મુંબઈમાં MNSનાં સૂપડાં સાફ

20 October, 2014 03:46 AM IST  | 

મુંબઈમાં MNSનાં સૂપડાં સાફ




વરુણ સિંહ

વિધાનસભાની ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે રાજ ઠાકરેએ જાહેર કર્યું હતું કે MNS લોકસભાની ચૂંટણી નહીં લડે અને માત્ર વિધાનસભાની ચૂંટણીઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે, પરંતુ રવિવારે જે પરિણામો આવ્યાં એને કદાચ રાજ ઠાકરે પોતે પણ યાદ રાખવા ઇચ્છતા નહીં હોય. તેમની રાજકીય કારકિર્દીમાં આવો કરુણ રકાસ કે આવું ધોવાણ સપનામાં પણ નહીં આવ્યાં હોય. ગૃહમાં ૧૩ વિધાનસભ્યોમાંથી ફક્ત ૧ રહ્યો. તેમના પક્ષનો એક જ ઉમેદવાર જુન્નરથી જીત્યો અને એ પણ શિવસેનાથી આયાત કરેલો. મુંબઈમાં તો સમ ખાવા પૂરતી એક પણ સીટ ન મળી.

ગઈ વિધાનસભામાં મુંબઈમાંથી પક્ષના ૬ વિધાનસભ્યો સાથે MNS શહેરમાં સેકન્ડ લાર્જેસ્ટ પાર્ટી હતી. આજે શહેરમાંથી એક પણ વિધાનસભ્ય નથી. બીજી બાજુ આ પક્ષનું જે કાંઈ હતું એ બધું ચાલ્યું ગયું. રાજ ઠાકરે જે વિસ્તારમાં રહે છે એ માહિમની બેઠક પણ ન સચવાઈ. એ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા નીતિન સરદેસાઈ શિવસેના સામે હારી ગયા. બાળા નાંદગાવકર શિવડીની બેઠક હારી ગયા. શિશિર શિંદે પણ ભાંડુપની બેઠક શિવસેના સામે હારી ગયા. સરદેસાઈની માફક માગાઠાણેનું પ્રતિનિધિત્વ કરતા પ્રવીણ દરેકર પણ શિવસેનાના પ્રકાશ સુર્વે સામે હારી ગયા. શિવસેના સામે હારનું પુનરાવર્તન વિક્રોલીમાં મંગેશ સાંગલેએ પણ કર્યું.

MNS ચક્રવ્યૂહમાં ફસાયેલો પક્ષ છે. એક સિનિયર BJP નેતાનો એવો અભિપ્રાય છે કે અસ્પષ્ટ, ગૂંચવાયેલા પક્ષને લોકો મત આપવાનું પસંદ ન કરે એ સ્વાભાવિક છે. પોતાનો મુદ્દો સમજાવતાં આ નેતાએ કહ્યું હતું કે ‘રાજ ઠાકરેએ પહેલાં નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યા અને પછી ટીકા કરી. ફરી પાછાં વખાણ અને ફરી પાછી ટીકા કરી એથી મતદારોએ સવાલ કર્યા કે રાજ ઠાકરે મોદીને ટેકો આપી રહ્યા છે કે નહીં? આવા વલણની અસર થઈ અને એ MNSએ સહન કરવું પડ્યું.’