જો કોરોનાની વેક્સીન નહીં શોધાય તો 2021માં ભારતના હશે કંઈક આવા હાલ...

08 July, 2020 07:02 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

જો કોરોનાની વેક્સીન નહીં શોધાય તો 2021માં ભારતના હશે કંઈક આવા હાલ...

પ્રતીકાત્મક તસવીર

84 દેશોની ટેસ્ટિંગ અને કેસોના આંકડાને આધારે મૈસાચુસેટ્સ ઈનસ્ટિટયુટ ઓફ ટૅક્નોલોજી (MIT)એ જે કોરોના વાયરસ (COVID-19) બાબતે જે તારણ કાઢયું છે તે જોઈને ખરેખર ચોંકી જવાશે. જો કોરોનાની વેક્સીન ન બનાવી તો ફેબ્રુઆરી 2021 સુધી પ્રતિદિન 2.87 લાખ કેસની સાથે ભારત દુનિયામાં સૌથી વધુ પ્રભાવિત દેશ બની શકે છે.

MITનું આ રીસર્ચ અમેરિકાના સ્લોએન સ્કૂલ ઑફ મેનેજમેન્ટના હાજીર રહમાનદાદ, ટીવાઈ લિમ અને જૉન સ્ટરમેને મળીને કર્યું છે. રીસર્ચ મુજબ, ફેબ્રુઆરી 2021ના અંત સુધી ભારત કોરોના વાયરસનો સૌથી વધુ પ્રભાવિત દેશ હશે. અહીં પ્રતિદિન 2.87 લાખ કેસ આવી શકે છે. આ પછી અમેરિકામાં પ્રતિદિન 95,400 કેસ, સાઉથ આફ્રિકામાં પ્રતિદિન 20,600, ઈરાનમાં 17,000, ઇન્ડોનેશિયામાં 13,200, યૂકેમાં 4200, નાઈજીરિયામાં 4000, તુર્કીમાં 4000, ફ્રાંસમાં દરરોજ 3300 અને જર્મનીમાં 3000 કેસ આવી શકે છે.

રીસર્ચરે અભ્યાસ કરવા માટે એક માનક મૅથેમેટિકલ મૉડલનો ઉપયોગ કર્યો છે. આ મૉડલ મહામારી માટે વિજ્ઞાનીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. જેને SEIR (Susceptible, Exposed, Infectious, Recovered) મૉડલ કહેવામાં આવે છે. અભ્યાસમાં એ પણ અંદાજ લગાવવામાં આવ્યો છે કે, સારવારના અભાવથી માર્ચ-મે 2021 સુધી દુનિયાભરમાં 20 કરોડથી 60 કરોડ કેસ અને 17.5 લાખ લોકોના મોત થઈ શકે છે.

તેમજ અભ્યાસમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, સોશ્યલ ડિસટન્સિંગ બહુ મહત્વનું છે. કોરોનાના સંક્રમણનો આ આંકડો ટેસ્ટિંગ પર નહી, પરંતુ સંક્રમણને ઘટાડવા માટે સરકાર અને સામાન્ય લોકોની ઈચ્છા શક્તિના આધાર પર અનુમાનિત છે. જોકે, અભ્યાસમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે પૂર્વાનુમાન ફક્ત સંભવિત ખતરાને બતાવે છે એ કંઈ ભવિષ્યના કેસની ભવિષ્યવાણી કરતું નથી.

coronavirus covid19 national news