૧૯૯૫ અને ૧૯૯૯માં પણ લઘુમતી સરકાર બની હતી

31 October, 2014 05:39 AM IST  | 

૧૯૯૫ અને ૧૯૯૯માં પણ લઘુમતી સરકાર બની હતી



રાજ્ય વિધાનસભામાં BJP સૌથી મોટી પાર્ટી હોવાથી રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવે કોઈ પણ જાતના સંકોચ વિના BJPની સરકાર રચવા ફડણવીસને નિમંત્રણ આપ્યું છે.

એક વરિષ્ઠ સનદી અધિકારીએ પરિસ્થિતિ સમજાવતાં જણાવ્યું હતું કે ‘BJP સૌથી મોટી પાર્ટી તરીકે ચૂંટાઈ આવતાં અને અન્ય કોઈ પાર્ટીએ સરકાર રચવાનો દાવો ન કરતાં રાજ્યપાલ પાસે ફડણવીસને સરકાર બનાવવા નિમંત્રણ આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. રાજ્યપાલે ફડણવીસને શપથ લીધા પછી ૧૫ દિવસમાં બહુમતી સાબિત કરવા જણાવ્યું છે.’

૧૯૯૫માં કૉન્ગ્રેસ અથવા શિવસેના-BJP યુતિએ સ્પષ્ટ બહુમત પ્રાપ્ત નહોતો કર્યો. કૉન્ગ્રેસને ૮૦, શિવસેનાને ૭૩ અને BJPને ૬૫ સીટો મળી હતી. કૉન્ગ્રેસે પોતાને બહુમતી ન મળતાં સરકાર રચવાનો દાવો કર્યો નહોતો અને શિવસેના-BJP યુતિએ સરકાર બનાવવાનો દાવો રજૂ કરતાં રાજ્યપાલ પી. સી. ઍલેક્ઝાન્ડરે પરંપરાને અનુસરીને શિવસેના-BJPને એક પાર્ટી ગણી હતી. રાજ્યપાલ ઍલેક્ઝાન્ડરે કુલ ૧૩૮નું સંખ્યાબળ ધરાવતી યુતિને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું. જોકે બહુમતી માટે ૧૪૫નો આંકડો જરૂરી હતો. ત્યાર બાદ મુખ્ય પ્રધાન મનોહર જોશીને ૨૮૮ વિધાનસભ્યો ધરાવતા ગૃહમાં પોતાની બહુમતી સાબિત કરવા જણાવ્યું હતું અને તેમણે અપક્ષ ઉમેદવારોની મદદથી બહુમતી સાબિત કરી હતી.

૧૯૯૯માં પરિસ્થિતિ જુદી હતી જેમાં શરદ પવાર કૉન્ગ્રેસથી છૂટા પડી ગયા હતા અને કૉન્ગ્રેસ અને NCPએ અલગ-અલગ ચૂંટણી લડી હતી. ત્યારે શિવસેના અને BJPએ સાથે ચૂંટણી લડી ૧૨૫ સીટો જીતી હતી, જ્યારે કૉન્ગ્રેસે ૭૫ અને NCPએ ૫૮ સીટો જીતી હતી. એ વખતે રાજ્યપાલે સૌપ્રથમ શિવસેના-BJPને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું જે તેમણે નકારતાં કૉન્ગ્રેસ-NCP ફ્રન્ટને ૧૩૩ સીટો સાથે આમંત્રણ આપ્યું હતું. તેમણે વિલાસરાવ દેશમુખના નેતૃત્વ હેઠળ સાથે મળીને સરકાર બનાવી હતી. દેશમુખ સરકારે ૧૫ અપક્ષોનો ટેકો મેળવીને લઘુમતી સરકાર બનાવી હતી જે ૧૫ વર્ષ ચાલી હતી.