સરકાર દ્વારા કોવિડ-19ની નવી માર્ગદર્શિકા જાહેર

28 January, 2021 12:25 PM IST  |  New Delhi | Agencies

સરકાર દ્વારા કોવિડ-19ની નવી માર્ગદર્શિકા જાહેર

ફાઇલ ફોટો

કોવિડ-19ની રિઓપનિંગ માર્ગદર્શિકામાં ગૃહ બાબતોના મંત્રાલય (એમએચએ)એ બુધવારે સિનેમા હોલ અને થિયેટરોને વધુ લોકો સમાવવાની છૂટ આપી હતી અને સ્વિમિંગ પૂલો તમામ લોકો માટે ખુલ્લા મૂકવાની પણ મંજૂરી આપી હતી.
પહેલી ફેબ્રુઆરીથીથી અમલી બનનારી આ નવી માર્ગદર્શિકા અનુસાર લોકોની તથા માલ-સામાનની આંતર-રાજ્ય અને રાજ્ય અંદરની ગતિવિધિ પર કોઈ નિયંત્રણ લાદવામાં આવશે નહીં, જેમાં પાડોશી દેશો સાથેની સંધિ હેઠળના સરહદ પારના વેપારનો પણ સમાવેશ થાય છે. આવી ગતિવિધિ માટે કોઈ અલાયદી મંજૂરી કે પરવાનગી કે ઈ-પરમિટ લેવાની રહેશે નહીં, તેમ એમએચએએ જણાવ્યું હતું. એસઓપીના ચુસ્ત પાલનને આધીન હોય તે અપવાદને બાદ કરતાં કન્ટેનમેન્ટ ઝોન બહારની તમામ પ્રવૃત્તિઓને પરવાનગી આપવામાં આવી છે.
સામાજિક, ધાર્મિક, સ્પોર્ટ્સ, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક મેળાવડાના આયોજન માટે છૂટ આપવામાં આવી છે, જેમાં હોલની ક્ષમતાના મહત્તમ ૫૦ ટકા લોકોને અને બંધ સ્થળોએ ૨૦૦ લોકોની ટોચમર્યાદા તથા ખુલ્લી જગ્યાઓએ મેદાનના કદને ધ્યાનમાં રાખીને ટોચમર્યાદા રાખવાની સૂચના આપવામાં આવી છે.
હવે સંબંધિત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના એસઓપીને આધારે આવા મેળાવડાને પરવાનગી આપવામાં આવશે. સિનેમા હોલ અને થિયેટરોને બેઠક ક્ષમતાની ૫૦ ટકા હાજરીની છૂટ હતી, હવે તેમને વધુ લોકોને સમાવવાની પરવાનગી આપવામાં આવશે, જે માટે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા એમએચએ સાથેની મંત્રણાના આધારે નવા એસઓપી જારી કરવામાં આવશે, તેમ માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું હતું.
સમયાંતરે અપડેટ કરવામાં આવતા એસઓપી વિવિધ પ્રવૃત્તિઓ માટે નિર્દિષ્ટ હોય છે, જેમાં પેસેન્જર ટ્રેનો, હવાઈ મુસાફરી, મેટ્રો ટ્રેન, શાળાઓ, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ, હોટેલ અને રેસ્ટોરાં, શૉપિંગ મૉલ, મલ્ટિપ્લેક્સ અને મનોરંજનના પાર્ક, યોગ સેન્ટર અને જિમ વગેરેની ગતિવિધિનો સમાવેશ થાય છે.

national news new delhi