કેન્દ્રીય કૅબિનેટના ૩૧ ટકા પ્રધાનો સામે નોંધાઈ છે ક્રિમિનલ ફરિયાદો

12 November, 2014 05:56 AM IST  | 

કેન્દ્રીય કૅબિનેટના ૩૧ ટકા પ્રધાનો સામે નોંધાઈ છે ક્રિમિનલ ફરિયાદો




વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કેન્દ્રીય પ્રધાનમંડળનું વિસ્તરણ કર્યું એ પછી તેમની કૅબિનેટમાં ક્રિમિનલ કેસનો સામનો કરતા પ્રધાનોની સંખ્યા ૧૨થી વધીને ૨૦ની થઈ હોવાનું અસોસિએશન ઑફ ડેમોક્રેટિક રિફૉમ્ર્સે જણાવ્યું છે.

કેન્દ્રીય પ્રધાનો પૈકીના આશરે ૩૧ ટકા સામે ક્રિમિનલ આરોપો પેન્ડિંગ છે અને કૅબિનેટમાં રવિવારે સ્થાન પામેલા ૨૧ પ્રધાનો પૈકીના ૮ ક્રિમિનલ કેસિસનો સામનો કરી રહ્યા છે. નવા ચાર પ્રધાનો સામે તો ગંભીર ક્રિમિનલ કેસિસ છે. પોતાની સામે હત્યાના પ્રયાસ, કોમી અશાંતિ અને ચૂંટણીના કાયદાના ઉલ્લંઘન જેવા ગંભીર આરોપોસર કેસિસ નોંધાયા હોવાનું કુલ ૧૧ પ્રધાનોએ જાહેર કર્યું છે.

આગરાના રામશંકર કઠેરિયા સામે સૌથી વધુ ૨૧ કેસિસ પેન્ડિંગ છે, જ્યારે હંસરાજ આહિર સામે ગુનાહિત ધમકી તથા હુમલાના ૧૧ કેસિસ પેન્ડિંગ છે. બંડારુ દત્તાત્રેય સામે ૩ અને સાધ્વી નિરંજન જ્યોતિ, ગિરિરાજ સિંહ, રામક્રિપાલ યાદવ, રાજીવ પ્રતાપ રૂડી તથા મુખ્તાર અબ્બાસ નકવી સામે એક-એક કેસ પેન્ડિંગ છે.

૯૨ ટકા પ્રધાનો કરોડપતિ

કેન્દ્રીય કૅબિનેટમાં રવિવારના વિસ્તરણ બાદ કરોડપતિ પ્રધાનોની સંખ્યા પણ ૪૦થી વધીને ૫૯ની થઈ છે. કૅબિનેટના કુલ પૈકીના ૯૨ ટકા પ્રધાનો કરોડપતિ છે. રવિવારે સમાવવામાં આવેલા નવા પ્રધાનોની સરેરાશ સંપત્તિ ૧૮.૪૮ કરોડ રૂપિયા છે, જ્યારે દરેક પ્રધાનની સરેરાશ સંપત્તિ ૧૪.૨૫ કરોડ રૂપિયા છે.