પ્રેમ કે બ્લૅકમેઇલ?

19 September, 2022 07:59 AM IST  |  Chandigrah | Gujarati Mid-day Correspondent

મોહાલીની એક પ્રાઇવેટ યુનિવર્સિટીની અનેક ગર્લ-સ્ટુડન્ટ્સના વાંધાજનક વિડિયોઝ રેકૉર્ડ કરાયા હોવાની અફવા ફેલાતાં હંગામો મચ્યો: પોલીસ-તપાસમાં બહાર આવ્યું કે માત્ર એક છોકરીએ પોતાનો વાંધાજનક વિડિયો શૅર કર્યો હતો: હવે પોલીસ તપાસ કરી રહી છે

મોહાલીમાં શનિવારે રાત્રે ગર્લ-સ્ટુડન્ટ્સના વાંધાજનક વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કરવામાં આવ્યા હોવાની અફવા ફેલાતાં વિરોધ-પ્રદર્શન કરી રહેલા ચંડીગઢ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ. (તસવીર : પી.ટી.આઇ.)

પંજાબના મોહાલીની એક પ્રાઇવેટ યુનિવર્સિટી ગઈ કાલે ચર્ચાના કેન્દ્રસ્થાને રહી હતી. અનેક ગર્લ-સ્ટુડન્ટ્સના વાંધાજનક વિડિયોઝ રેકૉર્ડ કરવામાં આવ્યા હોવાની ‘અફવા’ના આધારે શનિવારે રાતે આ યુનિવર્સિટીના કૅમ્પસમાં ખૂબ જ હોબાળો મચ્યો હતો.

લુધિયાના-ચંડીગઢ રોડ પર સ્થિત ચંડીગઢ યુનિવર્સિટીના કૅમ્પસમાં શનિવારે અડધી રાતે વિરોધ પ્રદર્શન થયા બાદ મુખ્ય પ્રધાન ભગવંત માને ગઈ કાલે આ મામલે તપાસનો આદેશ આપ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે આ મામલે આરોપી એક ગર્લ-સ્ટુડન્ટે તેનો પોતાનો વિડિયો શૅર કર્યો હતો. હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે આ છોકરીએ પ્રેમને કારણે આ વિડિયો એક છોકરાને મોકલ્યો હતો કે પછી તેને બ્લૅકમેઇલ કરવામાં આવી રહી હતી એટલે તેણે વિડિયો મોકલ્યો હતો. યુનિવર્સિટીએ કહ્યું હતું કે, માત્ર આ છોકરીનો જ વિડિયો ઑનલાઇન લીક થયો છે. બીજી કોઈ છોકરીનો વિડિયો લીક થયો નથી.

ભગવંત માને એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘ચંડીગઢ યુનિવર્સિટીમાં બનેલી કમનસીબ ઘટના વિશે સાંભળીને દુખ થયું. આપણી દીકરીઓ આપણું સન્માન છે. આ ઘટનાની એક ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. દોષિતોની વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે.’

યુનિવર્સિટી શું કહે છે?

ચંડીગઢ યુનિવર્સિટી દ્વારા રિલીઝ કરવામાં આવેલા એક સ્ટેટમેન્ટમાં પ્રો-ચાન્સેલર ડૉ. આરએસ બાવાએ કહ્યું હતું કે ‘સ્ટુડન્ટ્સના ૬૦ વાંધાજનક એમએમએસ મળ્યા હોવાની મીડિયા દ્વારા સર્ક્યુલેટ થઈ રહેલી અફવા સંપૂર્ણપણે ખોટી અને પાયાવિહોણી છે. યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં કોઈ પણ સ્ટુડન્ટનો વાંધાજનક કોઈ વિડિયો મળ્યો નથી. સિવાય કે એક છોકરી દ્વારા પર્સનલ વિડિયો શૂટ કરવામાં આવ્યો હતો અને તેના દ્વારા જ તેના બૉયફ્રેન્ડને એ શૅર કરવામાં આવ્યો હતો.’ ડૉ. આરએસ બાવાએ વધુ જણાવ્યું હતું કે સ્ટુડન્ટ્સની વિનંતિ 
પર ચંડીગઢ યુનિવર્સિટીએ પોતે વધુ તપાસ પંજાબ પોલીસ ડિપાર્ટમેન્ટને સોંપી હતી. પોલીસે એક છોકરીને કસ્ટડીમાં લીધી છે અને આઇટી ઍક્ટ હેઠળ એફઆઇઆર દાખલ કરી છે.

મૃત્યુ કે સુસાઇડની કોઈ કોશિશ થઈ નથી: પોલીસ

પોલીસે એ સોશ્યલ મીડિયા પોસ્ટ્સ ફગાવી દીધી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અનેક ગર્લ-સ્ટુડન્ટ્સના વિડિયોઝ લીક થયા બાદ તેમણે સુસાઇડની કોશિશ કરી હતી. એડીજીપી (ઍડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ) ગુરુપ્રીત કૌર દેવે જણાવ્યું હતું કે આરોપી છોકરીએ કથિત રીતે જેને વિડિયોઝ મોકલ્યા હતા એ છોકરાની ધરપકડ કરવા માટે પોલીસની ટીમ શિમલા ગઈ છે. મોહાલીના પોલીસ વડા વિવેક સોનીએ કહ્યું હતું કે ‘અમારી અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીનો પોતાનો એક જ વિડિયો છે, તેણે બીજા કોઈનો કોઈ વિડિયો રેકૉર્ડ કર્યો નથી. ઇલેક્ટ્રૉનિક્સ ડિવાઇસિસ અને મોબાઇલ ફોન્સને કસ્ટડીમાં લેવામાં આવ્યાં છે અને એને ફૉરેન્સિક ચકાસણી માટે મોકલવામાં આવશે. મૃત્યુ કે સુસાઇડની કોઈ કોશિશ થઈ નથી. એક સ્ટુડન્ટને ઍમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી હતી, વાસ્તવમાં તે અસ્વસ્થતા અનુભવતી હતી. અમારી ટીમે તેનો કૉન્ટેક્ટ કર્યો છે.’

national news mohali