01 October, 2023 10:41 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
૯૪.૪ ટકા નૉર્મલ વરસાદની સાથે મૉન્સૂન સીઝન પૂરી થઈ
નવી દિલ્હી (પીટીઆઇ)ઃ ચાર મહિનાની મૉન્સૂન સીઝન પૂરી થઈ ગઈ છે. ૮૬૮.૬ મિલીમીટરની લાંબા સમયની ઍવરેજ સામે ભારતમાં કુલ ૮૨૦ મિલીમીટરનો ‘નૉર્મલ’ વરસાદ પડ્યો છે. ભારતીય હવામાન વિભાગે ગઈ કાલે જણાવ્યું હતું કે અલ નીનોની સ્થિતિ ઊભી થઈ હતી, પરંતુ એની સામે હકારાત્મક ફૅક્ટર્સ ઘણાં હોવાથી નૉર્મલ વરસાદ પડ્યો હતો. લાંબા સમયની ઍવરેજના ૯૪ ટકાથી ૧૦૬ ટકા વચ્ચેનો વરસાદ નૉર્મલ ગણાય છે.
હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ કહ્યું હતું કે કુલ ૯૪.૪ ટકા વરસાદની સાથે મૉન્સૂન સીઝન પૂરી થઈ છે, જે નૉર્મલ ગણાય છે. સમગ્ર દેશમાં મહિનાના વરસાદની વાત કરીએ તો જૂનમાં લાંબા સમયની ઍવરેજના ૯૧ ટકા, જુલાઈમાં ૧૧૩ ટકા, ઑગસ્ટમાં ૬૪ ટકા અને સપ્ટેમ્બરમાં ૧૧૩ ટકા વરસાદ પડ્યો હતો.
તેમણે વધુકહ્યું હતું કે ‘૩૬ સબડિવિઝન્સમાંથી ત્રણ (કુલ એરિયાનો ૯ ટકા ભાગ)માં અત્યંત વરસાદ પડ્યો, ૨૬માં નૉર્મલ વરસાદ (કુલ એરિયાનો ૭૩ ટકા ભાગ કવર કરે છે), જ્યારે સાતમાં ઓછો વરસાદ પડ્યો છે. વરસાદની ઘટ રહી છે એ સાત સબડિવિઝન્સમાં નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઝારખંડ, બિહાર, પૂર્વ યુપી, કર્ણાટકમાં દિક્ષણ અંતરિયાળ ભાગ અને કેરલાનો સમાવેશ થાય છે.