નારાજ નરેન્દ્ર મોદીએ આપી રાજીનામાની ધમકી

21 December, 2014 04:08 AM IST  | 

નારાજ નરેન્દ્ર મોદીએ આપી રાજીનામાની ધમકી




હિન્દુત્વ અને ધર્માંતર સહિતના વિવાદાસ્પદ મુદ્દાઓ વિશે હિન્દુ સંગઠનોના ભડભડિયાં નેતાઓ દ્વારા કરવામાં આવતાં નિવેદનોથી નરેન્દ્ર મોદી એટલાબધા નારાજ છે કે તેમણે વડા પ્રધાનપદ છોડવાની અપરોક્ષ ધમકી આપી દીધી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના નેતાઓ સાથેની તાજેતરની બેઠકમાં નરેન્દ્ર મોદીએ ત્યાં સુધી કહી દીધું હતું કે મને પદનો મોહ નથી. એ પછી ભડભડિયા નેતાઓ સામે આકરા હાથે કામ લેવાની છૂટ RSSએ કેન્દ્ર સરકારને આપી છે.

એક અધિકારીને ભૂંડી ગાળો આપીને ધમકાવનારા રાજસ્થાનના ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય પ્રહ્લાદ ગુંજલને સસ્પેન્ડ કરવાનો આદેશ આપીને નરેન્દ્ર મોદીએ ભડભડિયા નેતાઓને ચૂપ રહેવાનો સંકેત આપી દીધો છે.

નરેન્દ્ર મોદીના વલણની સ્પષ્ટતા કરતાં BJPનાં સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા બે-ત્રણ દિવસ દરમ્યાન પક્ષ અને RSSના નેતાઓ વચ્ચે અવિધિસરની વાતચીત થઈ હતી. એમાં વડા પ્રધાને RSSના નેતાઓને જણાવ્યું હતું કે હિન્દુ સંગઠનોના ભડભડિયા નેતાઓનાં નિવેદનોથી કેન્દ્ર સરકારની પ્રતિષ્ઠા ખરડાઈ રહી છે. BJP સુશાસનના મુદ્દે ચૂંટાઈ આવી છે ત્યારે આ પ્રકારની નિવેદનબાજીથી નરેન્દ્ર મોદી સરકારની ઇમેજ કટ્ટરતાવાદી સરકાર તરીકેની બનવાનો ભય છે.

મંગળવારે યોજાયેલી BJP સંસદીય પક્ષની બેઠકમાં નરેન્દ્ર મોદીએ ભડભડિયાં નિવેદનોથી દૂર રહેવાનો સંદેશ આકરા શબ્દોમાં આપ્યો હતો. જોકે એના ગણતરીના કલાકોમાં BJPના સંસદસભ્ય યોગી આદિત્યનાથે વધુ એક વાર વિવાદાસ્પદ નિવેદન કરીને સરકારને મૂંઝવણમાં મૂકી હતી. એ પછી RSS અને સરકાર વચ્ચે વધુ એક વાર વાતચીત થઈ હતી. એના પગલે ભડભડિયા નેતાઓનાં મોં બંધ થઈ ગયાં છે.

આવી નિવેદનબાજી ચાલતી રહેશે તો ૨૦૧૭માં ઉત્તર પ્રદેશમાં ભગવો  ફરકાવવાનું મિશન નિષ્ફળ થઈ જશે અને RSSની યોજનાઓને આગળ ધપાવવામાં મોટો ફટકો પડશે એવું પણ RSSને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દેવામાં આવ્યું હતું.

બીજી તરફ RSSના સિનિયર નેતાઓએ એનાં વિવિધ સંગઠનોના વડાઓને એવો સંદેશ આપ્યો છે કે બિનજરૂરી બયાનબાજી બંધ કરો. આવાં નિવેદનોથી લોકોમાં એવી છાપ પડી રહી છે કે નરેન્દ્ર મોદી સરકાર સત્તા પર આવી એટલે RSSની વગ વિસ્તરી રહી છે. ઉત્તર પ્રદેશમાં ક્રિસમસના દિવસે યોજવામાં આવનારો ઘરવાપસી કાર્યક્રમ પણ RSSના એ સંદેશ બાદ જ પડતો મૂકવામાં આવ્યો છે.