આત્મનિર્ભર ભારત માટે આજે રજૂ કરશે મોદી સરકાર બજેટ

01 February, 2021 07:53 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આત્મનિર્ભર ભારત માટે આજે રજૂ કરશે મોદી સરકાર બજેટ

ગઈ કાલે કેન્દ્રીય બજેટને આખરી ઓપ આપવાની તૈયારી દરમ્યાન નાણાપ્રધાન નિર્મલા સીતારમણ. (તસવીર: પી.ટી.આઇ.)

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરીએ ૨૦૨૧-’૨૨ માટે બજેટ રજૂ કરશે. આ વખતનું બજેટ ખાસ છે, કેમ કે એવું પ્રથમ વાર છે જેમાં બજેટ દસ્તાવેજ પ્રિન્ટ થયા નથી. આ વખતનું બજેટ સંપૂર્ણપણે પેપરલેસ છે અને એને ડિજિટલી જ રિલીઝ કરવામાં આવશે. સામાન્ય રીતે બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા પાંચ મહિના અગાઉથી શરૂ થઈ જાય છે અને અનેક મહત્ત્વની બેઠકો પછી એને તૈયાર કરવામાં આવે છે.

બજેટમાં સરકાર ત્રણ પ્રકારના આંકડા જણાવે છે જે હોય છે - બજેટ એસ્ટિમેટ એટલે કે બજેટ અંદાજ, રિવાઇઝ્ડ એસ્ટિમેટ એટલે કે સંશોધિત અંદાજ અને ઍક્ચ્યુઅલ એટલે કે વાસ્તવિક.

સંસદમાં બજેટ રજૂ કરતાં પહેલાં રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી હોય છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી એને કૅબિનેટની સામે રાખવામાં આવે છે અને એના પછી સંસદનાં બન્ને ગૃહમાં એને રજૂ કરાય છે.

બજેટ રજૂ થયા પછી એને સંસદનાં બન્ને ગૃહ એટલે કે લોકસભા અને રાજ્યસભામાં પસાર કરાવવાનું હોય છે. બન્ને ગૃહમાંથી પસાર થયા પછી ૧ એપ્રિલથી એ લાગુ થઈ જાય છે. આપણા દેશમાં નાણાકીય વર્ષ ૧ એપ્રિલથી ૩૧ માર્ચ સુધી હોય છે.

કોરોના મહામારીના લીધે આ વખતે બજેટમાં હેલ્થ સેક્ટર પર વધુ ભાર રહેવાની આશા છે. લગભગ નક્કી માનવામાં આવે છે કે નાણાપ્રધાન નિર્મલા સીતારમણના પટારામાંથી હેલ્થ સેક્ટર પર વધુ ધન વરસશે. હાલમાં જીડીપીનો ૧.૪ ટકા ભાગ હેલ્થ સેક્ટર પર ખર્ચ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આશા છે કે સરકાર એને વધારીને બમણો કરી શકે છે, કારણ કે સરકારનો ટાર્ગેટ ૨૦૨૪ સુધી જીડીપીના ૪ ટકા ભાગ હેલ્થ સેક્ટર પર ખર્ચ કરવાનો છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આ વખતે બજેટમાં વૃદ્ધજનોને અનેક રાહતો આપી શકે છે. એક તો તેમના માટે ઇન્કમ ટૅક્સમાં છૂટની મર્યાદા વધારવામાં આવી શકે છે. બીજું, કોરોના મહામારીના કારણે ઇન્શ્યૉરન્સની આવશ્યકતાને જોતાં એના પ્રીમિયમ પર મળનારી ટૅક્સમાં રાહત પણ વધારવાની ચર્ચા છે. આ પરિવર્તન જૂની ટૅક્સ વ્યવસ્થામાં થશે.

નોકરિયાત લોકોને પૂરી ઉમ્મીદ છે કે આ વખતે સરકાર ટૅક્સ છૂટની સીમા વધારી શકે છે. હાલ ટૅક્સ છૂટની સીમા ૨.૫ લાખ રૂપિયા છે, જેને વધારીને ૩ લાખ રૂપિયા કરવામાં આવી શકે છે.

national news nirmala sitharaman narendra modi