લોકસભામાં મોદીએ છોડ્યા કોંગ્રેસ અને ગાંધી પરિવારને બરોબરના ધોયા

08 February, 2017 04:05 AM IST  | 

લોકસભામાં મોદીએ છોડ્યા કોંગ્રેસ અને ગાંધી પરિવારને બરોબરના ધોયા



મોટા માણસો હેરાન જરૂર કરશે


મારી આકરી નીતિઓને કારણે ૪૯,૫૦૦ કરોડ રૂપિયાનું ગળતર અટકી જતાં જેમને તકલીફ થઈ રહી છે એવા મોટા માણસો વતી મારી સામે સમસ્યાઓ સર્જવામાં આવશે. જોકે દેશને નવી ઊંચાઈ પર લઈ જવાના હેતુસર ગરીબો માટે લડાઈ લડવાનું હું ચાલુ રાખીશ. હું નાનામાં નાની લૂંટને અટકાવવાનો પ્રયાસ કરીશ તો એનું પરિણામ શું આવશે એની મને ખબર છે. ગોવામાં મેં કહેલું અને હવે હું ફરી કહું છું. ઐસે ઐસે બડે લોગોં કો તકલીફ હો રહી હૈ, ઔર ઝ્યાદા હોનેવાલી હૈ. ઉસકે કારણ મુઝ પર ક્યા ક્યા ઝુલ્મ હોનેવાલે હૈં ઉસકે લિએ તૈયાર હૂં.

દરેક પગલું દેશના કલ્યાણ માટે 


મેં દેશ માટે મારો પ્રવાસ શરૂ કર્યો છે અને દરેક પગલું હું દેશના કલ્યાણ માટે ભરી રહ્યો છું. જે રૂપિયા વચેટિયાઓના ગજવામાં જતા હતા એ રૂપિયાનો ઉપયોગ હવે ગરીબોના કલ્યાણ માટે કરવામાં આવશે. આધારના વ્યાપક ઉપયોગને લીધે અઢી વર્ષમાં ૩.૯૪ કરોડ બનાવટી રૅશન-કાર્ડ પકડી પાડવામાં આવ્યાં છે. એ ૧૪,૦૦૦ કરોડ રૂપિયા વચેટિયાઓના ગજવામાં જતાં અટકાવી શકાયા છે. મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ એમ્પ્લૉયમેન્ટ ગૅરન્ટી ઍક્ટ હેઠળની સ્કીમ માટેની ચુકવણી આધાર મારફત કરવાને લીધે પણ ૭૬૩૩ કરોડ રૂપિયા ગેરવલ્લે જતાં અટકાવી શકાયા છે. ઘણા લોકોએ ગૅસની સબ્સિડી સરેન્ડર કરી એને લીધે સરકાર ૨૬,૦૦૦ કરોડ રૂપિયા બચાવી શકી છે, જેનો ઉપયોગ આશરે બે કરોડ પરિવારોને ગૅસ-કનેક્શન આપવા માટે કરવામાં આવ્યો છે. આમ છેલ્લા એક વર્ષમાં કુલ ૪૯,૫૦૦ કરોડ રૂપિયા વચેટિયાઓના ગજવામાં જતાં અટકાવવામાં આવ્યા છે. સરકારે ૨૧ કરોડ LED બલ્બનું વિતરણ કરતાં લાઇટબિલમાં ઘટાડો થયો છે અને ૧૧,૦૦૦ કરોડ રૂપિયાની બચત થઈ છે.

બેનામી મિલકતવાળા સાવધાન


તમે ગમે એટલા મોટા હો તો પણ તમારે ગરીબોના અધિકારની સંપત્તિ પાછી વાળવી પડશે. હું ગરીબો માટે લડતો રહ્યો છું અને ભવિષ્યમાં પણ લડતો રહીશ. બેનામી મિલકતો ધરાવતા લોકો સામે આગામી દિવસોમાં કડક પગલાં લેવાશે. સૌ મુખ્ય પ્રવાહમાં જોડાઈને દેશના ગરીબોનું ભલું કરવા માટે યોગદાન આપે. બેનામી મિલકતો ધરાવતા લોકો કાયદેસર જોગવાઈઓ જાણી લે, તેમના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પાસે બેસીને એ જોગવાઈઓ સમજી લે તો સારું. આગળ એ વિષય હાથ ધરવો છે.

