સંઘનો આગામી એજન્ડા બે બાળકોનો કાયદો બનાવવોઃ મોહન ભાગવત

18 January, 2020 12:39 PM IST  |  Moradabad

સંઘનો આગામી એજન્ડા બે બાળકોનો કાયદો બનાવવોઃ મોહન ભાગવત

મોહન ભાગવત

હાલમાં બીજેપીની મોદી સરકાર રોજગારી-મોંઘવારી, નાગરિકતા કાયદા સહિત અનેક મોરચે ઘેરાયેલી છે ત્યારે બીજેપીની માતૃસંસ્થા આરએસએસના સુપ્રીમો મોહન ભાગવતે મુરાદાબાદમાં સંઘની એક બેઠકમાં વિવાદ જગાવે એવી જાહેરાત કરી છે કે સંઘનો આગામી એજન્ડા કાશી-મથુરા નહીં પણ ભારતમાં વસ્તી નિયંત્રણ માટે બે બાળકોનો કાયદો લાવવાનો છે! જોકે કાયદો બનાવવાનું કામ સંઘનું નથી, પણ કેન્દ્રમાં તેમની સરકાર હોવાથી દેખીતી રીતે જ મોદી સરકાર સામે લઘુમતી સમુદાય સહિત અન્યોને આક્ષેપ કરવાની તક મળે તેમ છે.

સંઘ દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે જો વસ્તીનિયંત્રણ કાયદો લાવવામાં નહીં આવે તો દેશમાં હિન્દુઓની વસ્તી કરતાં લઘુમતી સમુદાયની વસ્તી વધી જશે. સૂત્રોના કહેવા પ્રમાણે જે દેખીતી રીતે મુસ્લિમ સમુદાયની સામે ઇશારો કરે છે. આમ એક તરફ મોદી સરકાર સામે સીએેએ, એનઆરસી અને એનપીઆરના મામલે વિરોધીઓ દ્વારા મોરચાબંધી ચાલી રહી છે અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ પણ જાહેર થઈ ગઈ છે ત્યારે હવે ‘બળતામાં ઘી હોમવા’નું કામ સંઘના ભાગવતે કર્યું હોવાનું પણ એક તારણ નીકળ્યું છે. સૂત્રોનું માનવું છે કે ‘હમ દો હમારે દો’નું સૂત્ર સાર્થક કરવાનો ૧૯૭૫માં કૉન્ગ્રેસે પ્રયાસ કર્યો હતો પરંતુ તે બુમરેંગ સાબિત થયું હતું. હવે સંઘ દ્વારા આ સંવેદનશીલ મુદ્દો હાથમાં લેવામાં આવ્યો છે.

દરમ્યાન મુરાદાબાદનાં એમઆઇટી ઓડિટોરિયમ ખાતે એક જિજ્ઞાસા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગરિકતા સુધારો અધિનિયમ અંગે પૂછેલા સવાલ પર તેમણે કહ્યું કે સીએએ પર પીછેહઠ કરવાનો કોઈ પ્રશ્ન નથી. તેઓ આ મુદ્દે કેન્દ્ર સરકારની સાથે સંપૂર્ણ રીતે છે. વળી તેમણે કહ્યું કે આર્ટિકલ ૩૭૦ હટાવવાનો નિર્ણય હોય કે સીએએ લાગુ કરવાનો નિર્ણય, આ બધા જ નિર્ણય પર સંઘ સરકારના નિર્ણય સાથે સંપૂર્ણ રીતે ઊભું છે.

moradabad mohan bhagwat rashtriya swayamsevak sangh bharatiya janata party national news