પાકિસ્તાનને ભારતની ખુલ્લી ચેતવણી : ઉશ્કેરણીનું દુ:સાહસ ભારે પડશે

10 October, 2014 03:22 AM IST  | 

પાકિસ્તાનને ભારતની ખુલ્લી ચેતવણી : ઉશ્કેરણીનું દુ:સાહસ ભારે પડશે



ભારતે ગઈ કાલે પાકિસ્તાનને ખુલ્લા શબ્દોમાં ચેતવણી આપી હતી અને જણાવ્યું હતું કે ઇસ્લામાબાદ અંકુશ રેખા પર દુ:સાહસ કરવાનું ચાલુ રાખશે તો એણે આકરી કિંમત ચૂકવવી પડશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સીમાપારથી થતી ઉશ્કેરણીનો બહાદુરીપૂર્વક જવાબ આપવામાં આવી રહ્યો છે.

જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામના વધી રહેલા પ્રમાણને પગલે વિરોધપક્ષની ટીકાનો સામનો કરી રહેલા નરેન્દ્ર મોદીએ દલીલ કરી હતી કે આ મુદ્દાને રાજકારણનો રંગ લગાવવાથી સીમા પર લડી રહેલા જવાનોનું મનોબળ નબળું પડે છે.

પાકિસ્તાને ગઈ કાલે સતત નવમા દિવસે ૯૦ ભારતીય ગામડાંઓ પર મૉર્ટારમારો કર્યો હતો ત્યારે મોદીએ કહ્યું હતું કે ‘ભારતમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને શત્રુઓની જૂની કુટેવોને ચલાવી લેવામાં આવશે નહીં એ વાત દુશ્મનો સમજી ગયા છે.’ 

વિરોધપક્ષની ટીકાનો જવાબ આપતાં મોદીએ કહ્યું હતું કે ‘લોકો મારા ઇરાદાને બરાબર જાણે છે અને મારે એને શબ્દોમાં અભિવ્યક્ત કરવાની જરૂર નથી. જ્યાં લશ્કરી જવાનોએ વાત કરવાની હોય ત્યાં જવાનો મશીનગનના ટ્રિગર પર તેમની આંગળીઓ રાખીને વાત કરે છે અને તેઓ એ શૈલીમાં વાત કરવાનું ચાલુ રાખશે.’

બીજી તરફ નવી દિલ્હીમાં સંરક્ષણ પ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે ‘પાકિસ્તાન અત્યારે ઉશ્કેરણીકર્તાનો પાઠ ભજવી રહ્યું છે, પણ વળતો ફટકો જોરદાર હશે એ ઇસ્લામાબાદે બરાબર સમજી લેવું જોઈએ. પાકિસ્તાન એના કારનામા ચાલુ રાખશે તો ભારતીય લશ્કરી દળો એવો જવાબ આપશે કે પાકિસ્તાનને દુ:સાહસ ભારે પડી જશે.’

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પણ ભારતને ચેતવણી આપી હતી. પાકિસ્તાનના વિદેશ વિભાગનાં પ્રવક્તા તસનીમ અસલમે એક ટેલિવિઝન ચૅનલને જણાવ્યું હતું કે ‘જવાબ તો અમે પણ આપી શકીએ.’

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ગઈ કાલે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન બન્ને અણુશસ્ત્રોથી સજ્જ છે અને અણુશક્તિ સંપન્ન પાડોશી વચ્ચે સીમા પર તંગદિલી વધે એના પક્ષમાં અમે નથી, પણ ભારતની ઉશ્કેરણીનો જવાબ આપવાની ક્ષમતા અમારી પાસે છે.

૧૩૦થી વધુ ગામડાં, ૬૦ સીમાચોકીઓ પાકિસ્તાનનું નિશાન બન્યાં

ભારત અને પાકિસ્તાન વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા પર બુધવારે રાત્રે અને ગઈ કાલે જોરદાર ફાયરિંગ તથા મૉર્ટારમારો ચાલ્યો હતો. પાકિસ્તાની દળોએ રાતભર કરેલા મૉર્ટારમારામાં જમ્મુ, સામ્બા અને કઠુઆ જિલ્લાઓમાં ૧૩૦થી વધુ ગામડાં અને ૬૦ સીમાચોકીઓને નિશાન બનાવી હતી. એમાં સીમા સુરક્ષા દળના એક જવાન સહિત ૧૨ જણ ઘવાયા હતા.