સંસદના બજેટસત્રના આરંભમાં કરેલા પ્રવચન બદલ રાષ્ટ્રપતિનો આભાર માનતી દરખાસ્ત વિશેની લોકસભાની ચર્ચામાં નરેન્દ્ર મોદી બરાબરના વરસ્યા વિરોધીઓ પર

૮ નવેમ્બરે જ કેમ નોટબંધી?


નોટબંધીનો નિર્ણય ઉતાવળે લેવામાં આવ્યો નહોતો અને એની જાહેરાત પણ સમજ્યા-વિચાર્યા વિના કરવામાં આવી નહોતી. આખા વર્ષમાં જેટલો બિઝનેસ થાય છે એનો અડધોઅડધ બિઝનેસ દિવાળી દરમ્યાન થતો હોય છે. એટલે દિવાળી પછી નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી. ડૉક્ટર કહે છે કે ઑપરેશન પહેલાં દરદીની હાલત સ્થિર હોવી જોઈએ. દરદીનું બ્લડ-પ્રેશર, શુગર વગેરે યોગ્ય હોય ત્યારે જ ડૉક્ટર તેનો ઇલાજ કરતા હોય છે. દેશની અર્થવ્યવસ્થા તંદુરસ્ત છે એવું અમે જાણ્યું હતું. એટલે એ સમય નોટબંધી જેવો આકરો નિર્ણય અમલી બનાવવા માટે એકદમ યોગ્ય હતો. ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષમાં હતી ત્યારે સંસદમાં તેમની બેન્ચો પરથી પૂછવામાં આવતું હતું કે કોલસા-કૌભાંડમાં કેટલા ગયા? સ્પેક્ટ્રમ કૌભાંડમાં કેટલા ગયા? પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે અહીંથી એવું પૂછવામાં આવે છે કે મોદી શું લાવ્યા? શાસનમાં આ પરિવર્તન થયું છે. કૉન્ગ્રેસના વડપણ હેઠળની અગાઉની સરકાર અને અત્યારની સરકાર વચ્ચે ફરક આટલો પડ્યો છે. હવે શું ગયું એના નહીં પણ શું આવ્યું એના સવાલ પૂછવામાં આવે છે. સ્વચ્છ ભારતની જેમ નોટબંધીનો ફેંસલો પણ (ભ્રષ્ટાચાર અને બ્લૅક મની) ભારતમાંથી સફાઈનું અભિયાન છે.

આવી ગયો ધરતીકંપ


ધરતીકંપ આખરે થયો. હું વિચારું છું કે ઉત્તરાખંડમાં ધરતીકંપ થયો કઈ રીતે? કારણ કે ધમકી તો બહુ પહેલાં સાંભળી હતી. ધરતીમાતા નારાજ થઈ ગઈ એનું કોઈક કારણ જરૂર હશે. કોઈ વ્યક્તિ SCAMમાં પણ સેવાની, વિનમ્રતાની ભાવના જુએ છે ત્યારે મા જ નહીં, ધરતીમા પણ દુખી થઈ જાય છે અને એ વખતે ધરતીકંપ થાય છે.’

(તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં ચૂંટણીસભાને સંબોધતાં નરેન્દ્ર મોદીએ સમાજવાદી પાર્ટીનો S, કૉન્ગ્રેસનો C, અખિલેશ યાદવનો A અને માયાવતીનો M જોડીને SCAM શબ્દ બનાવ્યો હતો. એ નિવેદનના જવાબમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ SCAMમાં સર્વિસ એટલે સેવાનો S, કરેજ એટલે કે હિંમતનો C, એબિલિટી એટલે આવડતનો A અને મૉડેસ્ટી એટલે વિનમ્રતાનો M છે.)