16 June, 2025 11:08 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
દિલ્હીમાં ૧૦૦ ફુટ ઊંચો ગેરકાયદે મોબાઇલ ટાવર પડ્યો
દિલ્હીના માલવિયાનગર વિધાનસભા ક્ષેત્રમાં તોફાન અને વરસાદને કારણે ગઈ કાલે વહેલી સવારે ચાર વાગ્યે સફદરજંગ એન્ક્લેવના B2 બ્લૉકમાં એક મોબાઇલ-ટાવર ધડાકાભેર તૂટી પડ્યો હતો. સદ્નસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સ્થાનિક રહેવાસીઓએ આ ટાવર ઊભો કરવા વિશે સવાલ ઉઠાવ્યા હતા અને પ્રશાસનની બેદરકારી પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
રાજધાનીમાં જોરદાર વાવાઝોડા સાથે હળવો ઝરમર વરસાદ પડતાં દિલ્હીના સૌથી પૉશ વિસ્તારોમાંથી એક સફદરજંગ એન્ક્લેવમાં કેટલાંક વૃક્ષો તૂટી પડ્યાં હતાં અને સાથે-સાથે અહીં ૧૫ દિવસ પહેલાં સ્થાપવામાં આવેલો ૧૦૦ ફુટ ઊંચો મોબાઇલ-ટાવર પણ પડી ગયો હતો. આ અકસ્માત લગભગ ચાર વાગ્યે થયો હતો જ્યારે મોટા ભાગના લોકો પોતાનાં ઘરોમાં હતા. સારી વાત એ હતી કે અકસ્માત સમયે રસ્તા પર કોઈ હાજર નહોતું, નહીં તો મોટું નુકસાન થઈ શક્યું હોત.
આ ટાવર વિશે બોલતાં સ્થાનિક લોકોએ કહ્યું હતું કે ‘આ ટાવર અમારી પરવાનગી વિના લગાવવામાં આવ્યો હતો. શરૂઆતમાં તેમને કહેવામાં આવ્યું હતું કે સ્ટ્રીટ-લાઇટ લગાવવામાં આવી રહી છે, પરંતુ બાદમાં અહીં મોબાઇલ ટાવર લગાવવામાં આવ્યો હતો. ટાવર પડવાને કારણે આ વિસ્તારમાં ઘણાં વૃક્ષો અને વીજળીના વાયરોને નુકસાન થયું હતું. અમે આ ટાવરને લગાવતાં અટકાવવા માટે વિરોધ પણ કર્યો હતો, પરંતુ અમને દૂર કરવા માટે મહિલા પોલીસને બોલાવવામાં આવી હતી. જો આ ટાવર દિવસ દરમ્યાન પડ્યો હોત તો મોટો અકસ્માત થઈ શક્યો હોત.’