30 August, 2025 07:51 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મોહન ભાગવત
ગુરુવારે મોહન ભાગવતે કહ્યું હતું કે મેં ક્યારેય એવું કહ્યું જ નથી કે હું ૭૫ વર્ષે નિવૃત્તિ થઈ જઈશ કે કોઈ બીજાએ ૭૫ વર્ષે નિવૃત્ત થઈ જવું જોઈએ. આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવતા મહિને ૭૫ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે અને પહેલેથી ૭૫ વર્ષે નિવૃત્તિની ખૂબ ચર્ચા જામી છે. BJPમાં પણ ૭૫ વર્ષે નિવૃત્તિનો વણલખ્યો નિયમ છે એવી ચર્ચા ચાલતી રહી છે. જોકે થોડા મહિના પહેલાં સંઘપ્રમુખ પોતે જાહેર કાર્યક્રમમાં એવું બોલ્યા હતા કે લોકો જ્યારે ૭૫ વર્ષના થઈ જાય ત્યારે તેમણે નિવૃત્તિ લઈ લેવી જોઈએ.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નાં ૧૦૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે દિલ્હીમાં ૩ દિવસની વ્યાખ્યાનમાળા યોજાઈ રહી છે એમાં પ્રવચન પછી પ્રશ્નોત્તરી દરમ્યાન મોહન ભાગવતે પોતાના નાગપુરના નિવેદનની સ્પષ્ટતા આપી હતી. તેમણે પોતાના નિવેદનનો સંદર્ભ સમજાવતાં કહ્યું હતું કે ‘નાગપુરમાં મોરોપંત પિંગળેના જીવનવૃત્તાંતના વિમોચનના કાર્યક્રમમાં મેં મોરોપંત પિંગળેના બે-ત્રણ રમૂજી પ્રસંગ કહ્યા હતા, કારણ કે તેઓ ખૂબ રમૂજી સ્વભાવના હતા. એમાંના એક પ્રસંગમાં મોરોપંતજીનું શાલથી સન્માન કરવામાં આવેલું ત્યારે તેઓ બોલ્યા હતા કે જ્યારે તમારું શાલથી સન્માન થાય અને તમે ૭૫ વર્ષના થઈ ગયા હો એટલે સમજી જવું કે સંન્યાસ લેવાનો સમય આવી ગયો છે. મેં આ પ્રસંગ ટાંક્યો હતો. એમાં મેં એવું ક્યારેય નથી કહ્યું કે હું ૭૫ વર્ષે નિવૃત્ત થઈ જઈશ કે બીજા કોઈએ ૭૫ વર્ષે નિવૃત્ત થઈ જવું જોઈએ. સંઘમાં અમને ગમે એટલા વર્ષની ઉંમરે જે કામ આપવામાં આવે એ કામ કરવા અમે સમર્પિત છીએ – પછી ઉંમર ૮૦ વર્ષ હોય કે ૩૫ વર્ષ.’