથળતી સ્થિતિને સુધારવાના સૂચનો અને યોજનાઓ માટે રાજ્ય સરકારે પ્રધાનો, અમલદારો અને નિષ્ણાતોની સમિતિ નિયુક્ત કરી હતી. કેન્દ્ર સરકારે પેકેજ જાહેર કર્યા પછી રાજ્ય સરકાર ફાઇનેન્શિયલ એક્શન પ્લાન બદલે એવી શક્યતા છે. ધીરાણકર્તા સંસ્થાઓને ફાઇનેન્શિયલ ગેરન્ટી આપવાની રાજ્યોને અપાયેલી સૂચના બાબતે કેન્દ્ર સરકાર સમક્ષ રાજ્ય તરફથી વિરોધ નોંધાવવાની શક્યતા છે. કારણકે ગેરન્ટીની એ જોગવાઈને કારણે મહારાષ્ટ્ર સહિત આર્થિક તંગી સહન કરતા કેટલાક રાજ્યો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગ્રાન્ટ્સની ફાળવણીમાં સૌથી વધારે રકમ ૧૩ કરોડ રૂપિયા મુંબઈ શહેરને, ૧૦ કરોડ રૂપિયા મુંબઈ ઉપનગરને અને ૪.૭૮ કરોડ રૂપિયા થાણે જિલ્લાને ફાળવવામાં આવ્યા છે.

dharmendra jore national news gujarat